રસોઈયાએ મારપીટ, ગાળો, મોબાઇલ છીનવી બળજબરીથી રોકી રાખ્યાનો આરોપ; ભોપાલ પોલીસે તપાસ શરૂ કરી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ તરફથી રમતા ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા, નિવૃત્ત IPS અધિકારી તથા પૂર્વ સ્પેશિયલ ડીજી શૈલેશ સિંહ સામે ગંભીર આરોપો હેઠળ FIR નોંધાઈ છે. ફરિયાદ તેમના નિવાસસ્થાને કામ કરતા રસોઈયાએ નોંધાવી છે. ફરિયાદમાં મારપીટ, અપશબ્દો બોલવા, મોબાઇલ છીનવી લેવા અને બળજબરીપૂર્વક કામ કરાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કેસ નોંધ્યા બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદીનું નામ વિપેન્દ્ર સિંહ તોમર (ઉંમર 31 વર્ષ) છે, જે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રહેવાસી છે. તેણે જણાવ્યું કે તેને ઓળખાણના વ્યક્તિ મારફતે ભોપાલના મેન્ડોરી ગામ સ્થિત શૈલેશ સિંહના બંગલામાં રસોઈયા તરીકે કામ અપાવવામાં આવ્યું હતું. તેને દર મહિને ₹15,000 પગાર, રહેવા-જમવાની સુવિધા અને ભવિષ્યમાં સરકારી નોકરી અપાવવાની ખાતરી આપવામાં આવી હતી.વિપેન્દ્રના જણાવ્યા મુજબ શરૂઆતના થોડા દિવસો બાદ તેની સાથે અપમાનજનક વર્તન શરૂ થયું. રસોઈમાં નાની ભૂલ થતાં જ તેને ગાળો આપવી, માનસિક દબાણ ,સતત અપમાનજનક વાતાવરણને કારણે તેણે નોકરી છોડીને પોતાના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
નોકરી છોડવાની વાત કરતા જ વધી ગયો વિવાદ
ફરિયાદ અનુસાર જ્યારે તેણે નોકરી છોડવાની વાત કરી ત્યારે શૈલેશ સિંહ, તેમના પુત્ર શશાંક સિંહ અને ઘરના ડ્રાઇવર મિશ્રા ગુસ્સે થઈ ગયા. ત્રણેયે મળીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને ત્યાંથી જવા દીધો નહીં.વિપેન્દ્રનો આરોપ છે કે તેનો મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યો જેથી તે પોતાના પરિવાર અથવા અન્ય કોઈ વ્યક્તિનો સંપર્ક ન કરી શકે. આ ઉપરાંત તેને બળજબરીથી કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું.
રૂમમાં બંધ થયા બાદ પણ છોડ્યો નહીં
ફરિયાદમાં જણાવાયું છે કે પોતાની સુરક્ષા માટે વિપેન્દ્ર એક રૂમમાં જઈ અંદરથી બંધ થઈ ગયો હતો. જોકે આરોપીઓએ રૂમનો દરવાજો ખોલી તેની સાથે મારપીટ કરી હતી. તેના ચહેરા અને શરીર પર ઇજાના નિશાન પડ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.પોલીસે ફરિયાદ બાદ તબીબી તપાસ કરાવી હતી જેમાં શરીર પર ઇજાના નિશાન હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાય છે. આ મેડિકલ પુરાવાના આધારે પોલીસે FIR નોંધવાની કાર્યવાહી કરી છે.
કઈ કલમો હેઠળ કેસ નોંધાયો?
ભોપાલના રાતીબડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં નિવૃત્ત IPS અધિકારી શૈલેશ સિંહ, તેમના પુત્ર અને IPL ક્રિકેટર શશાંક સિંહ તથા ડ્રાઇવર મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યા છે.
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની નીચેની કલમો હેઠળ કેસ નોંધાયો છે:
કલમ 296(B) – અપશબ્દો બોલવા અને અપમાનજનક વર્તન સંબંધિત ગુનો.
કલમ 115(2) – ઈરાદાપૂર્વક મારપીટ કરી ઈજા પહોંચાડવાનો આરોપ.
કલમ 3(5) – એકથી વધુ વ્યક્તિઓ દ્વારા સામૂહિક રીતે ગુનો આચરવાનો આરોપ.
પોલીસ શું કહે છે?
રાતીબડ પોલીસે જણાવ્યું છે કે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે અને તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન ફરિયાદી, આરોપીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે. મેડિકલ રિપોર્ટ સહિતના તમામ પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
ક્રિકેટ જગતમાં પણ ચર્ચા
શશાંક સિંહ છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં પોતાની આક્રમક બેટિંગને કારણે જાણીતા બન્યા છે. તેઓ પંજાબ કિંગ્સ ટીમનો મહત્વનો ભાગ રહ્યા છે. બીજી તરફ તેમના પિતા શૈલેશ સિંહ મધ્યપ્રદેશ પોલીસના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે અને સ્પેશિયલ ડીજી તરીકે સેવા આપી નિવૃત્ત થયા હતા.આ બંને જાણીતા નામો સામે ગુનો નોંધાતા રમતગમત અને વહીવટી વર્તુળોમાં આ ઘટનાની ભારે ચર્ચા શરૂ થઈ છે.
આરોપીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી શશાંક સિંહ, તેમના પિતા શૈલેશ સિંહ અથવા તેમના પરિવાર તરફથી આ આરોપોને લઈને કોઈ સત્તાવાર જાહેર નિવેદન બહાર આવ્યું નહોતું. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ પર સૌની નજર
આ કેસમાં એક તરફ દેશના જાણીતા IPL ક્રિકેટરનું નામ છે તો બીજી તરફ નિવૃત્ત IPS અધિકારીનું. તેથી સમગ્ર મામલો અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને ઉપલબ્ધ પુરાવા તથા તપાસના આધારે જ આગળની કાર્યવાહી થશે.હાલ માટે FIR નોંધાઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન મળનારા પુરાવા, મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનોના આધારે જ કેસની આગામી દિશા નક્કી થશે.