World

અમેરિકામાં ગુજરાતી પટેલ ડોક્ટરે કાર પરિવાર સાથે 300 ફૂટ નીચે ખીણમાં કુદાવી

વોશિંગ્ટન: અમેરિકા (America) માં મૂળ ભારતીય ડોક્ટર (Indian Doctor)ની ધરપકડ (Arrest)કરવામાં આવી છે. તેઓની પર હત્યાના પ્રયાસ અને બાળ શોષણનો આરોપ છે. ભારતીય મૂળના વ્યક્તિ ધર્મેશ પટેલે જાણી જોઈને તેની ટેસ્લા કારને 250 થી 300 ફૂટ નીચે ખીણમાં કુદાવી હતી. આ વ્યક્તિ સાથે તેની પત્ની અને બે બાળકો પણ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ આટલા ભયંકર અકસ્માત બાદ પણ આખા પરિવારનો જીવ બચી ગયો હતો, જ્યારે કાર સંપૂર્ણ બરબાદ થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ તેને કોઈ ચમત્કારથી ઓછું નથી માની રહ્યા. યુએસ હાઈવે પેટ્રોલ પોલીસે જણાવ્યું હતું કે, “પાસાડેના, કેલિફોર્નિયાના રહેવાસી ધર્મેશ એ. પટેલને હોસ્પિટલમાંથી મુક્ત થવા પર સાન માટો કાઉન્ટી જેલમાં મોકલવામાં આવશે.”

આ રીતે રેસ્ક્યુ ઓપરેશન થયું
કેલિફોર્નિયાની હાઇવે પેટ્રોલ પોલીસે જણાવ્યું હતું કે ધર્મેશ પટેલ, તેમની પત્ની અને બાળકો સોમવારે સાન માટો કાઉન્ટીમાં ડેવિલ્સ સ્લાઇડ હિલ પરથી બચાવ્યા બાદ અકસ્માતમાં બચી ગયા હતા. અમેરિકન હેલિકોપ્ટર ક્રૂએ વાહનમાંથી બે પુખ્ત વયના લોકોને બચાવ્યા હતા. તેમના સિવાય બે બાળકો, ચાર વર્ષની છોકરી અને નવ વર્ષના છોકરાને પણ ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તે બધા ટેકરી પરથી નીચે પડ્યા હતા. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના ઘટના કમાન્ડર બ્રાયન પોટેંગરે જણાવ્યું હતું કે અકસ્માત બાદ હાજર લોકોએ 911 પર ફોન કરીને જાણ કરી હતી. ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે આટલી વધુ ઝડપે અને આટલી ઊંડી ખીણમાં પડ્યા પછી દરેકનું બચવું કોઈ ચમત્કારથી ઓછું નથી. ત્યાંના લોકોએ કહ્યું કે બાળકો કારની સીટો વચ્ચે બચી ગયા હોય.

ટેસ્લા કાર 250 થી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી
આ બચાવ કાર્યને લોકોએ ચમત્કારિક ગણાવ્યું છે. હાઈવે પેટ્રોલ પોલીસના જણાવ્યા અનુસાર ટેસ્લા કાર 250 થી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. એક પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એકત્ર કરાયેલા પુરાવાઓના આધારે, તપાસકર્તાઓએ આ ઘટનાને પૂર્વયોજિત બનાવ હોવાનું નક્કી કર્યું છે.” પોલીસે આ અકસ્માતના પાસાઓ જાણવા માટે બનાવની રચના કરી હતી.

હોસ્પિટલમાંથી બહાર આવતા જ આરોપી જેલમાં જશે
ઘટના બની ત્યારે કારમાં તેની પત્ની અને બે બાળકો પણ બેઠા હતા. ચારેય લોકોને બચાવીને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધર્મેશ પટેલે જાણી જોઈને તેની પત્ની અને બે બાળકો સાથે કારને ભેખડ પરથી નીચે ઉતારી હતી. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ પોલીસે જણાવ્યું કે સારવાર બાદ આરોપી જેલમાં જશે.

Most Popular

To Top