તેહરાનના વોટર પંપ સહિત અનેક નિશાનાઓ પર અમેરિકી હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઈરાને કતાર, ઓમાન, બહેરીન, જોર્ડન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યા બાદ અમેરિકાએ તેહરાન સહિત ઈરાનના અનેક વિસ્તારો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેનો કડક જવાબ આપવામાં આવશે.
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે.જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે સતત હુમલા અને વળતા હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે તાજેતરના ઘટના ક્રમમાં ઈરાને ખાડી વિસ્તારમાં આવેલા અનેક દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સૈન્ય અને વ્યૂહાત્મક સ્થળો પર ભારે બોમ્બમારો કર્યો.
માહિતી મુજબ ઈરાને કતાર,ઓમાન,બહેરીન,જોર્ડન, કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર એકસાથે હુમલો કર્યો હતો. અનેક સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરાઈ અને મિસાઈલને હવામાં જ તોડી પાડવાના પ્રયાસો થયા.
કેટલાક વિસ્તારોમાં વિસ્ફોટના જોરદાર અવાજો સંભળાયા જ્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સંબંધિત દેશોએ પોતાના હવાઈ ક્ષેત્રમાં સુરક્ષા વધારી દીધી છે.ઈરાને આ હુમલાને અમેરિકાના તાજેતરના એરસ્ટ્રાઈકનો જવાબ ગણાવ્યો છે. જો કે ઈરાનના સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો કે જે દેશો પોતાની જમીન પરથી અમેરિકા ને સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપશે તેઓ પણ ઈરાન માટે લક્ષ્ય બની શકે છે. આ નિવેદન બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
ઈરાની હુમલાના થોડા જ કલાકોમાં અમેરિકાએ વળતો પ્રહાર કર્યો. અમેરિકી વાયુસેનાએ તેહરાન સહિત અનેક વિસ્તારોમાં મિસાઈલ લોન્ચિંગ સાઇટ, કમાન્ડ સેન્ટર, સંચાર વ્યવસ્થા અને અન્ય વ્યૂહાત્મક સૈન્ય સ્થાપનોને નિશાન બનાવ્યા. કેટલાક અહેવાલો અનુસાર પાણી પુરવઠા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સુવિધાઓની આસપાસ પણ હુમલાની અસર જોવા મળી છે. અમેરિકાનો દાવો છે કે આ કાર્યવાહીનો હેતુ ઈરાનની હુમલાની ક્ષમતાને નબળી પાડવાનો છે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે અમેરિકા પોતાના સૈનિકો અને હિતોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમણે ઈરાનને ચેતવણી આપી કે જો ફરી હુમલો કરવામાં આવશે તો તેનો વધુ કડક જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ થયો નથી અને અમેરિકી નૌકાદળ વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમનું સૌથી મોટું કેન્દ્ર હોર્મુઝની ખાડી બની છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યારે અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે. અમેરિકાના જણાવ્યા મુજબ જળમાર્ગના વિકલ્પ રૂટ પરથી જહાજોની અવરજવર ચાલુ છે અને વેપાર સંપૂર્ણપણે બંધ થયો નથી. તેમ છતાં વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ચિંતા ફેલાઈ છે.હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આ જળમાર્ગ મારફતે પસાર થાય છે. જો અહીં લાંબા સમય સુધી તણાવ રહેશે તો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અને તેનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.
આ દરમિયાન ઓમાન, કતાર અને અન્ય ખાડી દેશોએ પોતાના નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે. કેટલાક દેશોમાં એરપોર્ટ પર વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે, જ્યારે મહત્વપૂર્ણ સરકારી અને સૈન્ય સંસ્થાઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ઓમાને ઈરાનના રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વના મોટા દેશોએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. સાથે જ નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુદ્ધ વધુ લાંબું ચાલશે તો માત્ર મિડલ ઈસ્ટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વેપાર, ઊર્જા પુરવઠા અને નાણાકીય બજારો પર તેની ગંભીર અસર પડશે.
રાજકીય વિશ્લેષકોના મતે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી. ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલા અને તેના જવાબમાં અમેરિકી એરસ્ટ્રાઈકને કારણે સમગ્ર પ્રદેશમાં મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વધી ગઈ છે. જો આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વધુ હુમલા થશે તો અનેક દેશો પણ આ સંઘર્ષમાં ખેંચાઈ શકે છે.ભારત માટે પણ આ સ્થિતિ મહત્વપૂર્ણ છે કારણ કે દેશની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝ જળમાર્ગમાં કોઈપણ પ્રકારની લાંબી અસ્થિરતા સર્જાશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ શકે છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને અન્ય ઈંધણના ભાવ પર અસર થવાની શક્યતા છે.સાથે જ મધ્ય પૂર્વમાં રહેતા ભારતીયોની સુરક્ષા પર પણ સરકાર સતત નજર રાખી રહી છે.
હાલની સ્થિતિમાં અમેરિકા અને ઈરાન બંને પોતાના વલણ પર અડગ દેખાઈ રહ્યા છે.જો કે એક તરફ અમેરિકા સતત સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાની તૈયારી દર્શાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ ઈરાન પણ જવાબી હુમલા ચાલુ રાખવાનો સંકેત આપી રહ્યું છે.પરિણામે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા હાલ ખૂબ ઓછી માનવામાં આવી રહી છે, વિશ્વની નજર હવે આગામી સૈન્ય અને રાજદ્વારી પગલાં પર ટકેલી છે.