Comments

પાંજરાપોળ પશુ ઉદ્યોગ કેન્દ્ર તરીકે સ્વાવલંબી બની શકે છે

મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞદેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન સંખ્યાથી મપાતી. પરંતુ યોગેશ્વર કૃષ્ણે પ્રાણી તરીકે ગાયનું પુનઃ પ્રતિષ્ઠાન કર્યું. ગોવાળિયા તરીકે, માખણચોર તરીકે, ગોચર-ગોવર્ધનના ધારક તરીકે ગાયોમાં માતૃસ્વરૂપનું દર્શન, એક નવા આયામથી પ્રેર્યું અને પછી તો ભકતો, સંતોએ પોતાના પદ-ગાન-કથન દ્વારા ગાયોમાં ૩૩ કોટિ દેવતાઓને સ્થાપ્યાં.

સામાજિક મૂલ્યોમાં ફેરબદલનો ત્રીજો તબક્કો આજથી ૩૨૦૦ વર્ષ પહેલાં જૈન ધર્મ દ્વારા પ્રેરિત થયો.ભગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મ, વિચારસત્ત્વના તાર્કિક અમલ માટે જીવદયાને પ્રચલિત કરી ગાય સ્વરૂપને કરુણામય જાણી. તીર્થંકરોએ ગોપાલનને નૈતિક, સદ્વ્યવહાર, પુણ્ય ઉપાર્જન માટેના ધર્મ તરીકે બિરદાવ્યું. ગુજરાતની ભૂમિ ઉપર તો મહાજન અને ગૌ સેવા એકમેકના પર્યાય શબ્દ બની ગયા. દીન-દુ:ખિયારી ગાયો પણ કતલખાને ન જાય તે માટે પાંજરાપોળ શરૂ કરવામાં આવી. જીવદયાના રસ્તે જ ધર્મકાર્ય જાણી મહારાજાઓએ રાજ્યની વણિક પ્રજાની ખુશહાલી માટે પાંજરાપોળોને વિશાળ ગૌચર ફાળવી. જૈન ધર્મીઓએ તો પાંજરાપોળની ગાયો માટે અઢળક દાન વહેવડાવ્યું. તો આજે એકલા ગુજરાતમાં ૧ર૦૦ પાંજરાપોળોમાં ૪.૫૦ લાખ પશુઓ છે જે રાજ્યની કુલ વસતીના ૯% છે. વર્તમાન સ્થિતિમાં ગાયો હિંદુ ધર્મનું પ્રતીક બની જતાં આજે ભેંસ, ઘેંટાં, બકરાં, ઊંટ પ્રકારનાં તમામ દૂધાળાં પ્રાણીઓને બાકાત રાખી માત્ર ગૌમાતાને પ્રતિબિંધિત ધારા નીચે અભય વરદાન આપવામાં આવ્યું છે.

દેશના જાણીતા કૃષિવિજ્ઞાની ડૉ. વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિના ખ્યાલ થકી દૂધ અને દૂધની આડ પેદાશો અંગે ભારતને તમામ દૂધાળાં પ્રાણીઓની ઉપયોગિતાથી વાકેફ કર્યા. સ-વિશેષ ૧૯૭૨ થી ૨૦૦૧ના સમયગાળામાં ખેડૂતોના ૧૮ થી ૨૦ સંઘો રચી ગુજરાતનાં તમામ ગામડાંઓને પશુપાલકોના દૂધને અમૂલ બ્રાન્ડ નીચે સંકલિત કર્યું છે. ગુજરાતમાં ૩૦ લાખથી વધુ પશુપાલકોની વાર્ષિક આવક રૂ.૨.૫ લાખથી ૫ લાખ સુધી પહોંચી છે. ઢોરનું છાણ હવનકાર્યમાં, મૃત્યુ સમયે કુલડીમાં કે સુવાવડીના શેક માટેના બળતણના છાણાથી વિશેષ ઔદ્યોગિક એકમ તરીકે જોવાતાં થયાં છે. રસોડા માટેના ઉત્તમ બળતણથી વિશેષ પશુઓનું છાણ પાવર જનરેટર માટે ઉત્તમ ઇંધણ બન્યું છે. બાયોગેસ ઉપયોગમાં લેવાયા પછી ઉત્તમ સેન્દ્રિય ખાતર બને છે.

જીવ માત્રના દેહમાં તેના કુલ વજનનો ૭૦% ભાગ પાણી અને ભેજ હોય છે. આથી પશુઓને જીવિત રહેવા રોજ ૨૪ કલાકમાં ૪૦ થી ૫૦ લીટર પાણી પીવું પડે છે. આથી પશુ શરીરમાં બનતું મૂત્ર પેશાબ વાટે ૨૪ કલાકમાં ૮ લીટર ઉત્સર્ગ પામે છે. આ ગૌમૂત્ર ઉત્તમ ખાતર છે. તેમાં રહેલ પેસ્ટીસાઈડથી ખેતીમાં દેખાતા ૧૯ પ્રકારના જીવાણુઓ કાબૂમાં રહી શકે છે અને આથી જ પ્રત્યેક ગાયના દિવસભરના મૂત્રમાંથી પ્રતિદિન રૂ.૭૮૦/-ની કિંમતનો પેશાબ ખાતર અને દવા રૂપે આવક મેળવી આપે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ની પશુ ગણતરી મુજબ ગુજરાતમાં ૨.૬૮ કરોડથી વધુ પશુ વસતી છે. પ્રતિવર્ષ ૨૬.૮૦ લાખ પશુઓ સહજ રીતે મૃત્યુ પામે છે. પાંજરાપોળ, પાલતુ કે રખડતું જાનવર મૃત્યુ તો પામે જ છે. આ સંદર્ભમાં પણ ખાલી ગુજરાતમાં પ્રતિવર્ષ મરતાં ઢોરનું ચાંમડું ઊતારી લેવામાં આવે તો પ્રત્યેક મરતું જાનવર રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦/નું લેધર મૂકતું જાય છે.

