Business

ગુરુના એક પત્રએ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન બદલ્યું, હાલ પરિવારમાં છે આટલા લોકો

ગુજરાતમાં હાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ વિશાળ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. તો આ ઉજવણીમાં બાપાનાં પરિવારને કેમ ભૂલી શકાય..શું તમે જાણો છો કે તેઓનું પરીવાર હાલ ક્યા છે અને શું કરે છે? આવી જાણીએ.

પ્રમુખ સ્વામી મહારાજનો પરીવાર
પ્રમુખ સ્વામી મહારાજનાં માતાનું નામ દિવાળી બેન અને પિતાનું નામ મોતીભાઈ હતું. પ્રમુખ સ્વામી મહારાજને ત્રણ ભાઈ તેમજ ત્રણ બહેન છે. ડાહ્યાભાઇ, નંદુભાઈ અને શાંતિલાલ(પ્રમુખ સ્વામી મહારાજ). બહેનોમાં સૌથી મોટાં કમળાબેન પછી ગંગાબેન અને સવિતાબેન હતાં. બે બહેનોને ભાયલી ગામમાં પરણાવ્યા હતા અને એક બહેન ઉમરેઠના ઓડ ગામમાં પરણાવ્યા હતા અને બાપાના ધામમાં ગયા બાદ આણંદમાં રહેતાં ગંગાબેનનું નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં જ સ્વામી બાપાના ભાભી જશોદાબેનનું નિધન થયું હતું.

બાપાનાં પરિવારનો એકમાત્ર વારસદાર ભત્રીજો
બાપાના પરિવારનાં બે જ ધ્યેય હતા એક ખેતી અને બીજું પ્રભુ ભક્તિ. ક્રિકેટના શોખીન એવા બાપાને તેઓના ગુરુજી શાસ્ત્રીજી મહારાજનો ‘શાંતિલાલ સાધુ થવાનો સમય થઈ ગયો છે’ એવું લખેલો કાગળ મળ્યો અને બધું છોડીને બાપા મહારાજના સાંનિધ્યમાં જવા નીકળી પડ્યા.. તેઓને દીક્ષા લીધા બાદ નવું નામ મળ્યું હતું જે પ્રમુખ સ્વામી હતું. પ્રમુખ સ્વામી મહારાજનો જે ઘરમાં જન્મ થયો હતો તે ઘરમાં હાલ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની દુર્લભ તસવીરો પણ મુકવામાં આવી છે. હાલમાં બાપાના પરિવારમાં તેઓના ભત્રીજા અશોક ભાઈ છે જે પ્રમુખ સ્વામી મહારાજનાં મોટા ભાઈ ડાહ્યાભાઈનાં પુત્ર છે. બાપાનો પરિવાર હાલ વડોદરા શહેરમાં રહે છે.

બાપાનો ભત્રીજો આવ્યો એવું સાંભળતા જ સ્વામીજી ચાલ્યા જતા
અશોકભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં મારા પિતા સહિત ત્રણ ભાઈમાં એકમાત્ર હું જ વારસદાર છું. સદભાગ્યથી મને આ કુટુંબમાં જન્મ મળ્યો છે. બાપાના આશીર્વાદથી જ અમે આજે આટલા સુખી છીએ. અમે ઘણી વખત બાપાને સારંગપુરમાં મળવા માટે જતાં હતાં. બાપા દેવલોક પામ્યા એના આઠ માસ પહેલાં હું બાપાને મળ્યો હતો. સામાન્ય હરિભક્તોની જેમ જ બાપાને અમે મળતા હતા. અને જો કોઈ હરિભક્ત ભૂલથી બોલી પડે કે બાપાનો ભત્રીજો આવ્યો છે તો તરત જ બાપા ચાલ્યા જતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મારા કાકા નહિ પરંતુ મારા માટે ભગવાન સ્વરૂપ છે.

પ્રમુખ સ્વામી જે પારણામાં ઝૂલ્યા હતા એ પારણું આજે પણ સાચવી રખાયું છે
ભત્રીજાએ બાપાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, બાપાને સંસાર છોડવાનો વખત આવ્યો ત્યારે મોતી દાદા અને દિવાળી બાએ ખૂબ રાજીખુશીથી આજ્ઞા આપી તેઓને વિદાય આપી. આજે એ જ દિવ્ય પુરુષ પ્રમુખ સ્વામી મહારાજે લોકોમાં ભક્તિનો સાગર ફેલાવ્યો. શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે બાપાને આશીર્વાદ આપ્યા હતા, અને તેમના પિતાને કહ્યું હતું કે, “આ બાળક અમારું છે. જ્યારે સમય યોગ્ય થાય, ત્યારે કૃપા કરીને તે અમને આપો. તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે. તેના દ્વારા, હજારો મુક્તિ પ્રાપ્ત કરશે.

અશોકભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિઓ યાદગીરી રૂપે સાચવી રાખી છે. આ ઉપરાંત બાળપણમાં સ્વામીજી જે પારણામાં ઝૂલી મોટા થયા તે પણ સાચવી રાખ્યું છે. અશોકભાઈએ જણાવ્યું કે, હું અને મારા બાળકો આ જ પારણાંમાં ઝૂલી મોટા થયા છે. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજનું લિવિંગ સર્ટિફિકેટ પણ તેઓએ સાચવી રાખ્યું છે.

અશોકભાઈનો પરિવાર
પ્રમુખ સ્વામી મહારાજનાં એક માત્ર વારસદાર તેઓના ભત્રીજા અશોકભાઈનાં પરીવારમાં તેઓ, તેમના પત્ની અને એક પુત્રી તેમજ એક પુત્ર છે. તેઓ હાલ મેડિકલ ઓક્સિજનનો બિઝનેસ કરે છે. તેમનાં પત્ની ગૃહિણી છે અને સત્સંગી કાર્યકર છે. અશોકભાઈની પુત્રી નિધિએ જણાવ્યું હતું કે આજે અમે જે કંઈ છીએ એ બાપાના આશીર્વાદથી જ છીએ. અશોકભાઈના પુત્ર પરેશે જણાવ્યું હતું કે બાપાએ મને ખોળામાં બેસાડીને મારું નામ પાડ્યું હતું.

Most Popular

To Top