Sports

પહેલી ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર, આ પ્લેયરની અચાનક એન્ટ્રી

નવી દિલ્હી: સાઉથ આફ્રિકા (SouthAfrica) સામેની પહેલી ટેસ્ટ મેચમાં (Test) ઈનિંગ અને 32 રનથી શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં (IndianTeam) મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં ફાસ્ટ બોલરની અચાનક એન્ટ્રી થઈ છે. મોહમ્મદ શમીના (MohmamadShami) સ્થાને ભારતીય ટીમમાં અવેશ ખાનનો (AveshKhan) સમાવેશ કરાયો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીના સ્થાને ઝડપી બોલર અવેશ ખાનને દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરાયો હોવાની એનાઉસમેન્ટ કરી છે. શમીને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ સિરિઝ માટે સિલેક્ટ કરાયો હતો, પરંતુ સિરિઝ શરૂ થાય તે પહેલાં તે ફિટનેસ સાબિત કરી શક્યો ન હતો. તેથી શમી સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. બીસીસીઆઈ શમી ફિટનેસ મેળવે તેની રાહ જોતું હતું,પરંતુ બીજી ટેસ્ટ પહેલાં પણ શમીની ફિટનેસમાં પોઝિટિવ ફેરફાર નહીં જણાતા તે સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડે શમીના બદલે અવેશ ખાનને ટીમમાં સિલેક્ટ કર્યો છે.

બીસીસીઆઈએ આજે જાહેર કર્યું કે, સિલેક્શન કમિટીએ મોહમ્મદ શમીના સ્થાને અવેશ ખાનનું નામ જાહેર કર્યું છે. કેપટાઉનમાં 3થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન સાઉથ આફ્રિકા સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં શમીના બદલે અવેશ ખાનનો સમાવેશ કરાયો છે.

જણાવી દઈએ કે અવેશ ખાન અત્યાર સુધીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં 22.65ની એવરેજથી 149 વિકેટ મેળવી છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સિરિઝમાં ભારતીય ટીમનો ભાગ હતો. વન ડે સિરિઝમાં ભારતીય ટીમે જીત મેળવી હતી.

ભારત પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ્સ અને 32 રનથી હાર્યું
ભારત સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઇનિંગ અને 32 રને હારી ગયું. ગુરુવારે (28 ડિસેમ્બર) મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 163 રનની લીડ મળી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  હવે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

Most Popular

To Top