ભારત માટે નવી નવી મુશ્કેલીઓ ઉભી કરવી એ ચીન માટે કોઇ નવી વાત નથી. તેણે કેટલાક સમય પહેલા ભારતની સરહદ નજીક એક વિશાળ બંધ બાંધવાનું કામ શરૂ કર્યું છે. આ બંધ ભારત માટે શરૂઆતથી ચિંતાનું કારણ બન્યો છે કારણ કે ભારતને ચિંતા છે કે વધારે શત્રુતા પ્રવર્તતી હોય તેવા સંજોગોમાં ચીન આ બંધનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકે છે કારણ કે ચીનના તિબેટના પ્રદેશમાંથી બ્રહ્મપુત્રા નદી ભારતીય પ્રદેશમાં થઇને વહે છે અને ચીન બંધમાંથી વધુ પડતું પાણી છોડે તો ભારતીય વિસ્તારોમાં પૂર આવી શકે છે.
હવે આ બંધે એક નવી ચિંતા ભારત માટે ઉભી કરી છે. ચીનના સરકારી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ સાથે જોડાયેલા ભૂસ્તરશાસ્ત્રીઓના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર નિર્માણાધીન ‘મેડોગ હાઇડ્રોપાવર સ્ટેશન’ એક સક્રિય ફોલ્ટ લાઇન પર આવેલું છે. આનાથી વિશ્વના આ સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટની માળખાકીય સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. આ ડેમ અરુણાચલ પ્રદેશ સાથેની ભારતની સરહદથી માત્ર 50 કિમી દૂર છે. અને ભૂકંપના સંજોગોમાં જો બંધને મોટું નુકસાન થાય તો ભારતીય પ્રદેશમાં પણ કરૂણાંતિકાઓ સર્જાઇ શકે છે.
મેડોગ કાઉન્ટીમાં બની રહેલો આ ડેમ થોડા સમય પહેલા ત્યારે પણ ચર્ચામાં આવ્યો હતો જ્યારે એવો વિવાદ શરૂ થયો કે શું ચીન ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદીના પ્રવાહને નિયંત્રિત કરી શકે છે. આ વિવાદ ભારતે પાકિસ્તાન સાથેની ‘સિંધુ જળ સંધિ’ સ્થગિત કર્યા બાદ સામે આવ્યો હતો. બેઇજિંગ અને ઇસ્લામાબાદ તેમના સંબંધોને લોખંડી અને સદાબહાર મિત્રતા ગણાવે છે અને એવી ચિંતા ઉભી થઇ હતી કે જો પાકિસ્તાન માટે ભારત સિંધુ નદીનું જળ અટકાવે તો ચીન ભારત માટે બ્રહ્મપુત્રાનું પાણી અટકાવી શકે છે. હવે આ બંધ ભૂસ્તરશાસ્ત્રીય રીતે ભારત માટે ચિંતા સર્જી રહ્યો છે.
‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ (SCMP) ના અહેવાલ મુજબ, સરકારી માલિકીના ‘ચાઇના જીઓલોજિકલ સર્વે’ની દેખરેખ હેઠળ ‘સેડિમેન્ટરી જીઓલોજી એન્ડ ટેથયન જીઓલોજી’ જર્નલમાં મેન્ડરિન ભાષામાં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રને ટાંકીને સંશોધકોએ જણાવ્યું છે કે, તિબેટમાં જે નદી ‘યારલંગ ત્સાંગપો’ તરીકે ઓળખાય છે (જે ભારતમાં બ્રહ્મપુત્રા છે) તેના પર બંધાતા મેડોગ ડેમ સાઇટની બરાબર નીચે એક સક્રિય ‘પાઈઝેન ફોલ્ટ’ હોવાનું જણાયું છે. ‘ચેંગદુ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી’, ‘સિવિલ-મિલિટરી ઇન્ટિગ્રેશન સેન્ટર ઓફ ધ ચાઇના જીઓલોજિકલ સર્વે’ અને ‘મિડલ યારલંગ ઝાંગબો રિવર નેચરલ રિસોર્સિસ ઓબ્ઝર્વેશન એન્ડ રિસર્ચ સ્ટેશન’ ના ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે આ ફોલ્ટ લાઇન આ મેગા-ડેમની માળખાકીય સ્થિરતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
મેડોગ હાઇડ્રોપાવર સ્ટેશન એ તિબેટની મેડોગ કાઉન્ટીમાં યારલંગ ત્સાંગપો નદી (ભારતમાં બ્રહ્મપુત્રા) પર આયોજિત 60,000 મેગાવોટનો ‘રન-ઓફ-ધ-રિવર’ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. પશ્ચિમ તિબેટમાં આંગસી ગ્લેશિયરમાંથી નીકળતી યારલંગ ત્સાંગપો નદી ચીનના નિયંત્રણ હેઠળના તિબેટ વિસ્તારમાં 1,625 કિમીની મુસાફરી કરે છે અને ‘નામચા બારવા’ શિખર નજીક મોટો વળાંક લઈને ભારતમાં પ્રવેશે છે. ત્યારબાદ, બ્રહ્મપુત્રા તરીકે તે ભારતમાં 918 કિમી અને બાંગ્લાદેશમાં બીજી 337 કિમી વહે છે, જ્યાં તેને ‘જમુના’ કહેવામાં આવે છે, અને અંતે તે બંગાળની ખાડીમાં ભળી જાય છે.
