ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વર્ષો જૂના સંબંધોમાં હવે રમતગમતના માધ્યમથી એક નવું અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે. ત્રણ દેશોના પ્રવાસે નીકળેલા પીએમ મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે વિશ્વપ્રસિદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી એક મોટો ધમાકો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝની હાજરીમાં તેમણે જાહેરાત કરી કે, ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી20 ટૂર્નામેન્ટ ‘બિગ બેશ લીગ’ (BBL) ની આગામી સીઝનની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે. ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વિદેશી ટી20 લીગની સત્તાવાર મેચ ભારતીય ધરતી પર રમાવા જઈ રહી છે.
ચેન્નઈના મેદાન પર જામશે ટક્કર
ભારતમાં આઈપીએલની જેમ જ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગનો પણ ભારે ક્રેઝ છે. આ હાઈ-વોલ્ટેજ ઓપનિંગ મેચ 12 ડિસેમ્બરના રોજ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. બીબીએલની 16મી સીઝનનો આ પ્રથમ મુકાબલો મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાશે. ડિસેમ્બર મહિનામાં ભારતમાં અઠવાડિયા સુધી ચાલનારા ઓસ્ટ્રેલિયન સાંસ્કૃતિક મહોત્સવ ‘G’Day Namaste’ના ભાગરૂપે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે.
શું છે આ બિગ બેશ લીગ (BBL)?
BBL ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી પ્રોફેશનલ ટી20 ક્રિકેટ લીગ છે, જેની શરૂઆત વર્ષ 2011માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા થઈ હતી. આ લીગમાં ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ શહેરોની 8 ટીમો ભાગ લે છે. પુરુષોની લીગની જેમ જ મહિલાઓ માટે પણ ‘વિમેન્સ બિગ બેશ લીગ’ રમાય છે, જે વિશ્વની સૌથી મોટી મહિલા ટી20 પ્લેટફોર્મ છે.
રમતગમત ક્ષેત્રે સહયોગ માટે નવો રોડમેપ
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન બંને દેશોના વડાઓએ રમતગમત ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા માટે ‘રોડમેપ ઓન સ્પોર્ટ કોઓપરેશન’ જાહેર કર્યો છે. આ કરાર હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ સાયન્સ, ટેકનોલોજી રિસર્ચ, ખેલાડીઓની ક્ષમતા નિર્માણ અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. આ ભાગીદારી એવા સમયે થઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયા 2032ના બ્રિસ્બેન ઓલિમ્પિક્સની અને ભારત 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારીઓ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે જણાવ્યું કે, ક્રિકેટ બંને દેશોના લોકોને દિલથી જોડવાનું સૌથી મજબૂત માધ્યમ છે.