SURAT

સુરતની શાકભાજી માર્કેટમાં પણ વધુ પડતું કમિશન લેવાતું હોવાની આપ દ્વારા ફરિયાદ

સુરત: આમ આદમી પાર્ટી (Surat AAP)દ્વારા સુરત એપીએમસી (APMC) માર્કેટ (પૂણા સરદાર માર્કેટ યાર્ડ)માં સ્ટીંગ (Sting operation) કરવામાં આવ્યુ હોવાનો દાવો કરી આપના પુણાના નગર સેવક ધર્મેન્દ્ર વાવલિયાએ પત્રકાર પરિષદ (Press conference)ને સંબોધતા જણાવ્યું હતું કે સુરત એપીએમસીમાં વેપારીઓ પાસેથી કમિશન (Commission) એજન્ટ દ્વારા માલ વેચાણની અવેજમાં છ ટકા કમિશન લેવાનો ધારો હોવા છતા આપના સ્ટીંગમાં કેટલાક દલાલો છ થી આઠ ટકા દલાલી લેતા હોવાનું બહાર આવ્યુ છે. એવીજ રીતે કોરોનામાં માર્કેટમાં પ્રવેશતા તમામ વાહનો માટે પાસની સિસ્ટમ છે. છતા 20 ટકા વાહનો પાસ સાથે પ્રવેશે છે જ્યારે 80 ટકા વાહનો ગેરકાયદે પાસ વિના પ્રવેશ કરે છે. તેમની પાસે સિક્યોરિટી સ્ટાફ ગેરકાયદે ઉઘરાણા કરે છે. આ ઉઘરાણા કોના માટે છે? તે જાહેર થવુ જોઇએ. કમિશનની ટકાવારી રાજ્યની કોઇ પણ એમપીએમસી કરતા બે ટકા વધારે હોવાથી સુરતની જનતાને 20 ટકા મોંઘાભાવે શાકભાજી મળે છે. આપ દ્વારા પત્રકાર પરિષદમાં એપીએમસીના કેટલાક વીડિયો રજૂ કરવામા આવ્યા હતા.

એપીએમસી એક્ટ અને લાઇસન્સ પ્રથા રદ થઇ છે, માત્ર પાંચ ટકા દલાલીનો ધારો ચાલે છે: રમણ જાની
સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની(પટેલ)એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જે કોઇ લોકોએ આક્ષેપો કર્યા છે. તે અધુરી માહિતીવાળા છે. એપીએમસી એક્ટ કેન્દ્ર સરકારે રદ કરી દીધો છે. લાઇસન્સ પ્રથા પણ રદ થઇ છે. દરેક માર્કેટ યાર્ડને તેના પેટાનિયમો પ્રમાણે સેસ લેવાનો અધિકાર છે. સુરત એપીએમસીમાં ખેડૂતો પાસે કોઇ સેસ લેવાતો નથી અને કોઇ કમિશન પણ ખેડૂતો પાસે વસુલાતુ નથી. રાજ્યમાં સૌથી ઓછુ પાંચ ટકા કમિશન સુરત એપીએમસીમાં શાક ભાજીની ખરીદી કરનારા પાસે લેવાનો વેપારધારો છે. આપ દ્વારા છથી આઠ ટકાની જે વાત કરવામાં આવી છે. તે સદંતર ખોટી છે. તેમ છતા આવતીકાલે કમિશન એજન્ટો અને સિક્યોરિટી સ્ટાફને વ્યવસ્થાપક કમિટિ દ્વારા બોલાવવામા આવ્યો છે. કોઇ ક્ષતી હશે તો સુધારી લેવામાં આવશે.

આપના કાર્યકરો સામે ટ્રેડિગ ઝોનમાં ગેરકાયદે પ્રવેશ કરવા સામે કાનૂની કાર્યવાહી કરાશે
સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર વખતે કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે યોજાયેલી બેઠક મુજબ ખેડૂત, વેપારી, કમિશન એજન્ટ અને તોલાટને પાસ સાથેજ પ્રવેશ આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ગેરકાયદે માર્કેટ યાર્ડના ટ્રેડિંગ ઝોન સુધી પાસ વિના પહોંચી ગયા હતા. આ તમામ લોકો સામે ગેરકાયદે ટ્રેસ પાસિંગનો ગુન્હો દાખલ કરવા કાનૂની કાર્યવાહી કરાશે. એટલુજ નહીં સહકારી સંસ્થાને બદનામ કરવાના પ્રયાસ સંદર્ભે કાયદાવિદનો અભિપ્રાય લઇ આગળની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top