Vadodara

કરજણ પોલીસે ફરનેશ ઓઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, રૂ.40.54 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયા

બામણગામના હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટેન્કરમાંથી 7,505 કિલો ફરનેશ ઓઇલ ચોરીનો ભાંડો ફૂટ્યો

સ્કોટ ગ્લાસ ઇન્ડિયા માટે જતું ઓઇલ ગેરકાયદે ઉતારતા પોલીસે દરોડો પાડયો

વડોદરા તા.9

વડોદરા ગ્રામ્ય પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ સામે હાથ ધરાયેલા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ કરજણ તાલુકાના બામણગામ સ્થિત હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફરનેશ ઓઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી છ આરોપીઓને ઝડપી રૂ.40.54 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડોદરા ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બામણગામની સીમમાં આવેલા હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં. 31-32 ખાતે શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી.
પોલીસે સ્થળને કોર્ડન કરીને છ શખ્સોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે સ્કોટ ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ, જંબુસર માટે સ્ટાર એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવતું ફરનેશ ઓઇલ કંપનીમાં પહોંચાડવાના બદલે ગેંગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાવી ટેન્કરમાંથી આશરે 7,505 કિલો ફરનેશ ઓઇલ, કિંમત રૂ.5.29 લાખ, ગેરકાયદેસર રીતે કાઢી ચોરી કરવામાં આવતું હતું.
પોલીસે કાર્યવાહી દરમિયાન લોખંડના પાંચ બેરલ, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, રબ્બરની પાઇપો, ત્રણ સિન્ટેક્સ ટાંકા, એક મોટરસાયકલ, ફરનેશ ઓઇલ ભરેલા બે ટેન્કર, બિલ્ટી સહિત કુલ રૂ.40.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં ઉત્તર પ્રદેશ અને મુંબઈ સાથે સંકળાયેલા છ આરોપીઓની ધરપકડ કરીને કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top