Gujarat

સુરત મહાનગરપાલિકાના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં નવો ખુલાસો

સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિનો હાઈકોર્ટમાં મોટો દાવો, “મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ સ્થળ પર હાજર રહ્યો હતો”:તપાસ કર્યા વગર કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ, કમિશનરની ભૂમિકાની તપાસની પણ માંગ

સુરત મહાનગરપાલિકાના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં હવે મહત્વનો વળાંક આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટ પિટિશનમાં અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ ડિમોલિશન દરમિયાન પોતાની મરજીથી નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરના સ્પષ્ટ આદેશના આધારે જ સ્થળ પર હાજર રહ્યા હતા.

આ દાવા બાદ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા અને તેમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પ્રજાપતિએ પોતાની સસ્પેન્શન કાર્યવાહી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે તેમને યોગ્ય તપાસ કર્યા વિના બલિનો બકરો બનાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને અગાઉથી જ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ડિમોલિશન પ્રક્રિયા કાયદેસર હતી કે નહીં, તેમાં કોના આદેશથી કાર્યવાહી થઈ અને કયા અધિકારીઓ હાજર હતા તે મુદ્દે વિવાદ ચાલતો હતો.
આ દરમિયાન કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તેમણે હાઈકોર્ટમાં પોતાની સસ્પેન્શન સામે પડકાર ફેંકતા જણાવ્યું છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન તેઓ માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરી રહ્યા હતા.

તપાસ સમિતિ સામે પણ ગંભીર આક્ષેપ
રિટમાં સુજલ પ્રજાપતિએ જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશન મામલે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. જોકે આ સમિતિએ તપાસ દરમિયાન તેમને એક પણ વખત બોલાવ્યા નહોતા.પરંતુ જ્યારે ડિમોલિશનને પડકારતી અરજી હાઈકોર્ટમાં પહોંચી ત્યારબાદ અચાનક 29 જૂને નોટિસ મોકલીને 30 જૂને હાજર રહેવા જણાવાયું.તેઓ તપાસ સમિતિ સમક્ષ હાજર રહ્યા ત્યારે સભ્યોએ ડિમોલિશન અંગે અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

લેખિત નિવેદનમાં શું કહ્યું?
સુજલ પ્રજાપતિએ તપાસ સમિતિને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ઉપરી અધિકારીઓના આદેશથી જ ડિમોલિશન સ્થળે ગયા હતા.તેમણે આ બાબતનું લેખિત નિવેદન પણ આપ્યું હતું. બાદમાં જ્યારે તેમણે પોતાના જ નિવેદનની નકલ માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે તપાસ સમિતિએ નકલ આપવાનો ઇનકાર કર્યો હોવાનો પણ રિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

30 જૂનના નિવેદન બાદ સસ્પેન્શન
રિટમાં જણાવ્યા મુજબ, 30 જૂને લેખિત નિવેદન આપ્યા બાદ બીજા જ દિવસે એટલે કે 1 જુલાઈએ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.પ્રજાપતિનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાએ પૂર્વગ્રહ રાખીને ખોટા ઇરાદાથી તેમની સામે કાર્યવાહી કરી છે.

“હું રોડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવું છું”
સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટને જણાવ્યું છે કે તેઓ રોડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવે છે અને નાસિરનગરમાં થયેલી ડિમોલિશન કામગીરી સાથે તેમનો કોઈ વહીવટી સંબંધ નહોતો.તેમ છતાં મ્યુનિસિપલ કમિશનરની ખાસ સૂચના મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું છે કે:
તેમણે કોઈ ડિમોલિશનનો આદેશ આપ્યો નહોતો.
કોઈ કર્મચારીને સૂચના આપી નહોતી.
ડિમોલિશનની કામગીરીનું સુપરવિઝન પણ કર્યું નહોતું.
માત્ર કમિશનરના નિર્દેશને અનુસરી સ્થળ પર હાજર રહ્યા હતા.

સ્થળ પર હાજર રહેવું મિસકન્ડક્ટ નથી”પ્રજાપતિએ પોતાની અરજીમાં દલીલ કરી છે કે જો મ્યુનિસિપલ કમિશનરના આદેશથી કોઈ અધિકારી સ્થળ પર હાજર રહે તો તેને મિસકન્ડક્ટ કે બેદરકારી ગણાવી શકાય નહીં.તેમણે સ્પષ્ટ કર્યું છે કે ડિમોલિશનની વાસ્તવિક કાર્યવાહી મહાનગરપાલિકાના અન્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

કમિશનરની ભૂમિકા અંગે ઉઠાવ્યા પ્રશ્નો
સુજલ પ્રજાપતિએ પોતાની અરજીમાં મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે:
મ્યુનિસિપલ કમિશનરે કયા સંજોગોમાં તેમને ડિમોલિશન સ્થળે જવા સૂચના આપી?
શું ફોન, મેસેજ અથવા અન્ય માધ્યમથી સૂચના આપવામાં આવી હતી?
આ તમામ બાબતોની તપાસ કર્યા વિના તેમની સામે સસ્પેન્શન કેમ કરાયું?
તેમનો આક્ષેપ છે કે તપાસ સમિતિએ આ મુદ્દાઓની કોઈ ગંભીર તપાસ કર્યા વગર સીધી કાર્યવાહી કરી દીધી.

“મને બલિનો બકરો બનાવવામાં આવ્યો”
રિટમાં પ્રજાપતિએ જણાવ્યું છે કે બંધારણ દરેક નાગરિકને સમાન હક અને ન્યાયની ખાતરી આપે છે. છતાં આ કેસમાં તેમને એકલા જવાબદાર ઠેરવીને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવામાં આવી નથી.તેમણે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ જવાબદાર અધિકારીઓની ભૂમિકાની પણ સમીક્ષા કરવામાં આવે.

કેસમાં હવે આગળ શું?
હાઈકોર્ટમાં દાખલ થયેલી આ રિટ બાદ નાસિરનગર ડિમોલિશન કેસમાં નવા પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરના આદેશ, તપાસ સમિતિની કામગીરી, સસ્પેન્શનની પ્રક્રિયા અને અધિકારીઓની જવાબદારી અંગે હવે કોર્ટમાં વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. જો રિટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે કોર્ટ દ્વારા વધુ તપાસના આદેશ આપવામાં આવશે તો સમગ્ર ડિમોલિશન કેસમાં નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસ હવે માત્ર ડિમોલિશન પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ મહાનગરપાલિકાની વહીવટી પ્રક્રિયા, જવાબદારી અને પારદર્શિતા અંગે પણ મહત્વનો કાયદાકીય મુદ્દો બની ગયો છે.

Most Popular

To Top