પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી તેવી સ્પષ્ટતા હાલમાં વિદેશ મંત્રાલયે કરી તે પછી એક મોટો વિવાદ ઉભો થયો કે જો પાસપોર્ટ પણ નાગરિકતાનો પુરાવો નથી તો પછી નાગરિકતાનો પુરાવો કયા દસ્તાવેજો છે? કારણ કે હાલ થોડા સમય પહેલા જ બિહાર અને બંગાળમાં એસઆઇઆરની કાર્યવાહી વખતે એવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી, તે માત્ર એક ઓળખ પત્ર છે. સ્વાભાવિક રીતે જ આ સંદર્ભમાં વિપક્ષો, વિચારકો અને સામાન્ય લોકો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, મતદાર ઓળખ પત્ર એ નાગરિકતાનો પુરાવો નથી, પાસપોર્ટ પણ પુરાવો નથી તો પછી ભારતીય નાગરિક હોવાનો પુરાવો શું છે?
પાસપોર્ટ અંગેના ખુલાસા પછી ભારે વિવાદ થયા બાદ સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી કે પાસપોર્ટ ક્યારેય નાગરિકતાનો પુરાવો રહ્યો નથી અને છેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકાર દ્વારા આ દસ્તાવેજ અંગે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ એ પ્રવાસનો દસ્તાવેજ છે અને નાગરિકતાનો પુરાવો નથી તેવી સ્પષ્ટતા અંગેના મીડિયા અહેવાલો પર સૂત્રોએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તેવો નિર્ણય ગઈકાલે લેવાયો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ મુજબ બિન-નાગરિકોને પણ પાસપોર્ટ આપી શકાય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગઈકાલે એવું નક્કી નથી કરાયું કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી. છેલ્લા ૧૨ વર્ષમાં પણ આવો કોઈ નિર્ણય લેવાયો નથી. પાસપોર્ટ ક્યારેય નાગરિકતાનો પુરાવો રહ્યો જ નથી. મીડિયા અહેવાલોમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાસપોર્ટ એ પ્રવાસ માટેનો દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નથી. તે એવો દસ્તાવેજ નથી જે નાગરિકતા સ્થાપિત કરે છે. ભારતીય પાસપોર્ટ બિનભારતીયને પણ અમુક સંજોગોમાં જારી કરી શકાય છે તે સંદર્ભમાં આ વાત જો કે યોગ્ય જણાય છે.
નાગરિકતાના પુરાવા અંગે વિવાદમાં વિપક્ષે સરકાર પર આકરા કટાક્ષો કર્યા હતા. TMC નેતા મહુઆ મોઇત્રાએ આ મુદ્દે સરકાર પર કટાક્ષ કરતા X પર કહ્યું કે, એવું લાગે છે કે આજે ભારતીય નાગરિકતાનો એકમાત્ર પુરાવો હિન્દુ હોવું અને ભાજપના મતદાર હોવું તે જ છે. બીજું કંઈ ચાલશે નહીં. રાજ્યસભાના સાંસદ કપિલ સિબલે પણ આ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. તો પછી કયો દસ્તાવેજ નાગરિકતાનો પુરાવો છે? બીએલઓ (BLO) મારી નાગરિકતા પર શંકા કરી શકે છે અને મને મારા વોટથી વંચિત કરી શકે છે.
પરિણામે ભાજપ ચૂંટણી જીતી જાય. હવે મામલો સુપ્રિમ કોર્ટના ભરોસે! એમ તેમણે X પર કહ્યું. ગીતકાર જાવેદ અખ્તરે વિદેશ મંત્રાલયની આ સ્પષ્ટતાને વાહિયાત ગણાવી હતી. તેમણે X પર કહ્યું, વિદેશ મંત્રાલય કહે છે કે પાસપોર્ટ એ પ્રવાસનો દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નથી. ખરેખર??? તો શું તેઓ આ પ્રવાસ દસ્તાવેજ એ વ્યક્તિ ભારતીય નાગરિક છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા વિના જ આપી રહ્યા છે?? જાવેદ અખ્તરનો ગુસ્સો વાજબી છે પરંતુ ભારતીય પાસપોર્ટ બિનભારતીયને પણ અમુક સંજોગોમાં જારી કરવામાં આવે છે તે વાતની તેમને જાણ નહીં હશે.
૨૦૧૩માં બોમ્બે હાઈકોર્ટના ચુકાદાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા અંગેની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું હતું કે આધાર એ નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી, માત્ર ઓળખનો દસ્તાવેજ છે. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) અને સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)ના સમૂહ દ્વારા એક વિગતવાર સ્પષ્ટતા જારી કરી હતી.
જેમાં જણાવાયું હતું કે, જન્મતારીખ અને જન્મસ્થળ સંબંધિત કોઈપણ દસ્તાવેજો સબમિટ કરીને નાગરિકતા સાબિત કરી શકાય છે. જો કે, આવા સ્વીકાર્ય દસ્તાવેજો અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે. એટલે હજી પણ નાગરિકતા અંગે સ્પષ્ટતા કરતા કોઇ સ્વીકૃત દસ્તાવેજો તો છે જ નહીં એમ કહી શકાય. PIB એ FAQs માં એમ પણ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિની નાગરિકતા સિટિઝનશિપ રૂલ્સ, ૨૦૦૯ ના આધારે નક્કી કરવામાં આવે છે. આ નિયમો સિટિઝનશિપ એક્ટ, ૧૯૫૫ પર આધારિત છે.
તેમાં જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ માટે ભારતનો નાગરિક બનવાની પાંચ રીતો છે: જન્મ દ્વારા નાગરિકતા, વંશાવલી દ્વારા નાગરિકતા, નોંધણી દ્વારા નાગરિકતા, દેશીયકરણ (નેચરલાઈઝેશન) દ્વારા નાગરિકતા અને પ્રદેશના સમાવેશ દ્વારા નાગરિકતા. આ રીતે નાગરિકતા મેળવી શકાય છે તે બરાબર, પરંતુ કોઇ પણ નાગરિકને પોતાની ભારતીય નાગરિકતા પુરવાર કરવા માટે શું કરવું જોઇએ અને તેની પાસે કયા દસ્તાવેજો હોવા જોઇએ તેની સ્પષ્ટતા કરતી માર્ગદર્શિકા જારી થાય તે ઇચ્છનીય છે.