અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પ્રેમીને મોંઘી ગિફ્ટ આપવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પતિએ ચોરીની ફરિયાદ નોંધાવતા પત્ની જ ચોરી કરનાર નીકળી હતી.
શહેરના વટવા વિસ્તારમાં નીગમ રોડ ઉપર આવેલા રાજપથ બંગલામાં ૨૨મી જુલાઇના રોજ ચોરી થઇ હોવાની ઘટના પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. પોલીસે ફરિયાદના આધારે ઘરમાં તપાસ શરૂ કરી હતી. એફ.એસ.એલ દ્વારા ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા હતા. જેના આધારે તપાસ હાથ ધરતા ફિંગર પ્રિન્ટ રિદ્ધિના હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની પૂછપરછમાં રિદ્ધિએ પોતાના બોયફ્રેન્ડને મોંધો આઈફોન ગિફ્ટ આપવા માટે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત તેની ફોઇ સાસુ રોહિણીનો પ્રેમી પણ દેવાદાર થઈ જતા ફોઈને આર્થિક મદદ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.