Entertainment

‘તમને કોઈ ઓળખતું નહોતું’ સલમાન ખાને મનોજ તિવારીની દીકરીને નેપોટિઝમ મુદ્દે સંભળાવી ખરી-ખરી

‘બિગ બોસ 20’ના તાજેતરના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં મનોજ તિવારીની દીકરી રીતી તિવારીને સલમાન ખાનની આકરી ટકોરનો સામનો કરવો પડ્યો. શોમાં રીતીના વર્તન અને ભાષાને લઈને સલમાને સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને કાજી તૌકીર અને ઉદિતિ સાથેના એક રેપ બેટલ દરમિયાન રીતી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચામાં રહી હતી. આ સમગ્ર મુદ્દે સલમાને માત્ર રીતીને જ નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યોને પણ ટકોર કરી કે જ્યારે વાત હદ વટાવી રહી હતી ત્યારે કોઈએ તેમને રોક્યા કેમ નહીં.

સલમાન ખાને રીતીને સમજાવતાં કહ્યું કે તેઓ શોમાં પોતાની અલગ ઓળખ બનાવવાના હેતુથી આવી છે, પરંતુ તેમનું વર્તન અને ભાષા તેમને બીજી જ દિશામાં લઈ જઈ રહ્યા છે. સલમાને રીતીને યાદ અપાવ્યું કે તેઓ જાણીતા ભોજપુરી કલાકાર અને સાંસદ મનોજ તિવારીની દીકરી છે. શોમાં આવતા પહેલાં સામાન્ય લોકોમાં તેમની ઓળખ મુખ્યત્વે તેમના પિતાના નામ સાથે જોડાયેલી હતી.

આ દરમિયાન સલમાને ‘નેપોટિઝમ’નો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે રીતીને કહ્યું કે બહાર લોકો એવી ચર્ચા કરી શકે છે કે મનોજ તિવારીની દીકરી હોવાના કારણે તેમને ‘બિગ બોસ’ જેવા મોટા પ્લેટફોર્મ સુધી પહોંચવાની તક મળી. સલમાને એ પણ કહ્યું કે લોકો કહી શકે છે કે તેમને કોઈ ઓળખતું નહોતું અને પિતાની ઓળખના કારણે જ તેમને આ તક મળી. આ વાત સાંભળીને રીતી પણ આ મુદ્દાને સ્વીકારતી જોવા મળી.સલમાને આગળ રીતીને પૂછ્યું કે આવી પરિસ્થિતિનો સામનો તેઓ કેવી રીતે કરવા માગે છે,ગુસ્સાથી કે સમજદારીથી? આ દરમિયાન સલમાનનો ભાર એ વાત પર હતો કે રીતીને પોતાના વર્તન પર નિયંત્રણ રાખીને પોતાની ઓળખ બનાવવી પડશે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે રીતી તિવારીએ પોતાના પિતાની ઓળખ સાથે જોડાયેલા દબાણ અંગે વાત કરી હોય. અગાઉના ‘વીકએન્ડ કા વાર’ દરમિયાન રીતી ભાવુક થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમને ‘મનોજ તિવારીની દીકરી’ તરીકે જોવામાં આવતી હતી અને પોતાના વર્તન અંગે પણ પરિવારની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.રીતીએ અગાઉ એવો પણ ખુલાસો કર્યો હતો કે પિતાની લોકપ્રિયતાને કારણે તેમને પોતાની અલગ ઓળખ બનાવવામાં મુશ્કેલી અનુભવાઈ. તેમના જણાવ્યા અનુસાર, પિતાએ જે નામ, પૈસા અને સફળતા મેળવી હતી તે તેમને વારસામાં મળી નહોતી; તેમને મુખ્યત્વે પિતાનું નામ મળ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મનોજ તિવારીએ કરિયરમાં તેમને સીધી મદદ નહીં કરવાની વાત કરી હતી અને પોતાનું ટેલેન્ટ સાબિત કરીને આગળ વધવાની સલાહ આપી હતી.

રીતી તિવારી આ સિઝનમાં સિંગર, સોંગરાઇટર, કમ્પોઝર અને પ્રોડ્યુસર તરીકે પોતાની ઓળખ રજૂ કરી રહી છે. ‘બિગ બોસ’માં એન્ટ્રી સમયે પણ સલમાન ખાને તેમને પોતાની અલગ ઓળખ બનાવવાની સલાહ આપી હતી. શોના પ્રોમોમાં મનોજ તિવારી પોતાની દીકરીને સપોર્ટ કરવા પહોંચ્યા હતા અને સલમાને મજાકીયા અંદાજમાં રીતીને પોતાના પિતાની જૂની ‘બિગ બોસ’ની યાદો સાથે જોડાયેલી ચેતવણી પણ આપી હતી.શોમાં આવ્યા બાદ રીતીની સિંગિંગ અને કેટલાક વર્તનને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ છે. બીજી તરફ, કાજી તૌકીરને મળતી પ્રશંસા અંગે રીતી નારાજ હોવાની ચર્ચા પણ સામે આવી હતી. એક વીડિયોમાં તેઓ કાજીને મળતી પ્રશંસા અને સ્ક્રીન સ્પેસ અંગે વાત કરતી જોવા મળી હતી.

આ સમગ્ર ઘટનાએ ‘બિગ બોસ’માં સ્ટાર કિડ્સ, પોતાની ઓળખ અને નેપોટિઝમને લઈને ચાલી રહેલી ચર્ચાને ફરી વેગ આપ્યો છે. હવે રીતી તિવારી સલમાનની આ ટકોર બાદ પોતાના વર્તનમાં શું ફેરફાર કરે છે અને શોમાં પોતાની અલગ ઓળખ કેવી રીતે બનાવે છે, તેના પર દર્શકોની નજર રહેશે.

Most Popular

To Top