પંજાબના લોહિયાળ અધ્યાયનો કંપાવી દેતો ઇતિહાસ
દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ સતલુજ પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન પોલીસ અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના એક પાસાને રજૂ કરે છે. પરંતુ તે જ સમયગાળાની બીજી બાજુ પણ હતી, જ્યાં ખાલિસ્તાની આતંકવાદના કારણે હજારો નિર્દોષ નાગરિકો, પોલીસકર્મીઓ અને ગામડાંના સામાન્ય લોકો હિંસાનો ભોગ બન્યા હતા. સમય દરમિયાન આતંકવાદીઓએ કૂતરાઓને પણ “મુખબિર” (બાતમીદાર) માનીને મારી નાખ્યાના અનેક કિસ્સાઓ નોંધાયા હતા.
પંજાબના ઇતિહાસમાં 1980 અને 1990નો દાયકાઓ સૌથી હિંસક સમયગાળામાંથી એક ગણાય છે. એક તરફ સુરક્ષા દળો પર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો લાગ્યા,તો બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આશ્ચર્ય ની વાત એ હતી કે આ સમયગાળામાં ગામડાંઓમાં રાત્રે ભસતા કૂતરાઓને પણ આતંકવાદીઓ પોતાના માટે જોખમ માનતા હતા. તેઓ માનતા કે કૂતરાના ભસવાથી પોલીસ અથવા ગામલોકોને તેમની હાજરીનો સંકેત મળી જાય છે. તેથી ઘણા વિસ્તારોમાં કૂતરાઓની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
તાજેતરમાં દિલજીત દોસાંઝની ફિલ્મ સતલુજ ચર્ચામાં આવી છે. ફિલ્મનું કેન્દ્રબિંદુ માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન અને કથિત ગેરકાયદેસર હત્યાઓની તપાસ છે. ફિલ્મે પંજાબના એક દુઃખદ અધ્યાયને ફરી ચર્ચામાં લાવ્યો છે, પરંતુ અનેક વિશ્લેષકોનું કહેવું છે કે તે સમયના આતંકવાદી હિંસાના ભોગ બનેલા હજારો નિર્દોષ લોકોની કહાની પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
વિશ્લેષણ અનુસાર, પંજાબના અનેક ગામોમાં આતંકવાદીઓ રાત્રિના સમયે ગુપ્ત રીતે અવરજવર કરતા હતા. કોઈ ઘર નજીક પહોંચતાં જ કૂતરાઓ ભસવા લાગતા અને આ અવાજથી ગામલોકો જાગી જતા અથવા પોલીસને માહિતી મળી જવાની શક્યતા રહેતી. આ કારણે કેટલાક આતંકવાદી જૂથોએ ગામોમાં કૂતરાઓને મારી નાખવાની શરૂઆત કરી હતી. તેમને “મુખબિર કૂતરા” તરીકે ઓળખાવી તેમની હત્યા કરવામાં આવતી હતી.તે સમય દરમિયાન માત્ર કૂતરાઓ જ નહીં પરંતુ ગામના સરપંચો, વેપારીઓ, શિક્ષકો, ખેડૂત, સરકારી કર્મચારીઓ અને પોલીસને મદદ કરવાના શંકાસ્પદ લોકો પણ આતંકવાદીઓના નિશાને આવતા હતા. ઘણા લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવતી જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય અને કોઈ પણ સુરક્ષા દળોને માહિતી આપવાની હિંમત ન કરે.
પંજાબમાં આતંકવાદના વર્ષો દરમિયાન હજારો લોકોના જીવ ગયા હતા. તેમાં સામાન્ય નાગરિકો, પોલીસકર્મીઓ, સુરક્ષા દળોના જવાનો તેમજ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળાએ રાજ્યના સામાજિક અને આર્થિક જીવનને પણ ગંભીર અસર પહોંચાડી હતી. અનેક પરિવારો પોતાના સભ્યોને ગુમાવી બેઠા અને સમગ્ર પેઢી હિંસાની યાદો સાથે જીવતી રહી.ફિલ્મ સતલુજને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ફિલ્મને પહેલા સેન્સર બોર્ડ તરફથી અનેક ફેરફારો સૂચવવામાં આવ્યા હતા અને બાદમાં ઓટીટી પ્લેટફોર્મ પરથી પણ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ પંજાબના અનેક વિસ્તારોમાં સ્થાનિક સંગઠનો દ્વારા જાહેર પ્રદર્શન યોજાયા, જ્યાં લોકો ફિલ્મ જોઈને તે સમયના ઇતિહાસ પર ચર્ચા કરતા જોવા મળ્યા.
ઇતિહાસકારોનું માનવું છે કે પંજાબના આ સમયગાળાને માત્ર એક જ દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. એક તરફ પોલીસ કાર્યવાહી અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો હતા, તો બીજી તરફ આતંકવાદી હિંસાએ પણ હજારો પરિવારોને બરબાદ કર્યા હતા. બંને પાસાઓને સમજ્યા વિના તે સમયની સંપૂર્ણ તસવીર સામે આવતી નથી.ઘણા ગામોના વૃદ્ધો આજે પણ યાદ કરે છે કે રાત્રે ગોળીબાર, ધમકીઓ અને સતત ભય વચ્ચે જીવવું સામાન્ય વાત બની ગઈ હતી. ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દેખાય તો લોકો ડરી જતા. કૂતરાઓના ભસવાથી આતંકવાદીઓ નારાજ થતા અને ઘણી વખત પહેલા કૂતરાને મારી નાખતા, પછી ગામમાં પ્રવેશતા. આ ઘટનાઓ લોકોના મનમાં આજે પણ જીવંત છે.
પંજાબમાં આતંકવાદના અંત પછી રાજ્ય ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ પાછું ફર્યું, પરંતુ તે સમયની પીડા હજુ પણ અનેક પરિવારો માટે તાજી છે. જસવંત સિંહ ખાલરાના મુદ્દા હોય કે આતંકવાદના ભોગ બનેલા નિર્દોષ લોકોની કહાનીઓ – બંને પંજાબના ઇતિહાસના મહત્વપૂર્ણ અધ્યાય છે અને બંનેને સમજવું જરૂરી છે.આજે સતલુજ ફિલ્મને લઈને ચાલી રહેલી ચર્ચાએ ફરી એકવાર પંજાબના લોહિયાળ ઇતિહાસને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. એક તરફ કથિત પોલીસ અત્યાચાર અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ આતંકવાદના ભોગ બનેલા નિર્દોષ લોકોની પીડા અને તેમના પરિવારજનોની યાદોને પણ ફરી અવાજ મળ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે ઇતિહાસને સંપૂર્ણ રીતે સમજવા માટે બંને પક્ષોની હકીકતોને સમાન ગંભીરતાથી જોવી જરૂરી છે.