Columns

આ વર્ષની જગન્નાથપુરીની રથયાત્રામાં ૨૫ લાખ લોકો જોડાશે

આપણા ઉત્સવોમાં ‘રથયાત્રા’ ખૂબ મહત્ત્વપૂર્ણ ધર્મોત્સવ છે. સેંકડો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવાતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રા આ વખતે 1લી જુલાઈએ નીકળશે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં દર વર્ષે નીકળતી રથયાત્રામાં 8 થી 10 લાખ લોકો સામેલ થતા હોય છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન કોરોનાકાળની વિષમ પરિસ્થિતિને લીધે જગન્નાથપુરીની યાત્રા બંધ રહી હતી. મતલબ ધાર્મિક ક્રિયાઓ અને વિધિ પ્રણાલીગત પૂર્ણ કરાઈ હતી. બે વર્ષના વિરામ બાદ આ બાબતે જગન્નાથ પુરીમાં 25 લાખથી વધુ શ્રધ્ધાળુઓના આવવાની ગણતરીથી ત્યાંના પ્રસાશનો ખૂબ કાળજીપૂર્વકની વ્યવસ્થા રાખવા સજ્જ થઈ ગયાં છે.

બદરીનાથ, દ્વારિકા, પુરી અને રામેશ્વરમાં એમ ચાર ધામમાં ગણાતા જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રા માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં વિખ્યાત બની છે. પુરીની આ રથયાત્રા પછી બીજે ક્રમે આવતી અમદાવાદની રથયાત્રા છે. અમદાવાદમાં યોજાનારી આ રથયાત્રા 145મી રથયાત્રા હશે. વર્ષ 1878ની સાલમાં નરસિંહાસજી મહંતના નેતૃત્વમાં સૌ પ્રથમ રથયાત્રા અમદાવાદમાં નીકળી હતી. આ રથયાત્રામાં હાથી-ઘોડા સામેલ હોય છે પણ રથમાં જોડાતા નથી. રથને શ્રધ્ધાળુઓ દોરડા વડે ખેંચીને આખી રથયાત્રા પૂર્ણ કરતા હોય છે.

અમદાવાદમાં રથયાત્રા શરૂ થઈ ત્યારથી ખલાસી કોમના ભાઈઓ રથને ખેંચવાનું કામ કરે છે જે 2000 જેટલા ખલાસીઓ સાથેની પરંપરા આજે પણ ચાલતી આવી છે. અમદાવાદની આ રથયાત્રા કાળુપુર ખાતેના જગન્નાથજીના મંદિરેથી પ્રયાણ કરે ત્યારે પરંપરાગત રાજ્યના મુખ્ય મંત્રી ભગવાન જગન્નાથજીની પૂજા-આરતી કરી સોનાની સાવરણીથી માર્ગની સફાઈ કરી રથયાત્રામાં હાથી-ઘોડા-ઊંટ અને ઊંટગાડીઓ ઉપરાંત અસંખ્ય ટ્રકો જોડાય છે. જેમાં જુદા-જુદા અખાડાના સાધુઓ, પહેલવાનો, શરીર સૌષ્ઠવના પ્રયોગો કરતા હોય છે તો કેટલાક ટ્રકોમાં જુદા-જુદા સત્સંગમંડળો ઢોલ-નગારા અને ઝાઝ-પખાજ જેવા વાજિંત્રો વગાડી વાતાવરણને ભક્તિમય બનાવતા હોય છે.

12 થી 14 કલાકની નગરયાત્રા બાદ સરસપુર ખાતે જગન્નાથજીનું મોસાળ કહેવાતા મંદિરે પૂર્ણ થતી હોય છે. ભૂતકાળમાં રથયાત્રા દરમ્યાન કોમી તોફાનો ફાટી નીકળ્યાનો ઈતિહાસ છે. છેલ્લે દેશમાં રામનવમી અને હનુમાન જયંતી દરમ્યાન વિવિધ શહેરોમાં અનિચ્છનીય કોમી અથડામણો પછી અમદાવાદ ખાતે પોલીસ અને સરકારી તંત્ર આ વખતે સજાગ બન્યું છે. રથયાત્રાનો મોટાભાગનો રૂટ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. તેથી સરકારે આ વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ કોમના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ મેચો યોજીને કોમી એકતા મજબૂત બને તેવા પ્રયાસો કર્યા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ પાંચ સ્થળેથી રથયાત્રાઓ નીકળશે. રાજકોટ, ભાવનગર, જુનાગઢ જેવા ગુજરાતના અનેક સ્થળોએથી અષાઢી બીજની નાની-મોટી રથયાત્રાઓ નીકળે છે.

