ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 જુલાઈથી શરૂ થનારા આ નવા વરસાદી રાઉન્ડને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને રાજ્ય સરકાર બંને એલર્ટ મોડમાં આવી ગયા છે. આજે સુરત સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ, સુરત, વડોદરા સહિત આઠ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લગભગ 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 1.38 ઇંચ નોંધાયો હતો, જ્યારે સિંગવડમાં 1.06 ઇંચ અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધોલેરા પંથકના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે 30 જુલાઈની સવારે 10 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરીને જિલ્લાઓને વરસાદની સંભાવના મુજબ ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે ભારે વરસાદની કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી અને આ વિસ્તારોને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા હોવાથી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો, મામલતદારો અને સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિભાગોને જરૂરી સાધનો અને માનવબળ સાથે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. રસ્તાઓ પર જોખમી હાલતમાં ઉભેલા વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજ થાંભલા અને અન્ય નબળા માળખાઓને તાત્કાલિક દૂર કરવા જણાવાયું છે. જર્જરિત મકાનોમાં રહેતા લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે આશ્રય અને ભોજનની વ્યવસ્થા કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. પાણી ફરી વળે તેવા કોઝવે અને જોખમી પુલો પર વાહનવ્યવહાર બંધ રાખવા તેમજ જરૂરી હોય ત્યાં બેરિકેડિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સક્રિય રાખવા અને તમામ લાઈન વિભાગો વચ્ચે સતત સંકલન જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. આપદા મિત્ર, હોમગાર્ડ, GRD, SRD, NCC, NSS, NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સીમાં તરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય. રેસ્ક્યૂ બોટ્સ અને અન્ય જરૂરી સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, કાચા મકાનોમાં રહેતા લોકો અને મજૂર વર્ગ સુધી સમયસર ચેતવણી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ અને કોઝવે પરથી પસાર ન થવું, હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવી અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદનું નવું ચક્ર શરૂ થવાની તૈયારીમાં છે અને આગામી છ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હોવાથી વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહ્યું છે. સરકાર અને હવામાન વિભાગ બંને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી કોઈપણ સંભવિત પરિસ્થિતિમાં લોકોને સમયસર મદદ મળી રહે.