SURAT

સુરતમાં રોડ ધોવાતા 5 એજન્સીને શો-કોઝ નોટિસ, અનુભવી કંપનીઓ પણ નિષ્ફળ, 16 દિવસમાં 5 રસ્તા ધસી પડ્યા

સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના રસ્તાઓની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા માત્ર 16 દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ મોટા રોડ ધસી પડવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકા (SMC)એ પાંચ અલગ-અલગ કન્સ્ટ્રક્શન એજન્સીઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ તમામ કંપનીઓ છેલ્લા 10થી 41 વર્ષથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કાર્યરત છે અને મોટી સરકારી યોજનાઓ પૂર્ણ કરવાનો અનુભવ ધરાવે છે.

આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 16 જૂનના રોજ ડીંડોલી વિસ્તારમાં થઈ હતી. અહીં લગભગ 100 મીટર લાંબો રસ્તો અચાનક ધસી પડ્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે રસ્તા પરથી પસાર થઈ રહેલો ભારે ડમ્પર પણ ખાડામાં ફસાઈ ગયો હતો. ડમ્પરને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવી પડી હતી. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 30 જૂને મોટા વરાછામાં વધુ ગંભીર ઘટના બની હતી. અહીં લગભગ 700 મીટર સુધીનો રસ્તો જમીનમાં બેસી ગયો હતો. રોડ ધસી પડતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી તેમજ પસાર થઈ રહેલી અનેક કારો ખાડામાં ફસાઈ ગઈ હતી. ભારે વરસાદ વચ્ચે સર્જાયેલા આ દ્રશ્યોને જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એ જ દિવસે પુણાગામના સણીયા ગામ નજીક પણ રસ્તો ધસી પડ્યો હતો. અહીં રોડ બેસી જતાં અંદાજે 7 વાહનો ખાડામાં દબાઈ ગયા હતા. તેમાં કેટલાક ભારે કોમર્શિયલ વાહનો પણ સામેલ હતા. સતત એક જ દિવસે શહેરના બે વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓએ રસ્તાઓની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

1 જુલાઈના રોજ ઉધના-પાંડેસરા રોડ પર વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા બચી હતી. રસ્તો અચાનક ધસી પડતાં 35 મુસાફરોને લઈને જઈ રહેલી સરકારી એસટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. 2 જુલાઈએ ડીંડોલીના જી-9 સર્કલ પાસે લગભગ 40 મીટર લાંબો રસ્તો ધસી પડ્યો હતો. આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરી અને યોગ્ય પુરાણ ન થતાં સામાન્ય વરસાદમાં જ રસ્તો બેસી ગયો. આ સમગ્ર મામલે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ પણ સ્વીકાર્યું છે કે જ્યાં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી ત્યાં રોડ બેસી જવાની ઘટના બની છે. તેમણે જણાવ્યું કે કામગીરીની ગુણવત્તા, મટીરિયલ અને દેખરેખ અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર જવાબદાર સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

SMC દ્વારા જે પાંચ એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે તેમાં પી. દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રી હિન્દુસ્તાન ફેબ્રિકેટર્સ, એસવીઆર કન્સ્ટ્રક્શન, સિવિલીસ ઇન્ફ્રા અને એ.વી. પટેલ કંપનીનો સમાવેશ થાય છે. દરેક કંપનીને અલગ-અલગ પ્રકારની બેદરકારી બદલ જવાબ માંગવામાં આવ્યો છે. ક્યાંક ટ્રેન્ચનું યોગ્ય પુરાણ ન કરવું, ક્યાંક વોટરિંગ અને બેરીકેડિંગમાં બેદરકારી, તો ક્યાંક ચોમાસા પહેલા અધૂરું કામ છોડવાના મુદ્દે નોટિસ આપવામાં આવી છે. આ કંપનીઓમાં કેટલીક પાસે ISO પ્રમાણપત્રો છે, તો કેટલીક દેશના વિવિધ રાજ્યોમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી ચૂકી છે. ખાસ કરીને એસવીઆર કન્સ્ટ્રક્શન હવે અમેરિકાના એલાબામામાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. છતાં સુરતમાં તેમના કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

નિયમો અનુસાર રોડ બનાવ્યા બાદ 5થી 12 વર્ષ સુધી તેની જાળવણી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. આ સમયગાળા દરમિયાન રોડમાં ખામી જોવા મળે તો તેનું સમારકામ પણ કંપનીએ જ કરવાનું હોય છે. છતાં થોડા વરસાદમાં જ રસ્તાઓ ધસી પડતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મેન્ટેનન્સના નિયમો માત્ર કાગળ પર જ છે કે શું? હાલ મહાનગરપાલિકાએ પાંચેય એજન્સીઓના જૂના કામો, ટેન્ડરની શરતો અને કામગીરીની ગુણવત્તાની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં દોષિત કંપનીઓ સામે દંડ, બ્લેકલિસ્ટિંગ અથવા અન્ય કડક કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સમગ્ર સુરતની નજર છે.

Most Popular

To Top