SURAT

પી. પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ભોજન બાદ 85 વિદ્યાર્થીઓ બીમાર, મનપાએ લીધા 6 ફૂડ સેમ્પલ

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં શનિવારે સાંજે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ગંભીર ઘટના સામે આવી હતી. હોસ્ટેલમાં રહેતા આશરે 2200 વિદ્યાર્થીઓમાંથી 85 વિદ્યાર્થીઓને સાંજે ભોજન લીધા બાદ અચાનક પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકાની ફરિયાદ શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તકલીફ થતાં હોસ્ટેલમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં હોસ્ટેલ સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પી. પી. સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચેલા 85 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓને સામાન્ય તકલીફ હોવાથી તેમને OPDમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે 15થી 17 વર્ષની વયના 12 વિદ્યાર્થીઓને વધુ સારવાર અને દેખરેખ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં 9 વિદ્યાર્થીનીઓ અને 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સારવાર દરમિયાન ચાર વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે હાલ 8 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઝોનની સેનેટેશન ટીમ અને ફૂડ વિભાગની ટીમે પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં આવેલા કેન્ટીન અને કિચનની તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા રસોડામાં તૈયાર કરવામાં આવતા ખોરાક, ખાદ્યસામગ્રી તેમજ સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ભોજન લીધા બાદ તકલીફ ઊભી થઈ હોવાથી આ સેમ્પલના રિપોર્ટ બાદ જ વિદ્યાર્થીઓની તબિયત બગડવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

મનપાની ટીમે હોસ્ટેલના કિચન અને કેન્ટીનમાં સ્વચ્છતા સહિતની વ્યવસ્થાની પણ તપાસ કરી હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે જોડાયેલી આ ઘટનાને ગંભીરતાથી લેતા મનપા દ્વારા શાળા સંસ્થાને નોટિસ આપવામાં આવી છે. ખોરાકની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં કોઈને પણ ભોજન બાદ પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા કે અન્ય કોઈ તકલીફ થાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલ પરિસરમાં જ વિશેષ OPD સેવા શરૂ કરવામાં આવી છે. મેડિકલ ટીમ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.

હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 8 વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જ ભોજનમાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ કારણસર વિદ્યાર્થીઓને આ પ્રકારની તકલીફ થઈ તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. સમગ્ર ઘટનાને પગલે હોસ્ટેલના કેન્ટીન અને કિચનની કામગીરી પણ તપાસ હેઠળ આવી છે.

Most Popular

To Top