SURAT

અમને પહેલા જમવાનું કેમ નહીં આપ્યું કહી દર્દીની માતાએ નર્સને થાળી મારી, સુરતની ઘટના

સુરત: કોઈને કોઈ કારણથી સતત ચર્ચામાં રહેતી નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ ઉપર દર્દીની માતાએ નર્સ ઉપર થાળીથી હુમલો કરી હાથના કોણીના ભાગે ઇજા પહોંચાડી હતી. મહિલા નર્સે રડતાં રડતાં આરએમઓ ઓફિસમાં ફરિયાદ કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં જી-3 વોર્ડમાં એક પેશન્ટની દેખરેખ માટે છેલ્લા 4 મહિનાથી તેની માતા પણ સતત તેની સાથે રહે છે.

  • નવી સિવિલ હોસ્પિટલમાં જી-3 વોર્ડમાં બનેલા બનાવની આરએમઓ ઓફિસમાં ફરિયાદ કરાઈ

આજ રોજ સવારે બારેક વાગે વોર્ડમાં દર્દીઓને જમવાનું આપવામાં આવી રહ્યું હતું. તે સમયે જ દાઝેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે નર્સે નવા આવેલા દર્દીને પહેલા જમવાનું આપ્યું હતું. તેથી 4 મહિનાથી દાખલ દર્દીની આધેડ વયની માતાએ મહિલા નર્સ સાથે ઝગડો કર્યો હતો. તેણે નર્સને કહ્યું કે પહેલા બીજા દર્દીને અને પછી અમને શા માટે જમવાનું આપે છે.? અમે પહેલાથી વોર્ડમાં છીએ એટલે અમને જ પહેલા જમવાનું આપવું બાકીના દર્દીઓને પછી આપવું. નર્સે દર્દીની માતાને બહુ સમજાવી પરંતુ તે માની ન હતી. દર્દીની માતા ઉશ્કેરાઈ ગઈ અને તેણીએ નર્સને જમવાની થાળી મારી દીધી હતી. તેથી નર્સને ડાબા હાથે કોણીએ ઇજા થઈ હતી. નર્સે આ બાબતે રડતા-રડતા આરએમઓ ઓફિસમાં ફરિયાદ કરી હતી.

વરાછામાં કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતા દોડાદોડી, સામાન ખાક્ થઈ ગયો
સુરત: વરાછા વિસ્તારની અર્ચના સ્કુલ પાસે આવેલી એક કાપડની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટના બનતા જ સ્થળ પર અફરાતફરી મચી હતી. આગ ભીષણ હોય, સ્થાનિકો ગભરાયા હતા અને તુરંત જ ફાયર વિભાગમાં ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, અર્ચના સ્કુલ પાસે આવેલી સીતારામ સોસાયટી ખાતે બેંગ્લોરી કાપડની દુકાનમાં મોડી રાત્રે દુકાન બંધ હતી ત્યારે આગ લાગવાની ઘટના બની હતી. એકાએક જ આગ વિકરાળ થઈ હતી અને દુર દુર સુધી આગના ગોટેગોટા દેખાયા હતા. ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને ફાયરમાં ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે દુકાન માલિકને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે કાપોદ્રા, ડુંભાલ અને પુણાગામ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી. આગ વિકરાળ હોય, મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો તેમજ ટેબલ સહિત અન્ય સામાન પણ બળીને ખાક થઇ ગયો હતો પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top