Columns

એક ગાંઠ મીઠપભરી

નેહા અને નિશા શાળાના દિવસોથી મિત્ર હતા.પાડોશી હતા.અને હવે શાળા બાદ એક જ કોલેજમાં જવા લાગ્યા એટલે સવારથી રાત સુધી સાથે જ રહેતા અને સાથે જ ભણતા. હરતા-ફરતા. તેમની મિત્રતા દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. ભણવાનું પૂરુ થયું. બંને જણે નોકરી શોધી. નોકરી જુદી જુદી જગ્યાએ મળી, પણ રોજ સાંજે બંને અચૂક મળતાં. નેહા અને નિશા બન્નેનાં માતા પિતા હવે તેમના લગ્નની વાત કરવા લાગ્યાં અને નિશાના લગ્નનું નક્કી થયું નીતેશ સાથે અને નીતેશના જ કાકાના દીકરા નિહારને નેહા બહુ ગમી ગઈ અને વાત આગળ વધતાં નેહા અને નિહારની સગાઈ પણ નક્કી થઇ ગઈ.

નેહા અને નિશા હવે પાકી બહેનપણીઓમાંથી લગ્ન બાદ દેરાણી – જેઠાણી બનવાની હતી. આમ તો તેમનાં ઘર જુદાં જુદાં હતાં, પણ પાસે જ હતાં અને પરિવારનો બિઝનેસ સાથે હતો, જે બન્નેના સસરા અને નીતેશ અને નિહાર સંભાળતા હતા. બિઝનેસ સારો ચાલી રહ્યો હતો. પરિવારમાં બધાં ખુશ હતાં કે નેહા અને નિશાના આવવાથી પરિવારમાં પ્રેમ વધશે. નેહા અને નિશાએ નક્કી કર્યું કે તેઓ પોતાની મિત્રતાની ઉપર કોઈ સબંધને હાવી નહિ થવા દે.

અમુક વાંક દેખાઓ પાછળથી વાત કરવા લાગ્યા કે , ‘હવે તો દોસ્તી ભૂલી જશે …થોડા વખતમાં દેરાણી – જેઠાણીની હુંસા તુંસી અને છાની ખટપટ ચાલુ થઇ જશે..’ લગ્ન થઇ ગયા…પરિવારમાં પ્રેમ હતો અને ખટપટ બહુ ન હતી… નેહા અને નિશાની સાસુઓ પણ દેરાણી -જેઠાણી હતી પણ ઝઘડા ન હતા એટલે નેહા અને નિશાની દોસ્તીએ તેમને પણ વધુ નજીક લાવી દીધાં. અનેક દિવસો, મહિનાઓ, વર્ષો વીત્યાં.

બિઝનેસમાં મોટું નુકસાન થયું અને ભૂલ કોની તે બાબત પર બધાના મનમાં કડવાશ આવી ગઈ. નીતેશ અને નિહાર બંને હવે એકબીજા સાથે બહુ ઓછું બોલતા …ઓફીસ પણ જુદા જુદા જતાં અને હવે બિઝનેસમાં ભાગ પડવાની વાત આવી. નેહા અને નિશાના સંબંધ પર કોઈ અસર થઇ ન હતી પણ તેઓ દુઃખી થઇ ગયા કે આ તૂટેલા, બગડેલા સંબંધોને કઈ રીતે ફરી બાંધવા. નેહાએ પોતાના પતિ નિહારને કહ્યું, ‘મને લાગે છે બધી ભૂલ નીતેશભાઈની છે તો આપણે શું કામ નુકસાન સહન કરીએ…’ નિહાર ધીમેથી બોલ્યો, ‘ના વધારે ભૂલ મારી છે …’ આ બાજુ નિશાએ પોતાના પતિ નીતેશને કહ્યું, ‘જો ભૂલ બધી નિહારે કરી હોત તો નુકસાન પણ તે જ ભરે…’ નીતેશ ધીમેથી બોલ્યો, ‘ના ના ભૂલ તો મારી પણ છે તેણે તો મેં કહ્યું તેમ જ કર્યું છે.’

નેહા અને નિશાએ આ વાતચીત રેકોર્ડ કરીને એકબીજાને મોકલાવી અને પોતપોતાના પતિને સંભળાવી. નીતેશ અને નિહારને સમજાવ્યું કે તમે બે ભાઈઓ એકમેક માટે કેટલો પ્રેમ ધરાવો છો… બિઝનેસમાં નુકસાન જાય, તેમાં કડવાશ રાખી સંબંધ તોડવાનો કોઈ અર્થ નથી. તૂટેલા સંબંધોને મનમાં છુપાયેલા પ્રેમ અને વિશ્વાસથી ફરી મજબુતાઈથી બાંધી લઈએ. પરિસ્થિતિ ખરાબ છે આપણે નહિ. મનમાં આશા રાખીએ કે આપણે સાથે હોઈશું તો ફરી બધું ઠીક થઈ જશે અને આમ નેહા અને નિશાએ તૂટેલા સબંધોને મધુરતાની ગાંઠથી ફરી બાંધી દીધા. નિહાર અને નીતેશ બીજે દિવસે સાથે ઓફીસ ગયા.

Most Popular

To Top