સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પી.પી. સવાણી સ્કૂલ ખાતે બનેલી ઘટનાનો વિવાદ હજી શાંત પડ્યો નથી, ત્યાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભગવાન ગણેશજીની પ્રસાદી માટે ઓનલાઈન મંગાવવામાં આવેલા મોતીચૂરના લાડુમાંથી ફૂગ અને તીવ્ર દુર્ગંધ નીકળતાં ખળભળાટ મચ્યો છે. સીલબંધ પેકેટમાંથી જ ફૂગવાળા લાડુ મળતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ઓનલાઈન ડિલિવરી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. અહીં રહેતા પ્રદીપ ગુપ્તાએ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટ પરથી 1 કિલોગ્રામ મોતીચૂરના લાડુનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર માટે ગ્રાહક પાસેથી રૂ. 504 લેવામાં આવ્યા હતા. લાડુ ‘લાલ’ બ્રાન્ડના પેકેટમાં ડિલિવર કરવામાં આવ્યા હતા.
પરિવારજનો ભગવાન ગણેશજીના નૈવેદ્ય માટે લાડુનું પેકેટ ખોલવા ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. સીલબંધ પેકેટ ખોલતાં જ તેમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. પેકેટની અંદર રહેલા લાડુ પર સફેદ રંગની ફૂગ જામી ગયેલી જોવા મળી હતી. લાડુની સ્થિતિ જોઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. ગણેશ ચતુર્થી જેવા પવિત્ર તહેવાર દરમિયાન ભગવાનને પ્રસાદી તરીકે ધરાવવા માટે મંગાવવામાં આવેલા લાડુમાંથી આવી સ્થિતિમાં ખાદ્ય પદાર્થ મળી આવતાં ગ્રાહકે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સીલબંધ પેકેટ હોવા છતાં અંદરથી ફૂગવાળા લાડુ મળતાં ગ્રાહકે મીઠાઈની ગુણવત્તા અને તેની સ્ટોરેજ તથા ડિલિવરી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં લાડુ પર જામી ગયેલી ફૂગ અને પેકેટની સ્થિતિ જોવા મળી રહી છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ગ્રાહકે આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રીને ટેગ કરીને યોગ્ય તપાસ અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી મીઠાઈ તથા અન્ય ખાદ્ય પદાર્થોની ખરીદી કરતા હોય છે. આવી સ્થિતિમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવાની જવાબદારી વધુ મહત્વની બની જાય છે.
આ ઘટના સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તહેવારોની મોસમમાં મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોના વેચાણમાં વધારો થતો હોવાથી તંત્રએ માત્ર ફરિયાદ બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી જ સઘન ચેકિંગ હાથ ધરવું જોઈએ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે બેદરકારી દાખવનારા મીઠાઈ વિક્રેતાઓ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ સામે નિયમ મુજબ તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને ઓનલાઈન મંગાવવામાં આવતા ખાદ્ય પદાર્થો ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી તેમની ગુણવત્તા જળવાઈ રહે છે કે નહીં, તેની પણ યોગ્ય ચકાસણી થવી જરૂરી છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પ્રસાદી માટે મંગાવવામાં આવેલા લાડુમાંથી ફૂગ નીકળવાની આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે પેકેટ સીલબંધ હોય તો પણ ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે સાવચેતી રાખવી જરૂરી છે. હવે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.
વીડિયો જોવા અહીં ક્લિક કરો
https://www.instagram.com/reel/DdTUlkBkRd9/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==