ફરીને આપણે જગન્નાથપુરીની રથયાત્રા તરફ વળીએ. ભગવાન જગન્નાથજીના મંદિરમાં બલદેવજી, સુભદ્રાજી અને જગન્નાથ (કૃષ્ણજી)ની અર્ધપ્રતિમાઓ છે. જે અંગેની કથા વારંવાર પ્રગટ થઈ હોવાથી અત્રે સવિસ્તર ઉલ્લેખનીય નથી પણ સંક્ષિપ્તમાં જાણીએ. ઈન્દ્રધુમ્ન નામના રાજાને ત્યાંના સમુદ્રતટેથી એક વિશાળ લાકડું મળી આવ્યું અને તેમાંથી તેમણે ભગવાનની મૂર્તિ બનાવવાનું વિચાર્યું. તે દરમ્યાન ભગવાન વિશ્વકર્મા વૃધ્ધ કારીગરના સ્વરૂપે આવી મૂર્તિ બનાવી આપવાનું જણાવે છે અને એ શરતે કે હું જાતે મારા ખંડનો દરવાજો ખોલું નહિ ત્યાં સુધી મારા કક્ષનો દરવાજો કોઈએ ખોલવો નહિ…. ઘણા મહિના નીકળી ગયા પછી રાજાની ધીરજ ખૂટી ગઈ અને દરવાજા ખોલાવ્યા ત્યારે વિશ્વકર્મા ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ત્રણ ભવ્ય અધૂરી મૂર્તિ જોવા મળી. મોહક-તેજોમય મૂર્તિને અંતે રાજાએ સ્વીકારી અને પૂજાસ્થાને પ્રસ્થાપિત કરી હતી પણ મંદિરના નિર્માણ અંગે એવી કથા પ્રાપ્ય છે કે 12મી શતાબ્દી પહેલાં પૂર્વીગંગ રાજવંશના રાજા અનંતવર્મન ચોડગંગ દેવ દ્વારા જગન્નાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ. આ મંદિરની ચારે બાજુ અદ્દભુત કોતરણીથી શોભતા ચાર દ્વાર છે. પૂર્વનું સિંહદ્વાર, દક્ષિણમાં અશ્વદ્વાર, પશ્ચિમમાં વ્યાઘ્ર દ્વાર અને ઉત્તરમાં હસ્તિદ્વાર તરીકે ઓળખાય છે. મંદિર પરિસર 19 એકરમાં ફેલાયું છે. જેમાં 9 એકર જગ્યામાં મંદિર નિર્માણ પામ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સવાર હોય કે સાંજ મંદિરનો પડછાયો ક્યારેય જોવા નથી મળતો.

