કચરાના એક ડબ્બા પાસે બે બકરીઓ ચરી રહી હતી. કચરામાં ‘દેવદાસ’ ફિલ્મની રીલ હતી અને એક કિતાબ હતી. મજાની વાત એ હતી કે જે કિતાબ હતી, એની જ વાર્તા પરથી બનેલી પેલી ફિલ્મની રીલ ત્યાં પડી હતી. એક બકરીએ થોડીક ફિલ્મની રીલ ખાધી અને થોડાંક પુસ્તકનાં પાનાં ખાધાં. બંને ચાખ્યા પછી એણે બીજી બકરીને કહ્યું, “ચોપડી બહેતર હતી, ફિલ્મમાં એવી મજા નહોતી!” સિનેમા અને સાહિત્ય, બેઉ એક જ પ્રેમીની બે સૌતનો. કોણ ચઢે? કોણ વધુ લોકપ્રિય? કોણ શ્રેષ્ઠ? એ ચર્ચા વર્ષોથી થતી રહી છે. એક સિક્કાની બે બાજુ નથી, પણ બે બાજુવાળા એક જ સિક્કા જેવી વાત છે. વિદ્વાનો કહે છે પુસ્તકો શ્રેષ્ઠ છે, સિનેમાપ્રેમીઓ કહે છે ફિલ્મોમાં જ મજા છે… પણ હમણાં ‘છાવા’ ફિલ્મ, જે બહુ ચર્ચામાં છે, તે પણ શિવાજી સાવંતની મરાઠી નવલકથા પર આધારિત છે.

તો શું ચઢે? સાહિત્ય કે સિનેમા? અમે કહીએ છીએ કે એ ઓઈલ અને પાણીની સરખામણી જેવી બાલિશ વાત છે. સિનેમા ‘બીસ્ટ’ છે, સાહિત્ય ‘બ્યુટી’ છે. આ ‘બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ જેવી નેવર-એન્ડિંગ લવસ્ટોરી છે. બંને એકબીજાના પૂરક છે, પણ ખતરનાક શરતો સાથે—‘કન્ડિશન્સ એપ્લાય’ના લટકણિયા સાથે! હોલિવૂડના નિર્માતાઓ પણ આ જ વાત કહેતા હોય છે; ફરક માત્ર દેશ, દુનિયા અને ભાષાનો હોય છે.
માણસનો સો ગણો મોટો ચહેરો એના હાવભાવ સાથે ‘ક્લોઝ-અપ’માં પડદા પર દેખાય છે; પુસ્તકમાં નહીં. પુસ્તકમાં તમારા મન અને વિચારને હલાવી કે સ્પર્શી જતી વાત હોય છે, પણ સંગીત, થ્રીલ અને રોમાંચ નથી. છે તો દૃશ્ય હોય છે, પણ સાઉન્ડ નહીં. જે વાત એક ‘શોટ’થી દેખાડી શકાય છે, એ માટે લેખકે બે પાનાંનું વર્ણન કરવું પડે છે. સિનેમાને એક સાથે ૧૦૦૦-૨૦૦૦ લોકો માણે છે, જ્યારે પુસ્તક માણસ એકલો વાંચે છે. પુસ્તકની વાર્તામાં વાચક પોતાની કલ્પનાઓથી દુનિયા રચે છે, જ્યારે સિનેમામાં બધું સામે તરત જ દેખાય છે. ફિલ્મ એ ભાગતી વાર્તાશૈલી છે; ત્યાં વિચારવાનો બહુ મોકો નથી મળતો. એક સેકન્ડમાં ચોવીસ ફ્રેમ દોડતી હોય ત્યારે જ ‘મૂવિંગ’, એટલે કે હાલતું-ચાલતું ચિત્ર દેખાય છે. સિનેમા એક એવું પોપ-કલ્ચર છે, જેની લોલીપોપ દરેક સાહિત્યકાર ચૂસવા લલચાય છે, અને આખી જિંદગી મોંમાં કડવો સ્વાદ રહી જાય છે. સાહિત્યકારોને હંમેશાં ફરિયાદ હોય છે કે સિનેમાવાળા બહુ ચાલુ હોય છે, લુચ્ચા હોય છે… અમારી મહાન રચનાને સમજતા નથી, બગાડી મૂકે છે વગેરે વગેરે. પણ શરદબાબુ, પ્રેમચંદ, મન્ટો, મેઘાણી, ઇસ્મત ચૂગતાઈ, કમલેશ્વર, મધુ રાય, રાહી માસૂમ રઝા જેવા અનેક મહાન લેખકો હિન્દી ફિલ્મોમાં આવી ‘અમે નથી રમતાં, જાવ’ કહીને, હાથ-પગ અને ઘૂંટણ પર ઘા લઈને રિસાઈને જતા રહ્યા છે. હિન્દી સિનેમા એક જાયન્ટ કેસીનો કે જુગારખાનું છે, જ્યાં સાહિત્યના લેખકો હંમેશાં હારવા માટે જ જાય છે. હોલિવૂડમાં પણ મહાન હેમિંગ્વે હોય કે સ્ટીફન કિંગ જેવા બેસ્ટસેલર હોરર નવલકથાકાર—પોતાની કિતાબ પરથી બનેલી ફિલ્મો જોવાની હિંમત નથી કરતા. બેસ્ટસેલર લેખક જેફ્રી આર્ચરે એક મુલાકાતમાં કહ્યું હતું: “લેખકો બે પ્રકારના હોય છે. એક, જે સારું અને સુંદર લખે છે—એ ‘લેખક’; અને બીજો એટલે ‘સ્ટોરીટેલર’, એટલે કે રસ પડે એવી કથા કહેનારો.” છતાં પણ મોટા ભાગના સફેદ કફની પહેરેલા લેખકો આ બેઝિક ફરક સમજતા નથી.
