Vadodara

બેલારૂસના વર્ક વિઝાના નામે અમદાવાદની મહિલા સાથે રૂ.6 લાખની ઠગાઈ

નકલી વિઝાના દસ્તાવેજો પધરાવી વડોદરાની મહિલા કન્સલ્ટન્ટ અને પરિવારે રૂપિયા પડાવ્યા

આખરે વિઝા નહીં મળતા મહિલાએ રૂપિયા પરત માગ્યા તો રૂપિયા નહીં મળે તારાથી થાય તે કરી લેજે” કહી ધમકી આપી

વડોદરા તા.18

વિદેશમાં સારી નોકરી અને ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી વડોદરાની કન્સલ્ટન્સી સંચાલક મહિલા અને તેમના પરિવારે
બેલારૂસનો વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદની મહિલા સાથે રૂ.6 લાખની છેતરપિંડી આચરી છે. રૂપિયા પડાવી લીધા બાદ નકલી વિઝાના દસ્તાવેજો પધરાવ્યા હતા. પરંતુ કોઈ વિઝા નહીં આપી કે વિદેશ નહીં મોકલતા મહિલાએ રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહીં મળે તારાથી થાય તે કરી લેજે” કહી ધમકી આપ્યા છે. સમગ્ર મામલે વાઘોડિયા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી આર્યાબેન વિરલભાઈ ઠાકોરનો વર્ષ 2025 દરમિયાન તેમના મિત્ર રવિ ઉર્ફે દિવ્યેશ પટેલ મારફતે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ‘પ્રમુખ કન્સલ્ટન્સી’ની સંચાલક રેશ્માબેન કલ્પેશભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો. રેશ્માબેને બેલારૂસમાં નોકરી સાથે વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી સમગ્ર પ્રક્રિયા માટે રૂ.6 લાખ ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
વિશ્વાસમાં આવી આર્યાબેને પ્રથમ તબક્કે કન્સલ્ટન્સીની ઓફિસમાં રૂ.1.26 લાખ રોકડા આપ્યા હતા. જોકે તેની કોઈ રસીદ આપવામાં આવી નહોતી અને બીજા દિવસે માત્ર રૂ.26 હજાર પરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિઝા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવાના બહાને વધુ રૂ.5 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ આર્યાબેને તેમની માતાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડી ખંભાત ખાતે રેશ્માબેન, તેમના પતિ કલ્પેશ પટેલ, પુત્ર હેત પટેલ અને અન્ય પરિવારજનોની હાજરીમાં આ રકમ સોંપી હતી.
રૂપિયા મળ્યા બાદ પણ મહિનાઓ સુધી વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી. દબાણ વધતા આરોપીઓએ વોટ્સએપ પર બેલારૂસના કથિત ઓફર લેટર અને એકોમોડેશન લેટર મોકલ્યા હતા. ઉપરાંત બેંક બેલેન્સ દર્શાવવા માટે ખોટું સર્ટિફિકેટ તૈયાર કરાવી આપ્યાનો પણ આરોપ છે. વિઝા એપોઇન્ટમેન્ટના બહાને મુંબઈ જવાની ટિકિટ બુક કરાવ્યા બાદ છેલ્લી ઘડીએ ‘સર્વર ક્રેશ’ હોવાનું બહાનું બતાવી પ્રવાસ પણ રદ કરાવી દેવામાં આવ્યો હતો. પછી આર્યાબેનને ખબર પડી કે તેમને બેલારૂસમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રની નોકરી માટે ઓફર આપવામાં આવી છે. આ કામ કરવા ઇનકાર કરતાં તેમણે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. ફરિયાદ મુજબ ત્યારથી આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. મધ્યસ્થી મારફતે વાત કરતાં પણ આરોપીઓએ “તારા રૂપિયા પરત નહીં મળે, તારાથી થાય તે કરી લેજે” કહી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનાર મહિલાએ વડોદરાના બાપોદ પોલીસ મથકે મહિલા કન્સલ્ટન્ટ અને તેમના પરિવાર સામે છેતરપિંડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top