Comments

કચરો પણ છેવટે ગરીબોના સરનામે પહોંચે છે

‘શું પહેરવું?’ એમ કોઈ કહે ત્યારે ઘડીભર એમ લાગે કે એ વ્યક્તિ પાસે વસ્ત્રોની અછત હશે પણ હવે એથી વિપરીત સ્થિતિ હોઈ શકે એવી સંભાવના પૂરેપૂરી છે. એટલે કે વસ્ત્રોની અછતની નહીં, છતની સમસ્યાથી એ ગ્રસ્ત હોય. આ એક ગંભીર વાસ્તવિકતા છે અને પર્યાવરણની રીતે તેને વિચારવા જેવી છે. તાજેતરમાં યુરોપના ચાર દેશોમાં થયેલા એક અભ્યાસે એક ચોંકાવનારી હકીકત ઉજાગર કરી. એ મુજબ નકામાં ગણીને ફેંકી દેવાયેલાં આઠ હજારથી વધુ કપડાંને તપાસતાં જાણવા મળ્યું કે એમાંનાં લગભગ એંસી ટકા જેટલાં કપડાં ફરી પહેરી શકાય તેવી સ્થિતિમાં હતાં. ઘણાંને માત્ર ધોવાની જરૂર હતી, તો કેટલાકને નાનકડી મરમ્મતની. આમ છતાં તે ફરી કોઈના ઉપયોગમાં આવ્યાં નહીં અને કચરાનો ઢગલો બની ગયાં. પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો આ બેદરકારીનું પરિણામ જણાય પણ હકીકતમાં આ એક આખી આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. એમ શી રીતે?

વર્તમાન યુગ ફાસ્ટ ફેશનનો યુગ છે. કપડાં હવે ઋતુ પ્રમાણે બદલાતાં નથી; એ રોજેરોજ બદલાતાં રહે છે. ફેશન કંપનીઓ દરરોજ નવી ડિઝાઇન બજારમાં મૂકે છે અને એ પણ કિફાયત દરે. બીજી તરફ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો વ્યક્તિને સતત નવા દેખાવાનું દબાણ ઊભું કરે છે. આને કારણે કપડાંની ઉપયોગિતા કરતાં તેની નવીનતા વધારે મહત્ત્વની બની ગઈ છે. એનો અર્થ એટલો કે કપડું ઘસાઈ જાય એટલે નહીં, પણ તેનાથી મન ભરાઈ જાય એટલે એ ‘જૂનું’ બની જાય છે.

આ પરિવર્તનની સૌથી મોટી અસર એ થઈ છે કે કપડાંનાં સમારકામની સંસ્કૃતિ લગભગ અદૃશ્ય થવા લાગી છે. એક સમય હતો કે જ્યારે શર્ટનું કે પેન્‍ટનું બટન તૂટી જાય તો નવું બટન ટાંકવામાં આવતું, પેન્ટ ફાટે તો સાંધવામાં આવતું, કે સ્વેટર ક્યાંકથી ખૂલે તો એટલા ભાગને ગૂંથી લેવામાં આવતો. ઘરમાં સિલાઈનું મશીન હોવું સામાન્ય બાબત હતી, એમ દરજીઓ પણ માત્ર નવાં કપડાં નહોતા સીવતા, બલકે જૂનાં કપડાંને નવું જીવન પણ આપતા હતા.

આજે પરિસ્થિતિ સાવ ઉલટી છે. ઘણી વાર શર્ટનો કોલર બદલાવવા જેટલા ખર્ચમાં નવું શર્ટ મળી જાય છે. વસ્ત્રોના સમારકામ કરતાં નવા વસ્ત્રની ખરીદી સસ્તી પડતી હોય તો ગ્રાહક માટે નિર્ણય લેવો સરળ બની જાય છે. બજાર આપણને કયો રસ્તો પસંદ કરાવશે તે સ્પષ્ટ છે.

