National

અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી: ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ સિસ્ટમ નાબૂદ, હવે મહત્તમ 4 વર્ષ જ રોકાઈ શકાશે

અમેરિકામાં રહીને અભ્યાસ કરવા અથવા કામ કરવા ઈચ્છતા વિદેશી નાગરિકોને ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટો ઝટકો આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ દાયકાઓ જૂની ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ પ્રણાલીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. આ જૂની વ્યવસ્થા હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ ચાલુ રાખે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે અમેરિકામાં રહી શકતા હતા, પરંતુ હવે નવા નિયમ હેઠળ F, J અને I વિઝા ધારકો માટે રોકાણની સમયમર્યાદા નિશ્ચિત કરી દેવામાં આવી છે.

નવા નિયમો અને સમયમર્યાદાના કડક ધોરણો

નવા માળખા હેઠળ વિદેશી નાગરિકોના અમેરિકામાં રોકાણ પર સીધી મર્યાદા નક્કી કરવામાં આવી છે:

  • મહત્તમ 4 વર્ષનું રોકાણ: હવેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (F વિઝા) અને એક્સચેન્જ વિઝિટર્સ (J વિઝા) પોતાના શૈક્ષણિક કાર્યક્રમની અવધિ અથવા મહત્તમ 4 વર્ષ સુધી જ અમેરિકામાં રહી શકશે.
  • જૂના વિઝા ધારકો પર પણ અસર: જે લોકો હાલમાં જૂની વ્યવસ્થા હેઠળ અમેરિકામાં છે, તેમને પણ આપોઆપ આ નવા નિયમ અંતર્ગત લાવી દેવામાં આવશે. આ નિયમ લાગુ થયાની તારીખથી તેમનું રોકાણ પણ વધુમાં વધુ 4 વર્ષ માટે જ માન્ય રહેશે.
  • ગ્રેસ પિરિયડ અડધો કરાયો: અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને દેશ છોડવા અથવા અન્ય સંસ્થામાં ટ્રાન્સફર લેવા માટે પહેલા 60 દિવસનો સમય મળતો હતો, જેને ઘટાડીને હવે માત્ર 30 દિવસ કરી દેવામાં આવ્યો છે.

વિઝાના દુરુપયોગ અને સુરક્ષા અંગે સરકારનું વલણ

DHSના સેક્રેટરી માર્કવેઈન મુલિને ટ્રમ્પ સરકાર દ્વારા આ કડક કાયદો લાવવા પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ કર્યા છે:

  • અનિશ્ચિત રોકાણ પર રોક: મુલિને જણાવ્યું કે, “દાયકાઓથી વિદેશી વિદ્યાર્થીઓને અનિશ્ચિત સમય માટે પ્રવેશ મળતો હતો, જેનો દુરુપયોગ કરીને હજારો લોકો અમેરિકા છોડવાનું ટાળવા માટે વારંવાર નવા-નવા કોર્સમાં એડમિશન લીધા રાખતા હતા.”
  • રાષ્ટ્રીય સુરક્ષા અને મોનિટરિંગ: વિઝાની સમયમર્યાદા નક્કી કરવાથી સરકાર માટે વિદેશી નાગરિકોનું સ્ક્રીનિંગ, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને મોનિટરિંગ કરવું સરળ બનશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થશે.

વિઝા વધારવાની પ્રક્રિયા હવે વધુ જટિલ બનશે

જો કોઈ વિદ્યાર્થીને પોતાના અભ્યાસ માટે 4 વર્ષથી વધુ સમયની જરૂર હશે, તો પ્રક્રિયા ઘણી અઘરી રહેશે:

  • ફેડરલ ઓવરસાઈટ: અગાઉ વિઝા લંબાવવાની સત્તા શૈક્ષણિક સંસ્થાઓ પાસે હતી, પરંતુ હવે વિદ્યાર્થીઓએ સીધા જ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસમાં ‘એક્સ્ટેંશન ઓફ સ્ટે’ માટે અરજી કરવી પડશે.
  • બાયોમેટ્રિક્સ અને તપાસ: આ નવી પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક્સ ટેસ્ટ, કડક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને ફ્રોડ સ્ક્રીનિંગ માંથી પસાર થવું ફરજિયાત રહેશે.

Most Popular

To Top