Columns

એક સ્વિમસ્યુટ રૂપિયા 99 કરોડનો…?!

સમય સાથે થતાં અમુક પરિવર્તનને સમાજના કેટલાક વર્ગ સ્વીકારી શક્તા નથી. ‘આ જગતમાં એક જ વાત-વસ્તુ કાયમી છે અને એ છે સતત થતું પરિવર્તન’. આ સનાતન સત્ય અનેક લોકો – ખાસ કરીને વડીલો સ્વીકારી લેતા નથી અને પરિણામે આવતી યુવા પેઢી ને વિદાય લેતી વૃદ્ધ પેઢી વચ્ચે સતત ઘર્ષણ ચાલતું રહે છે. વર્ષો પૂર્વે ફિલ્મલાઈનમાં નવી નવી આવેલી અભિનેત્રી શર્મિલા ટાગોરે એ વખતના ભારાડી ગણાતા ટોપ સ્ટાર શમ્મી ક્પૂર સાથેની ‘ઍન ઈવનિંગ ઈન પેરિસ’ ફિલ્મમાં વન પીસ સ્વિમિંગ સ્યૂટમાં દ્રશ્યો આપ્યાં તો ઊહાપોહ મચી ગયો હતો કારણ કે એ પહેલી અભિનેત્રી હતી જેણે આવાં ‘ઉઘાડાં’ દૃશ્યો શૂટ કરાવ્યાં હતાં. આને લીધે બબાલ મચી ગયો હતો.

ખાસ કરીને, બંગાળમાં… ભદ્રલોગ બાબુમૉશાયો ભડકી ગયા કે કવિ રવિ ઠાકુર ( રવીન્દ્રનાથ ટાગોર) પરિવારની દીકરી જાહેરમાં આવાં ટૂંકાં વસ્ત્રોમાં આવી અ-ભદ્ર ચેષ્ટા કેમ કરી જ શકે…?’ એ વખતે ‘બુર્ઝવા’ વડીલોને ‘આવા ગાર્દ’ એટલે કે આધુનિક વિચારધારા ધરાવતી યુવા પેઢી વચ્ચે ઘણું ‘ઢિશુમ..ઢિશુમ’ થયું હતું. આજે ફરી આવો જ બબાલ મમતાદીદીના બંગાળમાં મચ્યો છે. ના, આ વખતના વાદ-વિવાદમાં કોઈ એકટ્રેસ નથી. વિખવાદનું કેન્દ્ર છે અહીંની એક યુનિવર્સિટીની એક લેડી પ્રોફેસર. વાત કંઈક આમ છે. કોલકાત્તાની ‘સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી’ની એક લેડી પ્રોફેસરે થોડા મહિના પહેલાં સ્વિમસ્યુટમાં ઝડપેલી પોતાની એક તસવીર એના સોશ્યલ મીડિયાના ‘ઈન્સ્ટાગ્રામ’માં પોસ્ટ કરી હતી.

આમ તો એ પોસ્ટ અંગત મિત્રો માટે હતી પરંતુ ન જાણે કેમ એ સ્વિમિંગ સ્યુટની તસવીર એના અકાઉન્ટમાંથી હેક થઈને સાઈબર સ્પેસમાં વાઈરલ થઈ ગઈ. એ તસવીર ફરતી ફરતી કોઈ વાલીને પહોંચી અને એમણે યુનિવર્સિટીના કર્તાહર્તાઓને ફરિયાદ કરી કે ખુદ લેડી પ્રોફેસરની જ ‘આવી’ તસવીરો જાહેરમાં આવે તો બાપડા વિદ્યાર્થીનાં માસૂમ -કુમળા મન પર કેવી આડ-અસર પડે? આવી ફરિયાદ પછી પેલી પ્રોફેસર પાસેથી એની ઈચ્છા વિરુદ્ધ રાજીનામું લઈ લેવામાં આવ્યું. એટલું જ નહીં, ‘તમારી તસવીરથી અમારી સંસ્થાની ઈજ્જત-પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો હોવાથી એના વળતરરૂપે રૂપિયા 99 કરોડનું વળતર ચૂકવો વત્તા માફી પણ માગો…!’

આ કિસ્સાની આજે સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા ચાલી રહી છે. સદભાગ્યે, આ વખતે ત્યાંની યુવા પેઢી સાથે બુઝર્ગ બાબુમૉશાયો પણ પેલી લેડી પ્રોફેસરની પડખે રહીને યુનિવર્સિટીના આવા મનસ્વી-તઘલખી નિર્ણયની કડક ટીકા કરી રહ્યા છે. આવો જબરો સાથ મળતા ગેલમાં આવી ગયેલી સ્વિમસ્યુટ લેડી પ્રોફેસર પણ પોતાને બરતરફ કરનારી મહાવિદ્યાલય વિરુદ્ધ કોલકાત્તા હાઈકોર્ટે ચઢી છે… તગડા વળતર માટે!

