Entertainment

આર્યન ખાન બાદ ટાઈગર શ્રોફની હિરોઈનનું નામ ડ્રગ્સ કેસમાં ઉછળ્યું: NCB એ પૂછપરછ શરૂ કરી, ફોન કબ્જે લીધો

આર્યન ખાન (Aryan Khan) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Party Case) હવે વધુ એક સ્ટાર કિડનું નામ બહાર આવ્યું છે. આજે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બોલિવુડની ઉભરતી હિરોઈન અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની (Ananya Pandey) પૂછપરછ શરૂ કરી છે. ટાઈગર શ્રોફ (Tiger Shroff) સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી અનન્યા પાંડેએ આર્યન ખાન સાથે વોટ્સએપ પર ડ્રગ્સ વિશે ચેટ કરી હોવાનું કહેવાય છે. NCB ના અધિકારીઓએ અનન્યા પાંડેનો ફોન કબ્જે લઈ લીધો છે.

NCB વતી કેસની તપાસ કરી રહેલા વીવી સિંહની આગેવાની હેઠળની ટીમ આજે અભિનેત્રી અનન્યા પાંડેના (Ananya Pandey) ઘરે પણ પહોંચી હતી. શાહરૂખના બંગલાથી પરત ફરતી વખતે NCBની ટીમે મીડિયાકર્મીઓ સાથે પણ વાત કરી હતી. અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવા અંગે NCB ના અધિકારીઓએ કહ્યું કે, ‘શંકાસ્પદ અને સાક્ષીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. કોઈને પૂછપરછ માટે બોલાવવાનો અર્થ એ નથી કે તે આરોપી છે.

નોંધનીય છે કે, NCB દ્વારા ગઈકાલે તા. 20 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ આર્યન ખાનની વોટ્સએપ ચેટ રજૂ કરવામાં આવી હતી, જેમાં તે અભિનેત્રી સાથે ડ્રગ્સ વિશે વાતચીત કરતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ચેટ્સના પગલે જ આર્યનની જામીન અરજીને કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. કોર્ટે આર્યનના જામીન ફગાવ્યાના બીજા જ દિવસે આજે NCBના અધિકારીઓ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે તેની પૂછપરછ કરવા પહોંચ્યા હતા, તેથી તે વોટ્સએપ ચેટ્સ આર્યન અને અનન્યા વચ્ચે જ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


NCBએ શાહરૂખના મેનેજર પાસેથી આર્યનનો રેકોર્ડ માંગ્યો હતો

ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન ખાનના (Aryan Khan) પિતા બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) બંગલા ‘મન્નત’ (Mannat) ની તપાસ બાદ NCBની ટીમ પરત આવી છે. શાહરુખ ખાનના ઘરે પહોંચવા અંગે NCB એ કહ્યું કે, કેટલાક પેપર વર્ક બાકી હતા, તેથી મન્નતમાં તપાસ માટે ગયા હતા.

મન્નત પહોંચ્યા બાદ NCBની ટીમે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીને નોટિસ આપી હતી. આર્યનનો શૈક્ષણિક અને તબીબી રેકોર્ડ માંગવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે NCB ની ટીમ માત્ર પૂજાને નોટિસ આપવા માટે પહોંચી હતી. વાસ્તવમાં શાહરૂખ ખાનની પણ તેના બંગલા મન્નતમાં ઓફિસ છે. આવી સ્થિતિમાં NCB ની ટીમે નોટીસ આપવા તેના ઘરે જવું પડ્યું હતું.

જાણવા મળ્યા અનુસાર શાહરૂખ ખાનના ઘરે પહોંચેલી NCB ટીમે પણ અભિનેતાને પુત્ર આર્યનનું અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ તેને સોંપવાનું કહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે NCBએ અનન્યાનો ફોન તેમની પાસે રાખ્યો છે. NCBના અધિકારીઓએ કહ્યું કે આવા કિસ્સાઓમાં અમારે ઘણા લોકોને પૂછપરછ કરવી પડે છે. અનન્યા પાંડેએ પૂછપરછ માટે આજે 2 વાગ્યે NCB ઓફિસમાં હાજર થવાનું છે. અનન્યા પાંડે એક ચંકી પાંડેની પુત્રી પણ છે. આ બાબતે તેમનું નામ આર્યન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન જેની સાથે વોટ્સએપ ચેટ પર ડ્રગ્સ વિશે વાત કરી રહ્યો હતો તે અભિનેત્રી અનન્યા પાંડે હતી. હવે જોવાનું એ રહે છે કે અનન્યા પાંડેની પૂછપરછ કર્યા બાદ NCB નું આગળનું પગલું શું હશે.

Most Popular

To Top