આજના સમયમાં ઘણા લોકો વધુ સારી તક, પગાર અથવા કારકિર્દીની પ્રગતિ માટે નોકરી બદલતા રહે છે. પરંતુ નોકરી બદલતી વખતે એક એવી મહત્વની બાબત છે જેને ઘણા કર્મચારીઓ અવગણે છે. તે છે તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટનું ટ્રાન્સફર અને મર્જર. ઘણી વખત કર્મચારીઓ એવું માની લે છે કે નોકરી બદલ્યા બાદ જૂનું PF એકાઉન્ટ આપમેળે નવા ખાતા સાથે જોડાઈ જાય છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. જ્યારે કોઈ કર્મચારી નવી કંપનીમાં જોડાય છે, ત્યારે તેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે એક નવું PF મેમ્બર આઈડી જોડાઈ જાય છે. પરિણામે એક જ UAN હેઠળ બે કે તેથી વધુ PF ખાતા બની શકે છે. EPFOના નિયમો મુજબ જૂના PF ખાતાની રકમ નવા ખાતામાં ટ્રાન્સફર કરવી ફરજિયાત નથી, પરંતુ નિષ્ણાતો તેને ખૂબ જ જરૂરી અને ફાયદાકારક માને છે.
PF એકાઉન્ટ મર્જ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી બધી બચત એક જ જગ્યાએ એકત્રિત થઈ જાય છે. જેના કારણે અલગ-અલગ PF ખાતા સંભાળવાની ઝંઝટ રહેતી નથી. ઉપરાંત, ભવિષ્યમાં PF ક્લેમ કે ફાઇનલ સેટલમેન્ટ કરતી વખતે પણ પ્રક્રિયા સરળ બની જાય છે. ટેક્સની દૃષ્ટિએ પણ આ ખૂબ મહત્વનું છે. PFની રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષની સતત સેવા જરૂરી હોય છે. જો કર્મચારી વારંવાર નોકરી બદલતો હોય અને PF મર્જ ન કરે, તો સર્વિસ હિસ્ટ્રી તૂટેલી ગણાઈ શકે છે. આવી સ્થિતિમાં સમય પહેલાં રકમ ઉપાડવા પર ટેક્સ અને TDS લાગવાની શક્યતા રહે છે. જ્યારે ખાતું મર્જ કરવાથી અગાઉની નોકરીના વર્ષો પણ નવા ખાતા સાથે જોડાઈ જાય છે અને ટેક્સ બચાવવામાં મદદ મળે છે.
EPFOએ હવે PF ટ્રાન્સફરની પ્રક્રિયાને ઘણી હદ સુધી ઓટોમેટિક બનાવી દીધી છે. જોકે તેના માટે આધાર કાર્ડ, બેન્ક ખાતાની વિગતો અને KYC સંપૂર્ણપણે અપડેટ હોવી જરૂરી છે. ઉપરાંત જૂની કંપનીએ ‘Date of Exit’ પણ સિસ્ટમમાં અપડેટ કરેલી હોવી જોઈએ. જો તમામ વિગતો યોગ્ય હોય, તો નવી કંપની દ્વારા પ્રથમ PF કન્ટ્રિબ્યુશન જમા થતાં જ સિસ્ટમ ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો કર્મચારી જાતે PF ટ્રાન્સફર કરવા માંગતો હોય તો EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર લોગિન કરીને ‘One Member – One EPF Account (Transfer Request)’ વિકલ્પ પસંદ કરી શકે છે. જરૂરી વિગતો ચકાસ્યા બાદ OTP વેરિફિકેશન કરીને ઓનલાઈન રિક્વેસ્ટ સબમિટ કરી શકાય છે. કંપનીની મંજૂરી મળ્યા પછી EPFO જૂના ખાતાનું બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર કરી દે છે.
ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓને ભૂલથી બે અલગ-અલગ UAN નંબર પણ ફાળવાઈ જાય છે. આવી સ્થિતિમાં EPFOને ઇમેઇલ કરીને બંને UAN મર્જ કરાવવાની પ્રક્રિયા પણ ઉપલબ્ધ છે. નિષ્ણાતોનું માનવું છે કે નોકરી બદલ્યા બાદ PF ખાતું મર્જ કરી દેવું સારું. તેથી જો તમે તાજેતરમાં નોકરી બદલી હોય, તો તમારું PF એકાઉન્ટ યોગ્ય રીતે ટ્રાન્સફર અને મર્જ થયું છે કે નહીં તેની ચકાસણી જરૂર કરી લો.