World

સિંધુ જળ સંધિ પર પાકિસ્તાની PMની ધમકી: જો પાણી રોકવામાં આવશે તો યોગ્ય જવાબ આપીશું

પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પાણીના હિસ્સા પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રવાહને રોકવા અથવા ઘટાડવાના કોઈપણ પ્રયાસનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

ગુરુવારે ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન શહેબાઝ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ ક્યારેય બદલાશે નહીં. તેમના ભાષણમાં તેમણે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પણ પ્રશંસા કરી, દાવો કર્યો કે પાકિસ્તાને તેમના નેતૃત્વમાં ભારતને હરાવ્યું છે.

સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીના પાણીની વહેંચણીનું સંચાલન કરે છે. તેના પર 19 સપ્ટેમ્બર 1960 ના રોજ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંધિ હેઠળ એ વાત પર સંમતિ થઈ હતી કે ભારત સિંધુ પ્રણાલીની ત્રણ પૂર્વીય નદીઓના પાણીનો ઉપયોગ કરશે, જ્યારે પાકિસ્તાન ત્રણ પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરશે. ભારતને રાવી, બિયાસ અને સતલજ નદીઓના પાણી પર અધિકાર આપવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણી ફાળવવામાં આવ્યા હતા.

ભારતે 65 વર્ષ પછી પાણી સંધિ સ્થગિત કરી
આ સંધિ 65 વર્ષ સુધી અમલમાં રહી પરંતુ ભારતે એપ્રિલ 2025 માં તેને સ્થગિત કરી દીધી. ત્યારથી આ મુદ્દો બંને દેશો વચ્ચે તણાવનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદપાર આતંકવાદ સામે નક્કર અને વિશ્વસનીય પગલાં નહીં લે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. પાકિસ્તાન દાવો કરે છે કે આ સંધિ કાયદેસર રીતે બંધનકર્તા રહેશે અને તેને એકપક્ષીય રીતે સ્થગિત કરી શકાતી નથી.

પાકિસ્તાન ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે
અહેવાલો અનુસાર પાકિસ્તાન હાલમાં ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનની લગભગ 80% ખેતી સિંધુ નદી પ્રણાલીના પાણી પર આધાર રાખે છે અને દેશનો મોટાભાગનો તાજો પાણી પુરવઠો આ છ નદીઓમાંથી આવે છે.

સિંધુ જળ સંધિની આસપાસના સંકટને કારણે સિંધ અને બલુચિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ રહી છે. પાકિસ્તાનની સિંચાઈ પ્રણાલીના મહત્વપૂર્ણ ઘટક સુક્કુર બેરેજ અંગે પણ ચિંતા વધી રહી છે. સતત ઘટી રહેલા પાણીના સ્તરને કારણે કૃષિ અને અર્થતંત્ર પર સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોતાના ભાષણમાં શાહબાઝે ચીન-પાકિસ્તાન મિત્રતાને “હિમાલય કરતા પણ ઊંચી” ગણાવી. તેમણે કહ્યું કે ચીન પાકિસ્તાનનો એક મહાન મિત્ર છે જે દરેક મુશ્કેલ સમયમાં ખડકની જેમ દેશની પડખે ઊભો રહ્યો છે.

Most Popular

To Top