આ એક વિચિત્ર અર્થશાસ્ત્ર છે. વિશ્વમાં દર વર્ષે કરોડો ટન કપડાં કચરાના ઢગમાં ફેરવાય છે. તેનો એક મોટો હિસ્સો સમૃદ્ધ દેશોમાંથી ગરીબ દેશોમાં પહોંચે છે. ઘાના, પાકિસ્તાન અને આફ્રિકાના અન્ય દેશોમાં સેકન્ડ-હેન્ડ કપડાંના વિશાળ બજારો ઊભાં થયાં છે. તેમાંના ઉપયોગી એટલે કે પહેરી શકાય એવાં કપડાં વેચાઈ જાય છે પણ બિનઉપયોગી કપડાં આખરે સ્થાનિક કચરાના ઢગલામાં જમા થાય છે. એટલે કે ઘણી બધી વાર આપણે જે કપડાં ‘દાન’ તરીકે કે ‘રીસાયકલ’ કરવાના હેતુથી મોકલીએ છીએ, તે કોઈક બીજા દેશના પર્યાવરણમાં જઈને અંત પામે છે. સીધી રીતે કહીએ તો એ અન્ય કોઈ દેશના કચરામાં વધારો કરે છે. એક દેશનું કબાટ ખાલી થાય છે અને બીજા કોઈ દેશની કચરાપેટી ભરાય છે.

આ સમસ્યા દિનબદિન ગંભીર બની રહી છે અને તેના ઉકેલ બાબતે વિવિધ ઉપાયો સૂચવાઈ રહ્યા છે. એ પૈકીનો સૌથી મહત્ત્વનો ઉપાય ‘રિસાયકલિંગ’નો ગણાવાય છે. પરંતુ તે પહેલાંનો તબક્કો છે ‘રીયૂઝ’ એટલે કે ઓછું ખરીદવું, લાંબો સમય વાપરવું અને સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવું. એ પછી જ રિસાયક્લિંગ તરફ જવું. આ ઉપાય ક્યારે શક્ય બને? સમાજ તેને મહત્ત્વ આપે અને મૂલ્યવાન ગણે ત્યારે! અત્યારે તો નવી વસ્તુનાં માનપાન છે, નહીં કે ટકાઉ વસ્તુનાં.

વિચિત્ર વાત એ છે કે ફાસ્ટ ફેશને કપડાં જ નહીં, ટકાઉપણા વિશેની આપણી સમજ પણ ધરમૂળથી બદલી નાખી છે. પહેલાં વસ્તુ લાંબો સમય ટકે તો એ ગુણવત્તાયુક્ત ગણાતી. આજે જે વસ્તુ ઝડપથી બદલાઈ શકે એ સફળ ગણાય છે. અને આ માનસિકતા માત્ર કપડાં પૂરતી મર્યાદિત નથી. મોબાઇલ ફોનથી લઈને ફર્નિચર સુધી અને વિચારોમાંથી લઈને સંબંધો સુધી બધે જ બોલબાલા ‘ટકાઉ’ની નહીં, પણ ‘નવા’ની થઈ ગઈ છે. આથી જ, પર્યાવરણના પ્રશ્નોનો ઉકેલ માત્ર નવી ટેક્નોલોજીથી આવશે એવી માન્યતા સંપૂર્ણ સાચી નથી. આપણે કેટલી ચીજવસ્તુઓ ઉત્પાદિત કરી શકીએ છીએ, તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે આપણે વસ્તુઓને કેટલું લાંબું જીવન આપી શકીએ છીએ.

આમાં એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. પહેલાં નવી વસ્તુ ખરીદવી એ કોઈ વિશેષ પ્રસંગ ગણાતો. હવે ખરીદી પોતે એક જાતનું મનોરંજન બની ગઈ છે. ઑનલાઇન વેચાણ, ડિસ્કાઉન્ટ, ‘લિમિટેડ ઑફર’ અને સતત બદલાતી ફેશન ગ્રાહકમાં એવી લાગણી ઊભી કરે છે કે આજે આપણે કશું નહીં ખરીદીએ તો કંઈક અગત્યનું ગુમાવી બેસીશું અને પાછળ રહી જઈશું. આવી  માનસિકતા વસ્તુની જરૂરિયાત કરતાં ખરીદીના રોમાંચને વધારે મહત્ત્વ આપે છે. પરિણામે કપડાંનો ઉપયોગ ઓછો અને તેમની હેરફેર વધુ ઝડપી બની છે. આ સંજોગોમાં એક નાગરિક તરીકે આપણે એ યાદ રાખવાનું છે કે પર્યાવરણની લડાઈનો મોરચો માત્ર કારખાનામાં નહીં, આપણા પોતાના કબાટ સામે પણ જીતવાનો છે. દેખાદેખીમાં આપણે કશું પણ નવું ખરીદતાં પહેલાં સહેજ થોભીશું, એક વાર વિચાર કરીશું કે ખરેખર આપણને જરૂર છે કે માત્ર નવીનતાની ‘કીક’ ખાતર ખરીદી રહ્યા છીએ, તો આ મોરચો પૂરેપૂરો તો નહીં, પણ અડધો સર થવાની સંભાવના રહેશે.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top