અમેરિકાના ટેક્સ વિભાગ સાથે છેતરપિંડીના કેસમાં ભારતીય મૂળના આનંદ શુક્લાને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ટેક્સાસના જોન્સટાઉનના રહેવાસી આનંદ શુક્લાએ બિઝનેસ માલિકોને ટેક્સ બચાવવાની એક એવી સ્કીમ વેચી હતી, જેના દ્વારા તેમની આવકનો મોટો હિસ્સો ટ્રસ્ટ અને ખાનગી ફેમિલી ફાઉન્ડેશન મારફતે છુપાવવામાં આવતો હતો. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, આ સ્કીમ દ્વારા IRS એટલે કે અમેરિકાના ટેક્સ વિભાગથી $27 મિલિયનથી વધુની આવક છુપાવવામાં આવી હતી.
60 મહિનાની જેલની સજા
આનંદ શુક્લાને 60 મહિનાની એટલે કે 5 વર્ષની ફેડરલ જેલની સજા આપવામાં આવી છે. તેમણે અમેરિકાની સરકાર સાથે છેતરપિંડી કરવાના ષડયંત્રના એક આરોપમાં દોષ કબૂલ કર્યો હતો. આનંદે 10 માર્ચ 2026ના રોજ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. ત્યારબાદ કોર્ટે હવે તેને 5 વર્ષની સજા સંભળાવી છે. આ કેસની તપાસ IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી.
‘ટેક્સ નહીં આપવો પડે’ એવી સ્કીમ વેચાતી હતી
અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર, આનંદ શુક્લા અને તેના સાથીઓએ 2017થી 2025 દરમિયાન દેશભરના બિઝનેસ માલિકોને એક ખાસ ટ્રસ્ટ આધારિત ટેક્સ સ્કીમ વેચી હતી. આ સ્કીમમાં ગ્રાહકોને એવો દાવો કરવામાં આવતો હતો કે તેઓ પોતાના પૈસા પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકશે, પરંતુ તેમની આવક પર લગભગ કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ સ્કીમનું માર્કેટિંગ સેમિનાર, વેબિનાર, પોડકાસ્ટ અને સીધી મુલાકાતો દ્વારા કરવામાં આવતું હતું. ગ્રાહકો પાસેથી સામાન્ય રીતે $25,000થી $55,000 સુધી ફી લેવામાં આવતી હતી. કેટલાક ગ્રાહકો પાસેથી તો $225,000 સુધીની ફી વસૂલવામાં આવતી હતી.
આવકનો 98% હિસ્સો ટ્રસ્ટમાં મોકલાતો
તપાસમાં સામે આવ્યું કે આનંદ શુક્લા ગ્રાહકોને તેમની કંપનીનું માળખું બદલવાની સલાહ આપતો હતો. તેના દ્વારા બિઝનેસની લગભગ 98% આવક અલગ-અલગ ટ્રસ્ટ અને ખાનગી ફેમિલી ફાઉન્ડેશન મારફતે મોકલવામાં આવતી હતી. આ વ્યવસ્થા એવી રીતે બનાવવામાં આવતી હતી કે કાગળ પર પૈસા ટ્રસ્ટના દેખાય, પરંતુ વાસ્તવમાં ગ્રાહકો પોતાના પૈસા પર પહેલાની જેમ જ નિયંત્રણ રાખી શકે. એટલું જ નહીં, કેટલાક વ્યક્તિગત ખર્ચ પણ ટ્રસ્ટના ખાતામાંથી ચૂકવવાની અને તેને ટેક્સમાં કપાત તરીકે બતાવવાની સૂચના આપવામાં આવતી હતી. તેમાં કારનો ખર્ચ, મનોરંજન અને ઘરનું મોર્ટગેજ પેમેન્ટ જેવા ખર્ચનો સમાવેશ થતો હતો.
321 ખોટા ટેક્સ રિટર્ન સાથે જોડાણ
IRSના જણાવ્યા મુજબ, આનંદ શુક્લાએ ઓછામાં ઓછા 321 ખોટા ટેક્સ રિટર્ન તૈયાર કરવામાં મદદ કરી હતી. આ રિટર્ન દ્વારા ગ્રાહકોની $27 મિલિયનથી વધુની આવક છુપાવવામાં આવી હતી. આ ઉપરાંત શુક્લાએ પોતાની $3.7 મિલિયન જેટલી આવક પણ આ જ પ્રકારની વ્યવસ્થામાં છુપાવી હતી. IRSના આંકડા પ્રમાણે સમગ્ર છેતરપિંડીથી અમેરિકી સરકારને $8.7 મિલિયનથી વધુનું નુકસાન થયું હતું.
પોતે પણ સ્કીમનો ઉપયોગ કર્યો
આનંદ શુક્લાની ભૂમિકા માત્ર ગ્રાહકોને સ્કીમ વેચવા પૂરતી નહોતી. તપાસમાં જણાવાયું છે કે તેણે પોતે પણ આ ટેક્સ સ્કીમનો ઉપયોગ કર્યો હતો. તે ટ્રસ્ટના દસ્તાવેજો તૈયાર કરતો, અન્ય લોકોને આ સ્કીમ વેચવાની તાલીમ આપતો અને એવા ટેક્સ તૈયાર કરનારાઓ પાસે ગ્રાહકોને મોકલતો હતો, જેઓ આ વ્યવસ્થામાં સામેલ હોવાનું તે જાણતો હતો. અમેરિકાના ન્યાય વિભાગે આ સમગ્ર વ્યવસ્થાને કાયદેસર ટેક્સ પ્લાનિંગ નહીં પરંતુ છેતરપિંડી આધારિત ટેક્સ શેલ્ટર ગણાવ્યું છે.
IRSની મોટી કાર્યવાહી
આ કેસની તપાસ IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી. અમેરિકાના ન્યાય વિભાગની નેશનલ ફ્રોડ એન્ફોર્સમેન્ટ ડિવિઝનની ટેક્સ ટીમે કેસ ચલાવ્યો હતો.
આ કેસ બતાવે છે કે અમેરિકામાં ટેક્સ બચાવવાના નામે ગેરકાયદેસર વ્યવસ્થા ઊભી કરીને આવક છુપાવનારાઓ સામે હવે કડક કાર્યવાહી થઈ રહી છે. આનંદ શુક્લાને મળેલી 5 વર્ષની સજા પણ આ કાર્યવાહીનો એક મહત્વનો ભાગ છે.