SURAT

ઉત્રાણના BRTS રૂટમાં ઘૂસેલી બાઈકની ટક્કરથી મહિલાનું મોત

સુરત: ઉત્રાણ વિસ્તારમાં મહિલા બીઆરટીએસ બસમાં મુસાફરી માટે સ્ટેન્ડ પર જતી હતી, તે સમયે બીઆરટીએસ રૂટમાં ઘુસેલા બાઇકરે મહિલાને ટક્કર મારી હતી, જેમાં બંનેને ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઉત્રાણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ઉત્રાણના એમ્બેવલીની બાજુમાં સુમન સાથ આવાસ ખાતે રહેતા અનિલભાઈ પટેલ, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના વતની છે. તેઓ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. પરિવારમાં પત્ની ભાવનાબેન (49 વર્ષ) અને સંતાનો છે. ભાવનાબેન 10મી જુલાઈના સવારના સમયે મોટા વરાછા ખાતે વીઆઈપી સર્કલ પાસે એટીએમમાંથી પૈસા કાઢવા ગયા હતા. એટીએમમાંથી પૈસા નહીં નીકળતા તે બીઆરટીએસ બસમાં ઘરે જવાના હોવાથી વીઆઇપી સર્કલ સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં જઈ રહ્યાં હતાં.

તે દરમિયાન બીઆરટીએસ રૂટમાં ઘુસેલા બાઇકર મયુર પાટીલે ભાવનાબેનને અડફેટે લીધા હતા. બંને ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવનાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ બાઈકચાલક મયુરની સારવાર ચાલી રહી છે. બનાવને પગલે ઉત્રાણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુની તપાસ શરુ કરી છે.

પાંડેસરામાં ટ્રક અડફેટે સાયકલ સવાર આધેડનું મોત
સુરત: પાંડેસરામાં તેરે નામ ચોકડી પાસે વહેલી સવારે ટ્રક ડ્રાઈવરે બેદરકારથી ટ્રક ચલાવીને સાઈકલ સવાર આધેડને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. આધેડ નોકરી પુર્ણ કરીને પરત ઘરે જતા હતાં, ત્યારે તેરે નામ ચોકડી પાસે કાળ ભટકાઈ ગયો હતો.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરા હરીઓમનગરમાં રહેતા રમાશંકર હરિલાલ ગૌતમ (50 વર્ષ) મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા. તેઓ છેલ્લા 20 વર્ષથી સુરતમાં રોજગારી અર્થે સ્થાયી થયા હતા. રમાશંકર પાવર લુમ્સના ખાતામાં સંચા મશીનના કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આજે સવારે લગભગ સવા સાત વાગ્યાની આસપાસ રમાશંકર રાતપાળીમાં કામ કરી સાયકલ લઈને પરત ઘરે ફરી રહ્યા હતા. દરમિયાન પાંડેસરા વિસ્તારમાં તેરે નામ ચોકડી નજીક તેમને ટ્રકના ડ્રાઈવરે બેદરકારીથી ટ્રક ચલાવીને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ લોકોની ભીડ ભેગી થઈ હતી. રમાશંકરને 108 દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. મોડે સુધી ઘરે ન આવતા દીકરાઓ પિતાની શોધખોળ માટે નિકળ્યા હતા.

દરમિયાન અકસ્માત થયો હોવાની જાણ થતા તે જોવા દીકરાઓ પહોંચતા મૃતક અજાણી વ્યક્તિ પિતા હોવાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. માર્ગ અકસ્માતમાં રમાંશંકરનું મોત થતાં બે દીકરા અને ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top