સિનેમા પ્રચંડ ઓરકેસ્ટ્રા છે, જ્યાં સંગીત છે, શોર છે, ગુલ છે… જ્યારે સાહિત્ય એકાકી, એકલું ગીત છે. સાહિત્ય એ શાશ્વત નદી છે, જે સદીઓથી વહે છે અને એમાંથી સિનેમા, રેડિયો, ટી.વી. અને ઇન્ટરનેટવાળા ખોબે-ખોબે પીવે છે, ‘નદી’ને ગંદી કરીને જતા રહે છે. એ જ બજાર પાસે બંધુભાવની અપેક્ષા રાખવી એ રાખનારની મૂર્ખતા છે. સાહિત્ય હંમેશાં શુદ્ધ સર્જનની દૃષ્ટિએ એક મુઠ્ઠી ઊંચું રહ્યું છે અને ફિલ્મો પોતાની લોકપ્રિયતા તથા પહોંચને કારણે ઉપર રહી છે.
વળી, લેખકો પણ કંઈ દૂધના ધોયેલા નથી હોતા. આખી જિંદગી ‘નિર્મોહ’, ‘લાગણી’ અને ‘સામ્યવાદ’ની વાતો લખી-બોલીને પછી ફિલ્મ નિર્માતાઓ પાસે બે પેગ વ્હિસ્કી અને બે-પાંચ લાખ રૂપિયા માટે સાવ ઝૂકી જાય છે. એ લોકો પૈસા કમાવવા માટે લૂંટારાઓની અદામાં આવે છે અને પછી જખ્મી થઈને પાછા પોતાની કિતાબોની દુનિયામાં જતા રહે છે. લેખકની પ્રતિભા, એના સન્માન કે એની ગરિમા પર કોઈ જ સવાલ નથી, પણ મોટે ભાગે લેખકો સિનેમાને અને એના ધંધાને સમજી શકતા નથી.કાફકા કહેતા કે દરેક લેખકે બે હાથે કામ કરવાનું હોય છે—એક હાથે લખવાનું અને બીજા હાથે દુનિયાના પ્રહાર ઝીલવાના. પણ ફિલ્મી લેખકે તો દસ હાથથી કામ કરવું પડે છે. એક હાથે લખવાનું, બીજા હાથે નિર્માતા-નિર્દેશક સાથે લખવાનું, ત્રીજા હાથે અભિનેતા સાથે, ચોથા હાથે સેન્સર બોર્ડ અને સરકાર સાથે, પાંચમા હાથે પ્રેક્ષકોના જૂતાં સાથે, છઠ્ઠા હાથે વાંઝણા વિવેચકો સામે… અને લિસ્ટ ચાલ્યા જ કરશે. રેડિયો, ટી.વી. અને સિનેમા એ મીડિયા છે. મીડિયા એક મોન્સ્ટર છે—રાક્ષસ. એને રોજ નવો-નવો ચારો જોઈએ છે. પુરાણો, લોકકથાઓ, છાપાંની હેડલાઇનો, નવલકથાઓ અને વાર્તાઓ—એ બધું જ ચાવી જાય છે. સિનેમાને સાહિત્ય વિના નહીં ચાલે; સાહિત્યને કદાચ ચાલી જશે. સાહિત્ય એ નોળવેલ છે, જેને ઘવાયેલો સાપ ચાવીને પાછો તાજોમાજો થઈ જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે: “સાહિત્ય એ લક્ઝરી છે, સિનેમા એ જરૂરિયાત!” – સંજય છેલ