Business

વ્હાલા વરસાદનાં વંટોળમાં: ભીના ભીના ભાવુક શબ્દો

ટાઇટલ્સઃ
વહુ, વરસાદ ને વિવેચકને
ક્યારેય જશ ન મળે! (છેલવાણી)
શમાં આખરે ‘અચ્છે દિન’ની જેમ ‘ગીલે ગીલે દિન’ તો આવી ગયાં. શહેરમાં સહેજ વરસાદ શું પડે કે અમારામાં પણ અચાનક કવિ-કમ-લેખક-કમ-નિબંધકાર-કમ-ચિંતકનાં આત્માઓ સામૂહિક રીતે પ્રવેશી જાય છે. પછી અમને પણ ચીકણું-ચીકણું ચિંતન લખવાનો એટેક આવી જાય છે.


તો પેશ છે, ટિપ-ટિપ ટપકતા ટીપિકલ શબ્દો…
‘અષાઢના પ્રથમ દિવસે’ રામગિરિ પર્વત પાસે કોઈ પ્રેમી, પોતાની દૂર રહેલી પ્રિયતમાની કલ્પનામાં જ્યારે ઝુલ્ફો સાથે અટખેલીઓ કરતો હશે, ત્યારે એ પ્રેમીના આનંદનો થાક પરસેવો બનીને જે ટપકે, એ રસ એટલે વ્હાલો વરસાદ! (સોરી, મહાકવિ કાલિદાસજી!)
જો સૃષ્ટિ એકસરખી રીતે જ ચાલ્યા કરે તો સૌ બોર થઈ જાય; એટલે જ વિધાતાએ અનેક મોસમો રચી છે. ખરેખર તો મોસમ ધરતીનાં ડ્રેસિસ છે. એ બદલાય અને સૌ હરખાય. વર્ષા આવતાં ધોળાં-દૂધ જેવા વસ્ત્રો પર કાદવનાં છાંટા જોઈને જાણે કોઈ યુરોપિયન ગોરીના હાથ પર મહેંદી રચી હોય એમ લાગે. આ વરસાદ ભીંજાયેલા દુપટ્ટામાંથી છલકતું રૂપ અને એને તાકતી આશિકની નજરોનાં પૂરનું નિમિત્ત બનતો હોય છે. (છે ને રોમાન્સનો રૂહાની એટેક?)
પસ્તીવાળાથી માંડીને પટાવાળા સુધી, સૌ રાતોરાત કવિ બની જાય છે. છૂપાઈને મળતાં પ્રેમીઓનાં છાનાં અવાજોમાં શરબતી ભેજ છવાઈ જાય છે. કોઈ છોકરો મોટરબાઈકની તેજ ગતિએ રાહદારીઓ પર શંકુ આકારના પાણીનાં ફુવારા ઉડાડે અને પાછળ બેઠેલી કન્યા એને નાગપાશમાં સજ્જડ વળગી પડે, ત્યારે જાણવું કે એ બેઉ એટલે ‘વરસાદની રોમસવારીનાં સાચાં બ્રાન્ડ એમ્બેસેડર!’ (યુવા રીડરો માટે બિંદાસ, બેફિકરું વિધાન.) બોઝિલ ટપકતી સાંજે દેડકાઓના સ્વરયંત્રમાંથી એક અજીબોગરીબ ઓરકેસ્ટ્રા વાગવા માંડે છે, જેનું મ્યુઝિક માટીમાં મહેકાય છે. કોઈક કદોણાં થઈ ગયેલાં વસ્ત્રોને વારાફરતી પહેરવાના રૂટિનમાં વ્યસ્ત હોય છે, જ્યારે અમુક લોકો જીવતરમાં ‘ગુલામ-એ-કૅલેન્ડર’ બનીને જીવ્યા કરે છે. તો વળી ક્યાંક કોઈ ઉદાસ ચહેરો કોઈકની યાદમાં લીલાં ટપકતાં વૃક્ષની નીચે સાવ કોરાંકટ્ટ રહીને એકાકી ઊભો હોય છે. ખરેખર તો વરસાદ આપણી અંદરના મૂડનો એક્સ-રે બની જતો હોય છે. એનો એ જ વરસાદ અલગ-અલગ માણસ પર અલગ-અલગ માત્રામાં વરસે છે; કોઈ ભીંજાય છે, તો કોઈ તરસે છે. (ગહન, ગહેરા ચિંતનનો નમૂનો!)
ઇન્ટરવલઃ
“એક છત્રી છે ઇનફ, બે જણાંને મળવા.” (કવિ સંજય છેલ!)
વરસાદ વરસે તો થાય કે, “હાશ! ફરી એકવાર ઈશ્વરે માણસજાત પર પોતાનો વિશ્વાસ ડિક્લેર કર્યો છે.” (થેંક્સ ટુ, ટાગોર.)
આંકા પડેલી સુક્કી જમીન પર ઈશ્વરની ફિંગરપ્રિન્ટ ફરી અંકિત થઈ જાય છે. આખા વર્ષનાં રીસામણાં પછી આકાશના બંધ હોઠ ખૂલે છે અને ગોરંભાતું જીવન વરસવા લાગે છે. તળાવો અને નદીઓમાં પાણીની સપાટી વધે છે. મિ.મી. અને ઇંચમાં પડેલા વરસાદ દ્વારા કુદરતનું રિપોર્ટ કાર્ડ પણ જાહેર થઈ જાય છે.