ઉત્તરપ્રદેશમાં રામમંદિરના નિર્માણનો પ્રારંભ થઈ ગયો છે તો વારાણસીમાં યાત્રીઓની સગવડતા માટે વિશાળ કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રાસ્થળોના વિકાસના આ દોરમાં ઓરિસ્સાના જગન્નાથપુરીનો પણ સમાવેશ છે. આ માટે વિશાળ સંખ્યામાં આવતા યાત્રાળુઓની અધિકાધિક સગવડતાઓને ધ્યાનમાં રાખી પુરી કોરીડોર યોજના બનાવાઈ છે જેના માટે સરકારે 3200 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મંદિર પરિસરને ભવ્યાતિભવ્ય કાયાકલ્પ દ્વારા આધુનિક સગવડદાયી બનાવવાની સરકારી યોજના ચરણબધ્ધ ચાલશે. પ્રથમ ચરણનું કામ તો ક્યારનું શરૂ થઈ ગયું છે. જેમાં 331 કરોડ તો 12 એકર જમીનના વિકાસ અને પુનનિર્માણ માટે જ ચૂકવાયા છે. પૌરાણિક મંદિરને સ્પર્શ કર્યા વગર જ પરિસરથી માંડી યાત્રીઓ સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે પ્રકારની યોજનાઓ બનાવાઈ છે. આખું આયોજન 9 લેયરમાં પૂરું કરાશે. પ્રથમ લેયરમાં બફર ઝોન રહેશે. મંદિર ભવનના 9 મીટરની અંદર કોઈ પ્રવેશ નહિ મળે, પૂજારીને પણ નહીં. બીજા લેયરમાં અંદરની પરિક્રમાનો માર્ગ 10 મીટર પહોળો હશે. રથયાત્રા દરમ્યાન મૂર્તિને લાવવા-લઈ જવા માટેના અધિકારિક લોકોને જ તેમાં પ્રવેશ રહેશે.

ત્રીજા લેયરમાં લેન્ડસ્કેપ 14 મીટર પહોળો હશે જેમાં ગાર્ડન, ફૂટપાથ અને બેસવાની સગવડ હશે. જ્યાં બેસી શ્રધ્ધાળુઓ મંદિરનું દર્શન કરી શકશે. ચોથા લેયરમાં બહારની મોટી પરિક્રમાનો માર્ગ 8 મીટર પહોળો બનાવાશે. જેમાં પગપાળા પરિક્રમાની સાથે અશક્ત કે વયોવૃદ્ધ લોકો બેટરી સંચાલિત રિક્ષામાં ફરી શકશે. પાંચમું લેયર 10 મીટર પહોળાઈનું હશે જેમાં શૌચાલય, ક્લોકરૂમ, રેસ્ટરૂમ જેવી સુવિદ્યાઓ બનશે. છઠ્ઠું લેયર એ સર્વિસલેન 4.5 મીટરનું હશે જેમાં ફક્ત એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહનો અને ઈમરજન્સી વાહનો જ આવી- જઈ શકશે. સાતમું અને અંતિમ લેયર આઉટર રોડ એરિયા હશે જે 20 મીટર પહોળાઈનું હશે. બેટરી રિક્ષામાં ત્યાં શ્રધ્ધાળુઓ આવીજઈ શક્શે. આ પ્રકારના કાયાકલ્પ પછી અત્યારની ખુલ્લી જગ્યા 5 એકરમાં છે તે વધીને 25 એકર સુધીની થઈ જશે.

આ મહત્ત્વાકાંક્ષી મંદિર પરિસર હેરીટેજ કોરીડોર પરિયોજનાની કલ્પના તો 2016માં કરવામાં આવેલી પણ પ્લાન અને નિર્માણ ખર્ચને આખરી ઓપ આપ્યા બાદ 2019માં પૂર્ણ સ્વરૂપ અપાયું અને ડેવલોપમેન્ટનું કાર્ય ચાલુ પણ કરી દેવાયું છે. માર્ચ-2023 સુધીમાં આ કાર્ય પૂરું થવાની સંભાવના છે. આ યોજનામાં વિશેષ આયોજનરૂપ 600ની ક્ષમતાવાળો સ્વાગત હોલ, સંગીતમય માહોલ, મંદિરની સુરક્ષા, ભક્તોની સુરક્ષા, પુરીનું સરોવર તથા મૂસા નદી તટનો પુનરોધ્ધાર, જગન્નાથ ક્લ્ચરલ સેન્ટર, યાત્રીઓને રહેવા માટે ત્રણ ધર્મશાળા, ચાર માળ સુધીનું મલ્ટીલેવલ પાર્કિંગ અને મંદિર સુધીના રોડ-રસ્તા આકર્ષક બની રહે તેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આવતા વર્ષની રથયાત્રામાં સામેલ થવાનો પ્રોગ્રામ બનાવી રાખશો કારણ કે કાયાકલ્પ થયેલ જગન્નાથપુરી નગરી ખૂબ જ સોહામણી અને સગવડદાયી બનવાની છે.

Most Popular

To Top