સોશિયલ મીડિયામાં આજકાલ AIની મદદથી જૂના સમયની તસવીરો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો પોતાના વર્તમાન ફોટાને 1980 કે 1990ના દાયકાના વિન્ટેજ લુકમાં બદલીને જૂની યાદો તાજી કરી રહ્યા છે. જોકે, રાંદેરના એક ગણેશ મંડળે આ ટ્રેન્ડથી થોડો અલગ રસ્તો અપનાવ્યો છે. અહીં AIની મદદ લીધા વગર વડીલોની યાદો અને વર્ષો જૂની માહિતીના આધારે પાંચ દાયકા પહેલાંના રાંદેરને ગણેશ મંડપમાં જીવંત કરવામાં આવ્યું છે. આ વર્ષે રાંદેરના ગણેશ મંડળ દ્વારા ‘રાંદેર ગામ બજાર’ની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે. આ થીમમાં 1972ના રાંદેરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની દુકાનો, તે સમયના વાહનો, બજારની રચના અને રાંદેરની ઓળખ સાથે જોડાયેલી અનેક નાની-મોટી વિગતોને મંડપમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરિણામે ગણેશ મંડપમાં પ્રવેશતા જ જાણે લોકો પાંચ દાયકા પાછળના રાંદેરમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે.
સુરતના પ્રાચીન વિસ્તારોમાં રાંદેરનું આગવું સ્થાન છે. એક સમય હતો જ્યારે રાંદેરની ગલીઓ અને બજારો તેની ખાસ ઓળખ ગણાતા હતા. રોજિંદા જીવન માટે લોકોની સતત અવરજવરથી અહીંનું બજાર ધમધમતું રહેતું. સમય બદલાતો ગયો તેમ રાંદેરનું સ્વરૂપ પણ બદલાયું. જૂની ઇમારતો અને દુકાનોનું રૂપ બદલાયું, વાહનો બદલાયા અને બજારમાં પણ અનેક ફેરફાર આવ્યા. આજે નવી પેઢી જે રાંદેરને જોઈ રહી છે તે પાંચ દાયકા પહેલાંના રાંદેરથી ઘણું અલગ છે. આ બદલાયેલા સમય વચ્ચે જૂના રાંદેરની ઓળખને સાચવી રાખવા માટે આ થીમ તૈયાર કરવાનો વિચાર આવ્યો. આયોજક નિલેશ પટેલના જણાવ્યા મુજબ, 1972ના રાંદેરને માત્ર કલ્પનાના આધારે રજૂ કરવાને બદલે તે સમયને પોતાની આંખે જોયેલા વડીલો પાસેથી માહિતી એકત્ર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાંદેરના બજારમાં કઈ દુકાનો ક્યાં હતી, બજારનો માહોલ કેવો હતો, લોકોની અવરજવર કેવી હતી અને તે સમયની ખાસ ઓળખ શું હતી, જેવી અનેક વિગતો વડીલો પાસેથી મેળવવામાં આવી.
આ માટે માત્ર મોટી અને જાણીતી બાબતો પર જ ધ્યાન આપવામાં આવ્યું નથી. રાંદેરની જૂની ઓળખ સાથે જોડાયેલી નાની નાની વિગતોને પણ શોધીને થીમમાં સામેલ કરવામાં આવી છે. દિનેશ પટેલે જણાવ્યું કે વડીલો સાથેની વાતચીત દરમિયાન એવી ઘણી બાબતો જાણવા મળી જે આજના સમયમાં કદાચ સામાન્ય લાગે, પરંતુ તે સમયના રાંદેરને સમજવા માટે ખૂબ મહત્વની હતી. વડીલોની યાદોમાં રહેલા આ રાંદેરને મંડપમાં ઉતારવા માટે જૂની દુકાનો, વાહનો અને બજારમાં જોવા મળતી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર માહોલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે મંડપમાંથી પસાર થતા લોકો માત્ર ગણેશ મૂર્તિના દર્શન જ ન કરે, પરંતુ થોડા સમય માટે જૂના રાંદેરની ગલીઓ અને બજારનો અનુભવ પણ કરી શકે.