આવી રોમેન્ટિક સીઝનમાં પણ અનરોમેન્ટિક માણસો તરત જ પરખાઈ આવે. બામની બોટલ, ચહેરો રોતલ અને વરસભરનું ટોટલ… એમાંથી જરા ઊંચા થઈને જુએ તો ખબર પડે કે આકાશની જેમ જીવતર પણ કેટલું ઊંચું છે! પણ એ છોડો… ત્યાં જુઓને… બાલ્કનીમાં કોઈ મુગ્ધા ટીનેજર કશુંક જોવા આવે અને ત્યાં જ વરસાદ વરસી પડે. એના કોરા સેંથામાંથી ‘શરમ’ બ્રાન્ડ સિંદૂર ટપકી પડે. એની આંખોની ભૂમિમાં લાલાશ ઊતરી આવે અને સામેની બારીમાંથી કોઈ ધીમેથી પૂછે… “ભીંજાઈ તો નથી ને? જતી રહે અંદર…” અને એ છોકરી ભીના વાળ ઉલાળીને કહે…
“ધરતીને આમ પૂછે નહીં, ઓલું અંબર…
સોરી… રોંગ નંબર!”
(કાલીઘેલી કવિતાની કોશિશ.)
ખરેખર તો જ્યારે પૃથ્વીલોકની કોઈ કન્યા અષાઢી વાદળ સાથે ભાગીને પ્રેમવિવાહ કરશે, ત્યારે જ આપણે માનવું જોઈએ કે અવકાશક્ષેત્રે સાચી પ્રગતિ થઈ છે. (નાસા કે ઇસરોવાળાઓને ડાયરેક્ટ ચેલેન્જ!)
હવામાનશાસ્ત્રીઓ તો બિચ્ચારા પોતાની આગાહીઓ કરતા રહે છે, પણ નફ્ફટ વરસાદને શું પડી હોય? એ તો ઝાપટાંભેર અચાનક વરસીને જાણે કહી જાય છે કે માણસના મનને માપવું અને વરસાદ વિશે આગાહી કરવી — એ બંને બહુ અઘરી વાત છે.
મુંબઈ અને સુરતનો વરસાદ પ્રેમમાં ડંખ પામેલી સ્ત્રીની જેમ બેતહાશા વરસે છે. (ચંદ્રકાંત બક્ષી રિટર્ન્સ!) જેમ ઓટોમેટિક સ્વિચવાળી છત્રી એક જ સેકન્ડમાં ઉઘડીને સામેવાળાની આંખમાં વાગી જાય, એટલી ઝડપથી આખું શહેર ભીનું થઈ જાય છે. પણ મુંબઈ એવું મતલબી, મટિરિયલિસ્ટિક શહેર છે કે વરસાદને પણ ખોબામાં લઈને તરત રોકડી કરવા માંડે છે. અહીં શાણા રિક્ષાવાળાઓ સેમ રૂટના ત્રણ-ચાર ગણાં પૈસા વસૂલવા લાગે છે. અલ્હડ નૌયૌવનાની બેબાક અદાઓની જેમ બસના રૂટ અચાનક બદલાઈ જાય છે અને લોકલ ટ્રેનો તો કોઈ નવી વહુની જેમ વારંવાર ભૂલો કરવા માંડે છે. દર વર્ષે મુંબઈ કોઈ દિલહારા શરાબીના લથડતા કદમોની જેમ ફરી-ફરી ઊભું થઈને ચાલતું જ રહે છે. (બક્ષી સ્ટાઇલમાં વધુ એક સણસણતું સ્ટેટમેન્ટ!)
વરસાદની લીલાને નીતરતાં નયને જોતા રહેવામાં પણ એક લિક્વિડ લહાવો છે. (હવે ફિઝિક્સ પણ આવી ગયું, હોં!)
થાય છે કે આ વખતે આપણી સૌની ઇચ્છાઓ, લાગણીઓ અને સપનાઓ મનભરીને વરસે…અને હે પર્જન્યદેવ! અમને કશુંક સુંદર ઇચ્છવાનું વરદાન આપો! બાકી એક લેખક કે કવિ વરસાદના યજ્ઞકુંડમાં આહુતિ આપી-આપીને શું આપે? પોતાની એકલતા? પોતાનું દર્દ? અને પછી કદાચ કલાકારનું દર્દ આભ ચીરીને ઉપરવાળા સુધી પહોંચી જાય, તો આકાશમાંથી એક-એક છંદ અને એક-એક કવિતા બનીને વરસ્યા કરે…બસ!
એન્ડ ટાઇટલ્સઃ
આદમઃ રિસર્ચ કહે છે કે સ્ત્રીઓ વધુ જૂઠું બોલે છે.
ઇવઃ એકદમ સાચું! – સંજય છેલ

Most Popular

To Top