સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક સુરતનાં પ્રવાસી (Tourist) પરિવારની આઈ 20 કાર પલટી મારી જતા કારમાં સવાર 8 વર્ષીય બાળકનું ગંભીર ઈજાઓનાં કારણે મોત નિપજતા સાપુતારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારમાં સવાર અન્ય ચાર ઇસમોને પણ ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ કપિલભાઈ અરવિંદભાઈ પટેલ (રહે, ગોડાદરા સુરત) જેઓ પરિવાર સાથે આઈ-20 કાર ન. જી.જે. 05 આર.સી. 7892માં સવાર થઈ સાપુતારાની સહેલગાહે જઈ રહ્યા હતા. તે દરમ્યાન વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક ગફલતભરી રીતે કારને હંકારતા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈ-20 કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહી સ્થળ ઉપર આઈ-20 કારનો ખુરદો બોલાઈ ગયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર 8 વર્ષીય બાળક કબીર પટેલને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજ્યુ હતુ. જ્યારે કારમાં સવાર અન્ય ચાર ઇસમોને પણ ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.