દિલ્હીના ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં આવેલા સ્વરૂપ નગર વિસ્તારમાં એક સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાના બે દિવસ બાદ એક ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શરૂઆતમાં મૃતદેહની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી હતી. જોકે, પોલીસે 50થી વધુ CCTV કેમેરાની ફૂટેજ તપાસી સમગ્ર કેસની કડી જોડવામાં સફળતા મેળવી અને ત્રણ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 13 સપ્ટેમ્બરની સવારે સ્થાનિક લોકોએ ખેતરમાં એક મૃતદેહ પડેલો જોયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી શરૂઆતમાં મૃતક પુરુષ છે કે મહિલા તે નક્કી કરવું પણ મુશ્કેલ બન્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન મૃતદેહની ઓળખ 16-17 વર્ષની સગીરા તરીકે થઈ હતી. તબીબી તપાસમાં તેના પર જાતીય અત્યાચાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસને શરીર પર ગંભીર ઈજાના નિશાન પણ મળ્યા હતા. પોલીસને શંકા છે કે ઘટના 11 સપ્ટેમ્બરની આસપાસ બની હતી અને ત્યારબાદ મૃતદેહને કુશક રોડ નજીકના ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી કે સગીરા ચારેય આરોપીઓને અગાઉથી ઓળખતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે તે આરોપીઓ સાથે એક ટેમ્પોમાં ગઈ હતી. ત્યારબાદ તેની સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હોવાનો આરોપ છે.આ કેસમાં શરૂઆતમાં પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષદર્શી નહોતો. મૃતદેહની સ્થિતિને કારણે પણ તપાસમાં મુશ્કેલી આવી રહી હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના રસ્તાઓ પર લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન 50થી વધુ CCTV કેમેરાની ફૂટેજ ખંગાળવામાં આવી હતી. આ દરમિયાન ઘટનાસમયની આસપાસ એક ટેમ્પો શંકાસ્પદ રીતે વિસ્તારમાંથી પસાર થતો જોવા મળ્યો હતો.
CCTV ફૂટેજમાં અંધારાના કારણે ટેમ્પોનો નંબર સ્પષ્ટ દેખાતો ન હતો. છતાં પોલીસ ટીમે અલગ-અલગ સ્થળોના CCTV ફૂટેજને જોડીને ટેમ્પોની અવરજવરનો રૂટ તૈયાર કર્યો. આ રીતે તપાસ આગળ વધારવામાં આવી અને 15 તથા 16 સપ્ટેમ્બરની વચ્ચે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.આ તપાસના આધારે પોલીસ શંકાસ્પદ ટેમ્પો સુધી પહોંચી હતી. ટેમ્પોના ચાલકની પૂછપરછ બાદ પોલીસને અન્ય શંકાસ્પદ લોકો અંગે માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. તેમાં એક પુખ્ત આરોપી અને ત્રણ સગીરનો સમાવેશ થાય છે. પુખ્ત આરોપીની ઓળખ શિવમ ઉર્ફે સુદામા ઉર્ફે ચૂચૂ તરીકે કરવામાં આવી છે. ત્રણેય સગીરોની ઉંમર 16થી 17 વર્ષની વચ્ચે હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે તપાસ દરમિયાન ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હોવાનું જણાવાતા બે ધારદાર હથિયારો, આરોપીઓના કપડાં તેમજ ટેમ્પો જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.હાલ ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર ઘટનામાં કોની કેટલી ભૂમિકા હતી, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ફોરેન્સિક અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.