પ્રાણીઓના અસ્તિત્વનો આધાર તેનું હાડપિંજર છે. એક તંદુરસ્ત ગાય-ભેંસનાં ૨.૫ ટન વજનમાં હાડકાંનો હિસ્સો ૨૭% હોય છે. પ્રાણીજન્ય હાડકામાં ફોસ્ફરસ, મીનરલ, પૉટેશિયમ, કેલ્શિયમ પ્રકારે પ્રાણીજન્ય તત્ત્વો રહેલાં હોય છે. જમીનને ફળદ્રુપ કરવા માટે મૂળભૂત રીતે જોઈતા તત્ત્વ NPK પૈકી પોટાસ અને ફોસ્ફરસનું વાહક પશુઓનાં હાડકાં જ બને છે. એટલું જ નહિ પણ પ્રાણીઓનાં પોલાં હાડકાંમાં રહેલ બોર્નમેરોમાંથી જીલેટીન મળે છે.

જે લગભગ-લગભગ તમામ તૈયાર ખોરાકમાં ઉમેરાયેલ હોય છે. કહેવાય છે તો હાથી માટે, પણ ગાય-ભેંસ પણ મરે ત્યારે પૈસાથી માપી શકાય તેવું મૂલ્ય મૂકીને માનવજાતને અલવિદા કહે છે. આમ, એક દૂધાળ ગાય રોજના સરેરાશ ૩.૨ લીટર દૂધ ૮ થી ૧૨ કિલો છાણ તથા ૬ થી ૮ લીટર મૂત્ર દ્વારા તેની યુવાનીના દિવસોમાં સરેરાશ રૂ.૩૩૦/-નું ઉત્પાદન આપે છે અને પોતાના ૯ વર્ષના આયુષ્યમાં મા ઘાસ-ચારાને પાણીના ખર્ચને બાદ કરી ૧૧ લાખ રળાવી આપે છે. ગાયો પાછળના ‘પણ માલિકને રૂ.૩.૫ લાખનો ચોખ્ખો નફો આપે છે. પાંજરાપોળમાં દાન-ભીખથી મરવાના વાંકે જીવતાં પશુ પણ જીવતાં જીવ રોજના રૂપિયા ૪૨ તથા મૃત્યુ પછી તેનાં હાડ-ચામડાંના રૂ.૧૬૦૦/- ચૂકવીને પૃથ્વી ઉપરથી વિદાય થાય છે.

એક ગણતરી અનુસાર પેટ્રોલિયમ ઉદ્યોગમાં રોકેલા રૂ.૩૦૦/- રોજના ૧૦ રૂપિયા તરીકે વળતર આપે છે. જયારે પશુઉછેર પાછળ રોકેલા ૧૦ રૂપિયાથી રોજના ૩૦૦/-રૂપિયા બનીને સમાજમાં વૅલ્થ જનરેટ કરે છે. એક કહેવતમાં તો કહેવાયું છે, જ્યાં કાળી (ભેંસ) ત્યાં રોજ દિવાળી, જ્યાં લાલ-ધોળી (ગાય) ત્યાં રોજ ઉજાણી. મનુષ્યને પ્રકૃતિ સાથે જોડીને તેને ગૌરવપૂર્ણ સ્વરોજગાર આપનાર એકમ પશુ છે. પોતાનાં મળમૂત્રના ઉત્સર્ગથી ધરતીને ફળદ્રુપ કરી બાયોમાસને વિસ્તારનાર પશુઓ છે. પર્યાવરણનાં મિત્ર પશુઓ જ છે. માનવજાતનાં ટકાઉપણાને મદદરૂપ થનાર પશુઓ જ છે. આ વાતને સમજીએ.

બદલાતા પરિવેશમાં શહેરોમાં ઉકરડાં ઉપર નભતાં પશુઓના સ્થાને હવે પશુઉછેરને ઉદ્યોગ તરીકે અપનાવવાનો સમય પાકી ગયો છે. ઘટતાં ગૌચરના સ્થાને એગ્રોવેસ્ટમાંથી પશુ આહાર તૈયાર કરીએ. જીવદયાના ક્ષેત્રમાંથી પાંજરાપોળોને બહાર કાઢી પ્રાકૃતિક સાયકલને જાળવીને કેટલ ફાર્મ તૈયાર કરવાનો સમય ગુમાવીશું તો સરવાળે માનવજાત પોતાના કર્મે જ પોતાનો વિનાશ વહોરી લેશે. મહાવીર સ્વામીના જીવદયાના સૂત્ર પાછળ મૂળ વિચાર માનવજાતનો વૈજ્ઞાનિક વિકાસ છે અને અમુલ સંસ્થાએ દૂધના વ્યવસાયથી વિશ્વમાં ગુજરાતને ઊંચેરું કરી આપ્યું છે. તેથી વધુ મોટું પ્રમાણ શું હોઈ શકે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top