આને શું કહેવાય… વેરી કે દેશપ્રેમી?
અજબ રીતે બદલો લેવાની આ વાત રશિયાની છે. ત્યાંના મોસ્કો શહેરમાં એક વ્યક્તિએ ટેક્સી એપ દ્વારા ટેકસી બોલાવી. ક્યાં જવાનું છે અને એને ક્યા સ્થળેથી ‘પીકઅપ્’કરવાનો-લેવાનો એ નક્કી થઈ ગયું. વરદી આપનારી વ્યક્તિએ ઘણી વાર સુધી ટેકસીની રાહ જોઈ. વાહન તો ન આવ્યું પણ પેલી ટેકસીના ડ્રાઈવરનો મેસેજ આવ્યો કે ‘સોરી, હું તમને સર્વિસ નહીં આપી શકું…. બીજી ટેકસી શોધી લેજો…!’ પેલો કસ્ટમર તો ધુંવાપુંવા થઈ ગયો. ટેક્સી ડ્રાઈવરે એને એવી ટાંગ આપી હતી કે પોતે કંઈ કરી શકે તેમ ન હતો….

આ ઘટનાના ૧૫-૨૦ દિવસ પછી મોસ્કોના એવિયાપાર્ક જેવા મશહૂર શોપિંગ મોલ વિસ્તારમાં એક એવી ઘટનાએ આકાર લીધો કે સ્થાનિક સત્તાવાળા- પોલીસ તેમ જ નાગરિકો અવાક થઈ ગયા. બન્યું એવું કે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ એ ફેમસ વિસ્તારમાં એક પછી એક એક સાથે 300-400 ટેક્સીઓ આવીને એ રીતે એકઠી થઈ ગઈ કે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો. ચોતરફ અંધાધૂંધી મચી ગઈ…. ભાડે ટેક્સી આપતી એક જાણીતી કંપનીની બુકિંગ એપમાં ઘાલમેલ-હેક કરીને આ રીતે સંખ્યાબંધ ટેકસીને વરદી આપી એક જ સમયે – એક જ સ્થળે એકઠી કરીને વ્યસ્ત મોસ્કોનો ટ્રાફિક બહુ ખરાબ રીતે ખોરવી નાખવામાં આવ્યો હતો…!

પાછળથી પોલીસ અને ટેકસી કંપનીને જાણ થઈ કે 15-20 દિવસ પહેલાં એના એક ડ્રાઈવરે જે ગ્રાહક્ને ટાંગ આપી હતી એ કુશળ હેકર હતો. એણે જ આ રીતે સાઈબર અટેક કરીને રશિયાની ટેકસી કંપની પર બદલો લીધો હતો. એટલું જ નહીં, આ રીતે વેર વાળનારો હેકર રશિયાના દાના દુશ્મન યુક્રેનનો હતો!
બોલો, આને કહી શકાયને ‘દેશપ્રેમી વેરી’!

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
સારી કંપનીવાળા હંમેશાં કુશળ -અનુભવી માણસોની શોધમાં રહે છે. જરૂર પડે તો વધારે પગાર આપીનેય પોતાને ત્યાં ખેંચી લાવે. આ તો જાણીતો શિરસ્તો છે. જો કે, અમેરિકાની ‘ગોરિલા’ નામની એક માર્કેટિંગ કંપનીની નીતિ-રીતિ કંઈક અજબ છે. કોઈ ત્યાં જોબ કરતું હોય અને એને બીજે ક્યાંક વધુ સારી સેલેરીવાળી જોબ મળતી હોય પછી એ ‘ગોરિલા’ના માલિકને જાણ કરે કે હું તમારી જોબ છોડી રહ્યો છું તો કંપની એના છેલ્લાં 6 અઠવાડિયાંનો પગાર વધારીને એને વિદાય આપે છે! કંપની કહે છે કે તમે આટલો સમય અમારે ત્યાં કામ કર્યું અને હવે તમે બીજે જ્યાં પણ જાવ ત્યાં સારી કામગીરી બજાવો એવી શુભેચ્છા સાથે તમને આ પગાર-વધારો કરી આપીએ છીએ. …જાવ, મોજ કરો. …ચિયર્સ…!
સ્વિડનમાં રહેતી મોટાભાગની વ્યક્તિ વર્ષ દરમિયાન સરેરાશ 22 પાઉન્ડ અર્થાત આશરે 10 કિલોગ્રામ જેટલી ચોકલેટ ઓહિયા કરી જાય છે !
ઈશિતાની એલચી
તમને જાણીને વિસ્મય થશે કે ગુજરાતના મોટાભાગના શ્વાન અંગ્રેજી જાણે છે ને સમજે પણ છે…!!

Most Popular

To Top