ભરૂચ, તા. 10
ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સ્થિત એક પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાંથી શુક્રવારે એક કુતુહલ સર્જતો કિસ્સો સામે આવ્યો છે. પંપ પર ઉભી રાખેલી એમ્બ્યુલન્સની અંદરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટનાએ સ્થાનિક લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જ્યો છે.
મળતી માહિતી મુજબ, પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં લાંબા સમયથી એક એમ્બ્યુલન્સ ઉભી હતી.શુક્રવારે સવારે જ્યારે પંપના સ્ટાફે તેની આસપાસ શંકાસ્પદ દુર્ગંધ આવતાં નજીક જોયું તો એમ્બ્યુલન્સની અંદર એક વ્યક્તિની લાશ પડેલી જોવા મળતા આંખો ફાટી ગઈ. તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી.
બનાવની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તાત્કાલિક વિસ્તારને ઘેરો ઘાલીને તપાસ શરૂ કરી. સાથે જ FSLની ટીમને પણ બોલાવવામાં આવી. FSLની ટીમે ઘટનાસ્થળે રાસાયણિક પરીક્ષણ, ફોટોગ્રાફી અને અન્ય વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પૂર્ણ કરી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો.
હાલમાં મૃત્યુના ચોક્કસ કારણો સ્પષ્ટ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્યક્તિનું મોત કુદરતી છે કે અકસ્માતવશ, અથવા અન્ય કોઈ કારણસર થયું છે – આ તમામ પ્રશ્નોના જવાબ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ મળી શકશે. ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ તાલુકા પોલીસે અત્યારે અકસ્માતે મોત (Accidental Death)નો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નજીકના વિસ્તારો, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સેવાઓના રેકોર્ડ તપાસી રહી છે. સાથે સીસીટીવી ફૂટેજના આધારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એમ્બ્યુલન્સ ત્યાં ક્યારથી અને કોના દ્વારા મૂકવામાં આવી હતી.