Business

યુપીઆઈ ટ્રાન્જેકશન પર જો ચાર્જિસ લાગશે તો રોકડાનો વહેવાર વધશે

ભારતમાં ડિજિટલ ક્રાંતિના પ્રતીક સમાન યુપીઆઈ આજે માત્ર એક પેમેન્ટ સિસ્ટમ નથી રહી, પરંતુ ભારતની નાણાકીય કરોડરજ્જુ બની ચૂક્યું છે. ચાની લારી, શાકભાજીના ફેરિયાથી લઈને મલ્ટિનેશનલ મોલ્સ સુધી યુપીઆઈએ સામાન્ય માનવીના જીવનને અત્યંત સરળ બનાવ્યું છે. પરંતુ, તાજેતરમાં સંસદમાં પસાર થયેલા ‘કરવેરા અને અન્ય કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૬’ બાદ યુપીઆઈ પર ભવિષ્યમાં ટેક્સ કે ટ્રાન્ઝેક્શન ચાર્જ  લાગુ થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

એક તરફ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના આંકડા રોજ નવા વિક્રમો સર્જી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય યુઝર્સ અને વેપારીઓમાં આશંકા છે કે શું સરકાર ભવિષ્યમાં યુપીઆઈ પર ચાર્જ કે ટેક્સ લાદીને આ ડિજિટલ સુવિધાને મોંઘી બનાવશે? આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે હાલના ટ્રાન્ઝેક્શનના આંકડા, સરકારી સુધારા અને તેના ભવિષ્યના આર્થિક અસરોનું વિશ્લેષણ કરવું આવશ્યક છે.  

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલો મુજબ, ભારતમાં યુપીઆઈના ઉપયોગમાં વિસ્ફોટક વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં યુપીઆઈ મારફતે કુલ ૨૪,૧૬૨ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ વ્યવહારોનું કુલ વાર્ષિક મૂલ્ય રૂ. ૩૧૪ લાખ કરોડને પાર કરી ગયું છે. ભારતમાં રોજના સરેરાશ ૬૬ કરોડથી વધુ યુપીઆઈ વ્યવહારો થાય છે, જે દર્શાવે છે કે રોકડ ચૂકવણીની જગ્યા હવે કાયમી ધોરણે ડિજિટલ વોલેટ અને યુપીઆઈએ લઈ લીધી છે.

દેશમાં ૫૫.૪૯ કરોડથી વધુ સક્રિય યુપીઆઈ યુઝર્સ નોંધાયા છે, અને ૭૦૦થી વધુ બેંકો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે. વિશ્વભરમાં થતા કુલ રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો ૪૯% જેટલો છે.

આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય અર્થતંત્ર હવે સંપૂર્ણપણે યુપીઆઈ પર નિર્ભર બની ચૂક્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭’ની કલમ ૧૦-એ માં સુધારો કરવામાં આવ્યો. અત્યાર સુધી કાયદાકીય રીતે યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડના વ્યવહારો પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવા પર કડક પ્રતિબંધ હતો. નવા કાયદાકીય માળખાથી સરકારને એ સત્તા મળી છે કે તે જરૂરિયાત મુજબ નોટિફિકેશન બહાર પાડીને નક્કી કરી શકે કે કયા વ્યવહારો ફ્રી રહેશે અને કયા વ્યવહારો પર મર્યાદિત ચાર્જ લાગુ કરી શકાશે. આ સુધારો એ એક કાયદાકીય માર્ગ ખુલ્લો કરવાની પ્રક્રિયા છે. ભવિષ્યમાં NPCI ની ‘યુપીઆઈ સ્ટિયરિંગ કમિટી’ નક્કી કરશે કે મોટા વ્યાપારી વ્યવહારો પર નજીવો ચાર્જ લગાવવો કે નહીં.

બિલનો વિપક્ષો દ્વારા તેનો ભારે વિરોધ કરાયો હતો. કારણ કે ગમે ત્યારે સરકાર યુપીઆઈ પર ચાર્જ લગાડી શકે છે. તેની સામે નાણા મંત્રાલય અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એવું કહ્યું કે, એક સામાન્ય વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કરવામાં આવતા નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ પણ ચાર્જ કે ટેક્સ લાગશે નહીં. શાકભાજી વાળા, નાની દુકાનો કે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા ગ્રાહકો માટે યુપીઆઈ વાપરવું સંપૂર્ણપણે મફત રહેશે. જો ભવિષ્યમાં ચાર્જ લાદવામાં આવશે, તો તે માત્ર અમુક ચોક્કસ મર્યાદાથી વધુ મોટો વ્યવહાર કરતા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને કોમર્શિયલ મર્ચન્ટ્સ પર જ લાગુ થશે.

આ ચાર્જ પણ ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ટકાવારી દર કરતા ખૂબ ઓછો હશે. સરકાર દ્વારા એવો પણ ખુલાસો કરાઈ રહ્યો છે કે,  દરરોજ ૬૬ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ હાઇ-સ્પીડ સર્વર્સ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત સાયબર સુરક્ષા જાળવવી પડે છે. આ માળખું ટકાવી રાખવાનો વાર્ષિક ખર્ચ અબજો રૂપિયા થાય છે.  અત્યાર સુધી સરકાર બેંકો અને પેમેન્ટ કંપનીઓને યુપીઆઈ ફ્રી રાખવા માટે વાર્ષિક સબ્સિડી પ્રોત્સાહન આપતી હતી.

પરંતુ આટલા વિરાટ પાયે ફેલાયેલી સિસ્ટમ માત્ર સરકારી સબ્સિડી પર લાંબો સમય નભી શકે નહીં. જો બેંકો અને પેમેન્ટ એપ્લિકેશન્સને કોઈ કમાણી ન થાય, તો નવી ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે રોકાણ અટકી જાય. જોકે, તેની સામે જો ભવિષ્યમાં યુપીઆઈ વ્યવહારો કે મોટા વેપારીઓ પર ટેક્સ અથવા ચાર્જ લાદવામાં આવે, તો તેના કેટલાક નકારાત્મક પરિણામો પણ આવી શકે છે. નાના અને મધ્યમ વેપારીઓ જો ચાર્જના દાયરામાં આવશે, તો તેઓ ગ્રાહકો પાસેથી યુપીઆઈ સ્વીકારવાનું બંધ કરી રોકડમાં વ્યવહાર કરવાનો આગ્રહ રાખશે, જેનાથી કાળુ નાણું અને કરચોરી ફરી વધી શકે છે.  ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં માંડ ડિજિટલ ચૂકવણીની ટેવ પડી છે, ત્યાં ચાર્જ કે ટેક્સનો ભય લોકોને ટેકનોલોજીથી દૂર કરી શકે છે. જે દેશની અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક છે તે નક્કી છે.

Most Popular

To Top