સુરતની ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત
આણંદ-નડિયાદ વચ્ચે ઓવરટેકિંગ લેનમાં સર્જાયો અકસ્માત: 4 મુસાફરો લોહીલુહાણ
આણંદ.
આણંદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક હૃદય કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને આણંદ અને નડિયાદ વચ્ચે ઓવરટેકિંગ લેનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 5 નિર્દોષ મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 4 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર હાઇવે પર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બુધવારે વહેલી સવારના અંધારામાં પુરપાટ ઝડપે જઈ રહેલી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને મૃતદેહો બસમાં ફસાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ગ્રામ્ય પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તરફડતા 4 ઘાયલ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ગંભીર ઘાયલને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ત્રણ ઘાયલોને આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે એક્સપ્રેસ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.