1 ટ્રિલિયન યુઆન (આશરે $137 બિલિયન) થી વધુના અંદાજિત ખર્ચ સાથે, આ પ્રોજેક્ટ વિશ્વની સૌથી મોટી હાઇડ્રોપાવર સુવિધા બનવા જઈ રહ્યો છે, જે વાર્ષિક આશરે 300 બિલિયન કિલોવોટ-અવર વીજળી ઉત્પન્ન કરશે, જે થ્રી ગોર્જીસ ડેમ (Three Gorges Dam)ના ઉત્પાદન કરતાં લગભગ ત્રણ ગણુ છે. ચીન દ્વારા ડિસેમ્બર 2024 માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી, જુલાઈ 2025 માં તેનું નિર્માણ શરૂ થયું હતું અને 2033 સુધીમાં તેનું વ્યાવસાયિક સંચાલન શરૂ કરવાનું લક્ષ્ય છે.
પરંતુ જો ચીની સરકાર સંબંધી સંશોધકોનું માનીએ તો, આ વિશાળ ડેમ એક રીતે ભૂસ્તરશાસ્ત્રીય ટાઈમ બોમ્બ જેવો છે. ચાઇનીઝ ભૂસ્તરશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે કે વિશ્વના આ સૌથી મોટા જળવિદ્યુત પ્રોજેક્ટની બરાબર નીચે આવેલી એક સક્રિય ફોલ્ટ લાઇન છે, જે તિબેટની યારલંગ ત્સાંગપો (બ્રહ્મપુત્રા) નદી પર હાલમાં બની રહેલા મેગા-ડેમ માટે જોખમ ઊભું કરી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પૂર્વીય હિમાલય ક્ષેત્રમાં પૃથ્વીના પોપડામાં રહેલી આ તિરાડ, આ વિશાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના માળખાકીય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરશે.
સરકારી ચાઇના જીઓલોજિકલ સર્વેની દેખરેખ હેઠળ ચાઇનીઝ ભાષાના જર્નલ ‘સેડિમેન્ટરી જીઓલોજી એન્ડ ટેથયાન જીઓલોજી’માં ગયા મહિને પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં, વૈજ્ઞાનિકોની ટીમે ઇજનેરોને ભૂસ્ખલન અને પહાડો તૂટી પડવાના જોખમને ઘટાડવા માટે ઢોળાવની સ્થિરતા મજબૂત કરવા અને પ્રોટેક્શન વોલ બનાવવાનું સૂચન કર્યું છે. ચીની સરકાર હવે આ નિષ્ણાતોની ભલામણો પર અમલ કરે છે કે નહીં તે જોવાનું રહે છે. આ બંધની કોઇ પણ દુર્ઘટના ચીનને પોતાને તો નુકસાન કરી જ શકે છે તેથી તે કંઇ કરશે તો ખરું જ, પરંતુ ભારત તરફે થનારા નુકસાનની સંભાવનાઓ બાબતે તે બેદરકાર પણ રહી શકે છે, આથી જ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવીને પણ ચીનને તેની જવાબદારી પ્રત્યે સભાન કવું જરૂરી છે.