ઓરિસ્સા હાઈકોર્ટે એનિમેટેડ ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ ની રિલીઝ પર મૂકેલા પ્રતિબંધમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ધાર્મિક ઉત્સવ અને ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને સંતુલન જાળવવું જરૂરી છે. તેથી, પુરી જગન્નાથ રથયાત્રા પૂર્ણ થયા બાદ જ આ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત થઈ શકશે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં કર્યો સુધારો
જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઓરિસ્સા હાઇકોર્ટના મૂળ આદેશમાં આંશિક સુધારો કરીને ફિલ્મ નિર્માતાઓને થોડી રાહત આપી છે:
- સમયગાળો ઘટાડાયો: હાઇકોર્ટે આ કેસની આગામી સુનાવણી 5 ઓગસ્ટ ના રોજ નિયત કરી હતી અને ત્યાં સુધી રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.
- 28 જુલાઈથી રિલીઝની મંજૂરી: સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાનો ઉત્સવ 16 જૂલાઈ થી શરૂ થઈ ચૂક્યો છે અને તે 27 જૂલાઈ સુધી ચાલશે. આથી, રથયાત્રાના ધાર્મિક વિધિ-વિધાનો સંપન્ન થયા બાદ, એટલે કે 28 જૂલાઈના રોજ અથવા ત્યાર પછી આ ફિલ્મને દેશભરમાં રિલીઝ કરી શકાશે.
શા માટે ઊભો થયો છે આ વિવાદ?
આ એનિમેટેડ ફિલ્મની રિલીઝ સામે પુરીના સ્થાનિક સંગઠનો અને સંસ્કૃતિ પ્રેમીઓએ ઓરિસ્સા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી:
- પરંપરાઓ સાથે ચેડાંનો આરોપ: અરજીકર્તાઓનો આરોપ છે કે ફિલ્મમાં ભગવાન જગન્નાથનું ચિત્રણ ‘સ્કંદ પુરાણ’, ‘બ્રહ્મ પુરાણ’ અને મંદિરની સદીઓ જૂની સ્થાપિત પરંપરાઓથી વિપરીત કરવામાં આવ્યું છે.
- સૂચનોની અવગણના: સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ઓડિશા સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, પુરીના ગજપતિ મહારાજા અને શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર સમક્ષ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ દરમિયાન કેટલાક મહત્વના સુધારા સૂચવવામાં આવ્યા હતા, પરંતુ નિર્માતાઓએ તે ફેરફારો ફિલ્મમાં સામેલ કર્યા નહોતા.
નિર્માતાઓની આર્થિક નુકસાનની દલીલ
ફિલ્મ બનાવતી પ્રોડક્શન કંપની ‘એલિ એનિમેશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ વતી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો:
- સેન્સર બોર્ડની મંજૂરી: તેમણે દલીલ કરી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને સત્તાવાર પ્રમાણપત્ર મળી ગયું હોવાથી હવે તેના કન્ટેન્ટ સામે પ્રશ્નો ઉઠાવી શકાય નહીં.
- કરોડોનું નુકસાન: દેશભરના આશરે 300 થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં હતી. છેલ્લી ઘડીએ લાદવામાં આવેલા પ્રતિબંધથી કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડશે. વળી, આ જ પાત્ર પર આધારિત એક સિરીઝ અગાઉથી યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
જો કે, સુપ્રીમ કોર્ટે આસ્થા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંને વચ્ચે સંતુલન જાળવતા ફિલ્મને કાયમી ધોરણે રોકવાને બદલે માત્ર રથયાત્રાના 9 દિવસના ઉત્સવ પૂરતી જ મોકૂફ રાખવાનો મધ્યમ માર્ગ અપનાવ્યો છે.