આંધ્રપ્રદેશના વાય.એસ.આર. YSR કડપ્પા જિલ્લામાં કોરોના વાયરસના કેસો ફરીથી સામે આવતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડના 8 નવા કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અંદાજે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ કોરોનાથી મોતનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સરકારે તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
વાયરસના કારણે 2 દર્દીઓના મોત
આંધ્રપ્રદેશમાં છેલ્લે વર્ષ 2022માં કોરોનાથી મોતના આંકડા નોંધાયા હતા. હવે લાંબા સમય બાદ કડપ્પા જિલ્લામાં બે લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. 60 વર્ષના એક દર્દીને પહેલા તિરૂપતિની SVIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને CMC વેલ્લોર ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ RT-PCR ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક દર્દી ડાયાબિટીસ અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા. અન્ય એક 43 વર્ષીય દર્દીનું પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જો કે, આ દર્દીના જૂના મેડિકલ રેકોર્ડ હજુ ઉપલબ્ધ થયા નથી.
8 એક્ટિવ કેસ, ઓમિક્રોન વેરિઅન્ટની આશંકા
કડપ્પા વાયરોલોજી લેબમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટ દરમિયાન અન્ય દર્દીઓ સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું છે. હાલમાં જિલ્લામાં કોરોનાના 8 એક્ટિવ કેસ છે. પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી 3 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે હળવા લક્ષણો ધરાવતા એક દર્દીને કડપ્પાની સ્થાનિક હોસ્પિટલના સ્પેશિયલ કોવિડ વોર્ડમાં દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. બીજા 4 એક્ટિવ કેસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે આ તમામ દર્દીઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા છે અને તેમાંથી એક દર્દીએ બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. તબીબોના મતે, દર્દીઓમાં દેખાતા લક્ષણોના આધારે આ સંક્રમણ પાછળ ‘ઓમિક્રોન વેરિઅન્ટ’જવાબદાર હોવાની પ્રબળ આશંકા છે.
સરકાર એક્શનમાં: માસ્ક ફરજિયાત કરવા આદેશ
નવા કેસો સામે આવ્યા બાદ કડપ્પા જિલ્લાના પ્રભારી મંત્રી સવિતાએ ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને સંક્રમણને અટકાવવા માટે કડક માર્ગદર્શિકા લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. હોસ્પિટલો, બજારો અને અન્ય જાહેર તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવા આદેશ અપાયો છે. પ્રભાવિત વિસ્તારોમાં ખાસ ‘રેપિડ રિસ્પોન્સ ટીમો’ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા 40 લોકોના સેમ્પલ લેવાયા છે, જેમાંથી 18 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને બાકીના ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. સંક્રમિત વ્યક્તિઓના પરિવારજનોના તાત્કાલિક ટેસ્ટ કરવા અને પ્રભાવિત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને સાફ-સફાઈ અભિયાન તેજ કરવા જણાવાયું છે. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દીઓની વહેલી ઓળખ કરીને તેમને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.
પુણેની લેબમાં મોકલાયા સેમ્પલ
આ સંક્રમણ કયા ચોક્કસ વેરિઅન્ટના કારણે ફેલાઈ રહ્યું છે અને તેનો ફેલાવવાનો દર કેટલો છે, તે સચોટ રીતે જાણવા માટે મૃતક અને સંક્રમિત દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રશાસને લોકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.