વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલને નિશાન બનાવી છે. તસ્કરોએ સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી ઓક્સિજન રૂમમાંથી સાધનો રીપેરીંગ કરવાની કીટના ટુલ્સ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રાવપુરા પોલીસે CCTVની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ હાહાકાર મચાવી મૂક્યો છે. શહેરમાં ઉપરા-છાપરી બની રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. રાત્રિ પેટ્રોલિંગની વાતો કરતા પોલીસ તંત્ર દ્વારા ખરેખર રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે છે કે, માત્ર કાગળ ઉપર પેટ્રોલિંગ થઇ રહ્યું છે. તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં મંગળવારે રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલને બાકોરું પાડીને પ્રવેશેલા તસ્કરો રીપેરીંગ કીટના ટુલ્સની ચોરી જતાં હોસ્પિટલમાં ચકચાર મચી ગઇ હતી.
સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં સવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. ત્યારે સ્ટોરના મુખ્ય દરવાજો ખોલીને અંદર ગયા હતા. સ્ટોર રૂમમાં જતાં તેઓને બાયોમેડિકલ વર્કશોપમાં સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતા તેઓને દીવાલ પર બાકોરું જણાઇ આવ્યું હતું. આ સાથે તેઓને તાજેતરમાં જ લગાવવામાં આવેલો ટેબલ ઉપર પડેલો CCTV જોયો હતો.
આ બાયોમેડિકલ સ્ટોરમાં બાયોમેડિકલ એન્જિનિયરો સાધનોનું રીપેરીંગ કામ કરે છે. કર્મચારીઓએ તેની બાજુમાં આવેલા ઓક્સિજન રૂમના તાળાં તુટેલા જોતા તેમાં તપાસ કરી હતી. જેમાં ઓક્સિજન રૂમ સ્થિત કબાટોનો સામાન વેરવિખેર જોતા તુરંત જ તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરના અધિકારી ડો. જાગૃતિ ચૌહાણ સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા.
જ્યાં તપાસ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બાયોમેડિકલ વર્કશોપમાંથી તસ્કરો સાધનો રીપેરીંગ કરવાના ટુલ્સ ચોરી કરી ગયા હોવાનું અનુમાન છે. તસ્કરો ઓક્સિજન સિલીન્ડર કે અન્ય કોઇ ચિજવસ્તુઓ ચોરી ગયા નથી. બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસ દ્વારા સ્થળની મુલાકાત લઇ CCTV ફૂટેજ મેળવીને સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ચોરી કરનાર તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.