દહેજ પંથકના જણીયાદરા ગામમાં સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે હોબાળો મચાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ ભરાવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ સરપંચ ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. તેમણે મહિલા કર્મચારી સહિત પેટ્રોલ પંપના અન્ય સ્ટાફ સાથે ગાળાગાળી અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. એટલું જ નહીં, કારમાંથી તલવાર કાઢીને મહિલા કર્મચારી તરફ ધસી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જણીયાદરા ગામના સરપંચ ઇન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રાણા ઉર્ફે અલ્પેશ પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પંપ પર ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારીએ તેમને કાર અન્ય પોઇન્ટ પર લઈ જવા માટે જણાવ્યું હતું. સામાન્ય સૂચન બાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, મામલો ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો અને સરપંચે મહિલા કર્મચારી સાથે ઉગ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે.
વિવાદ વધતાં સરપંચ પોતાની કારમાંથી તલવાર કાઢીને બહાર આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ખુલ્લી તલવાર સાથે મહિલા કર્મચારી તરફ ધસી ગયા હતા અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર હાજર અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલા કર્મચારીને બચાવવા માટે અન્ય સ્ટાફના લોકો વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન કર્મચારીઓએ પોલીસને જાણ કરવાની વાત કરતાં સરપંચ વધુ ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. તેમણે કર્મચારીઓને ધમકાવતા કાર ચઢાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, કારથી કર્મચારીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાના દૃશ્યો પેટ્રોલ પંપ પર લાગેલા કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસનું પણ ધ્યાન આ મામલે ગયું હતું. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી અને પેટ્રોલ પંપના કર્મચારીઓ પાસેથી પણ વિગતો મેળવવામાં આવી હતી. દહેજ પોલીસે આ મામલે રાત્રે જ સરપંચ વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ સરપંચ સામે ઝપાઝપી કરવા, ગાળાગાળી કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા, વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કરવા તેમજ તલવાર જેવા હથિયાર સાથે રાખવા સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે સરપંચને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપ પર થયેલી શરૂઆતની બોલાચાલી કયા કારણોસર વધી અને તલવાર કાઢવા તથા વાહન ચઢાવવાના પ્રયાસની પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ પોલીસ દ્વારા પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓના નિવેદનો અને ઉપલબ્ધ વીડિયો સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ, મામલો સામે આવ્યા બાદ સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યાર બાદ તેમનો ફોન સ્વિચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું.