કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હિન્દી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ભારતીય ભાષાઓની વિવિધતાને દેશની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતની અનેક ભાષાઓ કોઈ નબળાઈ નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત બનાવતી શક્તિ છે. દરેક ભાષા પોતાની સાથે એક ઇતિહાસ, લોકપરંપરા અને જીવનને જોવાનો અલગ દૃષ્ટિકોણ લઈને આવે છે. અમિત શાહે કહ્યું કે ભાષા માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, પરંતુ તે સમાજની સ્મૃતિ અને આત્મજાગૃતિ સાથે જોડાયેલી છે. ભારતની ભાષાકીય વિવિધતા દેશની ઓળખનો મહત્વનો ભાગ છે. આ વિવિધતાની વચ્ચે હિન્દીએ દેશના અલગ અલગ વર્ગો અને સમુદાયોને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, હિન્દીનો વિકાસ અન્ય ભારતીય ભાષાઓના ભોગે નહીં, પરંતુ તમામ ભાષાઓના સન્માન, સંરક્ષણ અને સંવર્ધન સાથે થવો જોઈએ.
તેમણે કહ્યું કે હિન્દી કોઈ ભારતીય ભાષાની હરીફ નથી. તે ભારતીય ભાષાઓ વચ્ચેના સંવાદ અને રાષ્ટ્રીય એકતામાં મહત્વપૂર્ણ કડી બની શકે છે. ભારતના ઇતિહાસમાં એવા અનેક મહાનુભાવો થયા છે, જેમની માતૃભાષા હિન્દી નહોતી, પરંતુ તેમણે હિન્દીને દેશના લોકો સાથે જોડાવાનું માધ્યમ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. અમિત શાહે ઉદાહરણ આપતા કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીની માતૃભાષા ગુજરાતી હતી, પરંતુ તેમણે ‘સત્યાર્થ પ્રકાશ’ હિન્દીમાં લખ્યો હતો. મહાત્મા ગાંધીએ 1918માં મદ્રાસમાં દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કરી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ બંગાળી હતા, છતાં તેમણે આઝાદ હિંદ ફોજમાં હિન્દીને સંપર્ક ભાષા બનાવી હતી અને દેશને ‘જય હિંદ’નું સૂત્ર આપ્યું હતું. તેમના મતે, હિન્દીને દેશના જાહેર સંદેશાવ્યવહારની ભાષા બનાવવામાં માતૃભાષા હિન્દી ન ધરાવતા અનેક મહાનુભાવોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
પોતાની વાત કરતા અમિત શાહે કહ્યું કે તેમની માતૃભાષા ગુજરાતી છે, પરંતુ દેશના કોઈપણ ખૂણામાં સામાન્ય લોકો સાથે સીધા સંવાદ માટે હિન્દી સૌથી સરળ માધ્યમ બની રહે છે. તેમણે હિન્દીની યાત્રાને ભારતની સમગ્ર યાત્રા સાથે જોડતા કહ્યું કે ભાષાનો વિકાસ દેશના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન સાથે સતત આગળ વધ્યો છે. તેમણે હિન્દી સાહિત્ય અને ભક્તિકાળના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. વિદ્યાપતિના શ્લોકોથી લઈને પૃથ્વીરાજ રાસોની શૌર્યકથાઓ અને ત્યારબાદ ભક્તિકાળમાં તુલસીદાસ અને સુરદાસ જેવા કવિઓએ પોતાની રચનાઓ દ્વારા સામાન્ય લોકો સુધી વિચારો અને ભાવનાઓ પહોંચાડવાનું કામ કર્યું હતું. તુલસીદાસે રામની કથાને ઘર-ઘર સુધી પહોંચાડી હતી, જ્યારે સુરદાસે પ્રેમ અને ભક્તિને પોતાની રચનાઓ દ્વારા અવાજ આપ્યો હતો.
અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા ચળવળ દરમિયાન સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષાના વિચારોએ રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓ સમજી ગયા હતા કે સ્વરાજની કલ્પના માતૃભાષા અને આત્મસન્માન વિના અધૂરી છે. સ્વતંત્રતા બાદ પણ ભારતીય ભાષાઓએ રાષ્ટ્રનિર્માણ, વહીવટ, જનજાગૃતિ અને વિકાસના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું કે બંધારણ સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને ભારતીય સંઘની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. જોકે, સ્વતંત્રતા બાદ માતૃભાષા, માતૃસંસ્કૃતિ અને આત્મસન્માન સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પાછળ ધકેલાયા હોવાની પણ તેમણે વાત કરી હતી.
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગુલામીની માનસિકતામાંથી મુક્તિ’ના આહ્વાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પરિવર્તનમાં ભાષાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવું કે બ્રિટિશ સમયના દંડ આધારિત કાયદાઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જેવા નવા કાયદાઓથી બદલવા જેવી કામગીરીને તેમણે આત્મસન્માનની પુનઃસ્થાપના સાથે જોડી હતી. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને શિક્ષણના કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા અભ્યાસક્રમો પણ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ અનેક ભારતીય ભાષાઓમાં લેવામાં આવી રહી છે.
80મા સ્વતંત્રતા દિવસનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે ‘શક્તિના સાત પ્રવાહો’ની વાત કરી હતી, જેમાં સાતમો પ્રવાહ ભારતની સોફ્ટ પાવર છે. તેમના મતે કોઈપણ દેશની સોફ્ટ પાવરનું સૌથી મોટું માધ્યમ તેની ભાષા છે. યોગ, આયુર્વેદ, સાહિત્ય, સિનેમા અને ભારતની સાંસ્કૃતિક શક્તિ દુનિયા સુધી પહોંચાડવામાં ભારતીય ભાષાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ટેકનોલોજીના યુગમાં ભારતીય ભાષાઓ પાછળ રહી જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી, પરંતુ અમિત શાહે કહ્યું કે હવે હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓ ટેકનોલોજીના વિકાસ સાથે આગળ વધી રહી છે. રાજભાષા વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ‘ભારતી’ ટૂલ ભારતીય ભાષાઓ વચ્ચે સંવાદ સરળ બનાવવામાં મદદ કરી રહ્યું છે. ‘હિન્દી શબ્દ સિંધુ’માં 8.27 લાખથી વધુ એન્ટ્રીઓ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે તેને જ્ઞાનના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ ડિજિટલ માધ્યમ ગણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે 2024માં સ્થાપિત ભારતીય ભાષા વિભાગ ભારતીય ભાષાઓમાં વહીવટી સંદેશાવ્યવહારને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. AI અને અનુવાદ ટેકનોલોજીના કારણે ભાષાના અવરોધો પણ ઝડપથી ઘટી રહ્યા છે. હવે કોઈપણ ભારતીય પોતાની ભાષામાં વિચારીને દુનિયા સાથે સંવાદ કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. અમિત શાહે દેશના યુવાનોને સંદેશ આપતા કહ્યું કે તેઓ દુનિયાની ગમે તેટલી ભાષાઓ શીખે, પરંતુ પોતાની ભાષા છોડે નહીં. તેમણે માતા-પિતાને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકો સાથે શક્ય તેટલી માતૃભાષામાં વાત કરે. પોતાની ભાષામાં વાત કરવાથી વ્યક્તિ નાની થઈ જાય છે એવી માનસિકતાને તેમણે ખોટી ગણાવી હતી.
તેમણે કહ્યું કે પોતાની ભાષા વ્યક્તિને પોતાની માતા, માટી, ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડે છે. આ વર્ષે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચનાની 150મી વર્ષગાંઠ પણ ઉજવાઈ રહી છે. અમિત શાહે કહ્યું કે ‘વંદે માતરમ’એ ભાષાને સ્વતંત્રતાના સંઘર્ષમાં એક શક્તિશાળી માધ્યમ બનાવ્યું હતું. અંતમાં તેમણે હિન્દી અને તમામ ભારતીય ભાષાઓને સાથે લઈને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધવાનો સંકલ્પ કરવાની અપીલ કરી હતી. તેમણે દેશવાસીઓને હિન્દી દિવસ અને ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવી હતી.