Business

શેરખીની રૂ.7 લાખમા વેચેલી જમીનનો અન્ય બે જણ સાથે બારોબાર રૂ. 19.72 લાખમાં સોદો

11 વર્ષ જૂના બાનાખત બાદ જમીનના વિવાદમાં નવો વળાંક
સિવિલ-ફોજદારી કેસ પેન્ડિંગ હોવા છતાં ચાર શખ્સોએ કાવતરું રચી નવો દસ્તાવેજ કર્યાનો 66 વર્ષીય ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઇ

વડોદરા તા.15

પહેલાશેરખીની જમીનને લઈને જમીનનો સોદો પછી રૂ.7.01 લાખની ચુકવણી અને કબજો પણ આપવામા આવ્યો હોવા છતાં વર્ષો બાદ એ જ જમીન અન્યના નામે કરી રૂ.19.72 લાખમા વેચીને કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. અટલાદરાના 66 વર્ષીય ટ્રાન્સપોર્ટરે ચાર વ્યક્તિ સામે આરોપ મૂક્યો છે કે, જમીન અંગે કોર્ટમાં વિવાદ અને પોલીસ કેસની જાણ હોવા છતાં કથિત કાવતરું રચી નવો દસ્તાવેજ કરીને તેમના હક-હિતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. જેથી તાલુકા પોલીસે છેતરપિંડી કરનાર ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા ખાતે રહેતા શિવાભાઈ હિરાભાઈ પ્રજાપતિ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2015માં દલાલ મારફતે શેરખી ગામે રહેતા રમણભાઈ ભાઈલાલભાઈ પઢિયારનો સંપર્ક થયો હતો. રમણભાઈએ શેરખી ગ્રામ પંચાયતની હદમાં આવેલી જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી વેચાણ કરવાની વાત કરી હતી.
સોદો નક્કી થયા બાદ તા.29 જૂન, 2015ના રોજ બાનાખત કરવામાં આવ્યો હતો. શિવાભાઈએ જમીનના અવેજ પેટે રૂ.51 હજાર ટોકન, SBIના ચેકથી રૂ.2 લાખ અને રૂ.4.50 લાખ રોકડા મળી કુલ રૂ.7.01 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ રમણભાઈએ જમીનનો કબજો પણ સોંપી કબજા પાવતી કરી આપી હતી.
Lબાનાખત અને નાણાંની ચુકવણી બાદ પણ રમણભાઈ પઢિયારે તા.20 માર્ચ, 2018ના રોજ આ જ જમીન વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને જગદિશભાઈ બાબાભાઈ પટેલને રૂ.19.72 લાખમાં વેચાણ દસ્તાવેજથી વેચી દીધી હતી. આ જાણ થતાં શિવાભાઈએ પોતાના હક માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
કોર્ટ દ્વારા તા.28 જુલાઈ, 2021ના રોજ મિલકત જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાળવવા વચગાળાનો હુકમ કરાયો હતો. બીજી તરફ, જમીનના વેચાણના મામલે શિવાભાઈએ વર્ષ 2020માં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં રમણભાઈ પઢિયાર સહિત જમીન ખરીદનાર વિષ્ણુભાઈ અને જગદિશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ ચાર્જશીટ પણ રજૂ થઈ હોવાનું અને ફોજદારી કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું જણાવાયું છે.
કોર્ટનો વિવાદ અને પોલીસ કેસની જાણ હોવા છતાં ફરી દસ્તાવેજી ખેલ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિષ્ણુભાઈ પટેલ અને જગદિશભાઈ પટેલે ભરતકુમાર બાવાલાલ રોકડ તથા પ્રજયકુમાર બાવાલાલ રોકડ ભેગા મળી તેમના કાયદેસરના હક-હિતો અને નાણાકીય હકોને નુકસાન પહોંચાડવાના ઇરાદે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવ્યો છે. આમ, એક જ જમીનના સોદા અંગે વર્ષોથી ચાલતા કોર્ટ કેસ અને પોલીસ તપાસ વચ્ચે ફરી નવો દસ્તાવેજ સામે આવતાં મામલો વધુ પેચીદો બન્યો છે. સમગ્ર પ્રકરણમાં ચારેય આરોપીઓની ભૂમિકા અંગે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ફરિયાદી શિવાભાઈ પ્રજાપતિએ કરી છે.

Most Popular

To Top