Dakshin Gujarat

બારડોલીમાં મધરાતે યુવક ઘર બહાર હિંચકે બેસી પિક્ચર જોતો હતો ત્યારે મોટરસાઈકલ પર 3 ઈસમ આવ્યાં અને…

બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં હિંડોલીયા ગામે બાકડા પર બેસી મોબાઇલ (Mobile) ફોનમાં મૂવી (Movie) જોઈ રહેલા યુવકના હાથમાંથી મોબાઇલ છીનવીને ત્રણ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે (Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલી બાજીપુરા નેશનલ હાઈવે ઉપર આવેલા હિંડોળીયા ગામે હાઇવે ટચ ચૌધરી ફળિયામાં મધ્યરાત્રીએ બહાર ખુલ્લામાં બાકડા ઉપર બેસી પોતાના મોબાઈલમાં પિક્ચર જોઈ રહેલા નિકુલ પ્રવીણભાઈ ચૌધરી નજીક મોટર સાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો પૈકીના બે ઈસમોએ મોબાઈલ ઝૂંટવી ઝડપભેર મોટર સાયકલ ઉપર બેસી ત્રણે જણાં ભાગી છુટ્યા હતાં. બારડોલી પોલીસ મથકે નિકુલ ચૌધરીએ ફરિયાદ આપતા તેનો vivo કંપનીનો રૂપિયા 10000ની કિંમતનો મોબાઇલ ઝૂંટવીને ત્રણ અજાણ્યા તસ્કરો ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.

વાપી રેલવે સ્ટેશને ભીડનો લાભ લઈ તસ્કર મોબાઈલ ચોરી ગયો
વાપી : સંઘપ્રદેશ દાનહના દાદરામાં આવેલી ચાલીમાં જયરામ રામસુંદર રાય (ઉં.38) પરિવાર સાથે રહે છે. તેની પત્ની અને બાળકો વતન જવાના હોય તેઓ વાપી રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતાં. ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ વચ્ચે તેઓને કોચમાં બેસાડી દીધા હતાં. જે અરસામાં તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ગાયબ થઈ ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ તેમણે વાપી રેલવે પોલીસ મથકમાં કરી હતી. વાપી રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ અર્જુનકુમાર શિવનારાયણ રાજભર (ઉં.23, રહે. સંજાણ, મૂળ યુપી) ની 41(1)ડી,102 મુજબ અટક કરવામાં આવી હતી અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન ચોરીનો હોવાનું અને પોલીસે તે ફોન મૂળ માલિકને બતાવતા તેમનો હોવાનું જણાવ્યુ હતું.

પાલોદમાં એકસાથે ચાર મકાનોનાં તાળા તૂટ્યાં: 12 લાખના રોકડ, ઘરેણાં ચોરાયા
હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારમાં સમાવિષ્ટ રોયલ રેસીડેન્સીમાં ગત રાત્રે તસ્કરોએ એકસાથે ચાર બંધ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો. જેમાં એક મકાનમાંથી રૂ. ₹10 થી 12 લાખના સોના ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

કોઈ જાણ ભેદૂ ચાર ચોરટાઓ રોયલ રેસિડેન્સીની દિવાલ કૂદીને રેસીડેન્સીમાં આવ્યા બાદ બંધ મકાન નંબર 288, 316, 299 અને 319 મળીને એક સાથે ચાર મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી કબાટના તાળા તોડી ત્રણ ઘરમાંથી 10 થી 15000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે અબુ સાલેહ નામના વ્યક્તિ કે જે બે દિવસ પહેલા જ મકાન બંધ કરી દિલ્હી ગયા હતાં, તેમના 319 નંબરના મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશીને કબાટમાંથી રૂપિયા 10 થી 12 લાખના ઘરેણા તેમજ રૂ. 40,000 જેટલી રોકડ ચોરી ગયા હતાં. કોઈ જાણ ભેદુ ચોરટાઓએ એક સાથે ચાર મકાનના તાળા તોડીને સરસામાન રફે દફે કરીને તરખાટ મચાવતાં અને નજીકમાં આવેલ જનતા તેમજ પોલીસને પડકાર ફેંકતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જોકે ચાર જેટલા ચોર રોયલ રેસીડેન્સી સોસાયટીના કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. બનાવની જાણ થતા પાલોદ પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ રોયલ રેસીડેન્સીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તપાસ હાથ ધરી છે. પરંતુ મકાન માલિક હાજર નહીં હોય આ લખાય છે ત્યાં સુધી લેખિત ફરિયાદ દાખલ થવા પામી નથી.

Most Popular

To Top