થીમને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે આયોજકો ધર્મેશ સુરતી સહિતની ટીમે રાંદેરની જૂની ઓળખ જાળવવા પર ખાસ ધ્યાન આપ્યું છે. કઈ વસ્તુ ક્યાં હતી અને તે સમયના બજારનું વાતાવરણ કેવું હતું તેની માહિતી મેળવીને મંડપની રચના કરવામાં આવી છે. આ કારણે આ થીમ માત્ર સજાવટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ રાંદેરના સ્થાનિક ઇતિહાસને રજૂ કરતી એક પ્રકારની જીવંત ઝલક બની છે. આ થીમનું સૌથી ખાસ પાસું એ છે કે તે માત્ર યુવાનો કે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર નથી. રાંદેરના વડીલો જ્યારે મંડપમાં જૂના બજારની રચના જુએ છે ત્યારે તેઓ પોતાની જિંદગીના અનેક વર્ષો પાછળ પહોંચી જાય છે. કોઈ જૂની દુકાન જોઈને તેમને યાદ આવે છે કે ત્યાં પહેલાં શું મળતું હતું, તો કોઈ જૂનું વાહન જોઈને તે સમયની અવરજવર અને બજારની સ્થિતિની વાતો યાદ આવે છે.
વડીલો પોતાની આ યાદો બાળકો અને યુવાનો સાથે શેર કરે છે. આમ, મંડપમાં માત્ર જૂની વસ્તુઓ જોવા મળતી નથી, પરંતુ તેની સાથે જોડાયેલી વાતો પણ એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. યુવાનો માટે આ માત્ર ગણેશોત્સવની સજાવટ નથી રહેતી, પરંતુ પોતાના જ વિસ્તારના ભૂતકાળને જાણવાની એક અનોખી તક બની જાય છે. આ રીતે ‘રાંદેર ગામ બજાર’ એક જ સમયે બે પેઢીને જોડવાનું કામ કરી રહ્યું છે. વડીલો માટે આ મંડપ ભૂતકાળની મીઠી યાદો તાજી કરવાનું માધ્યમ બન્યો છે, જ્યારે બાળકો અને યુવાનો માટે તે પોતાના વિસ્તારનો ઇતિહાસ સમજવાની જીવંત પાઠશાળા બની ગયો છે.
ખાસ વાત એ છે કે જ્યારે સોશિયલ મીડિયામાં AIની મદદથી વિન્ટેજ તસવીરો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાંદેરના આયોજકોએ કોઈ કૃત્રિમ તસવીર કે AI જનરેટેડ દૃશ્યનો સહારો લીધો નથી. તેમણે વાસ્તવિક યાદોને આધાર બનાવ્યો છે. રાંદેરને પોતાની આંખે જોયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે 1972ના ગામ બજારને ફરી ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગણેશોત્સવ સામાન્ય રીતે ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલો તહેવાર છે, પરંતુ સમયની સાથે અનેક મંડળો પોતાની થીમ દ્વારા સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદેશ પણ આપી રહ્યા છે. ‘રાંદેર ગામ બજાર’ની થીમ પણ એ જ દિશામાં એક અનોખો પ્રયાસ છે. અહીં ગણેશ દર્શનની સાથે લોકો પોતાના વિસ્તારના ભૂતકાળની સફર પણ કરી રહ્યા છે. પાંચ દાયકા પહેલાંનું રાંદેર હવે માત્ર વડીલોની યાદોમાં સીમિત નથી રહ્યું. આ ગણેશ મંડપે તેને નવી પેઢીની નજર સામે ફરી જીવંત કરી દીધું છે. વડીલોની યાદો, સ્થાનિક ઇતિહાસ અને ગણેશોત્સવની સર્જનાત્મકતા સાથે તૈયાર થયેલું ‘રાંદેર ગામ બજાર’ ખરેખર રાંદેરની વિન્ટેજ ઓળખને ફરી એકવાર લોકો સમક્ષ લાવતું અનોખું ઉદાહરણ બન્યું છે.