Savli

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત, રાજકીય વર્તુળોમાં શોકની લાગણી

ધનતેજ ગામે નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવારજનોએ પોલીસને કરી જાણ
મોતના કારણો અંગે પોલીસની તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો થશે સ્પષ્ટ

સાવલી/વડોદરા, તા. 13
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપ યુવા મોરચાના તાલુકા પ્રમુખ પ્રફુલ પર્વતસિંહ સોલંકીએ આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ધનતેજ ગામ સ્થિત પોતાના નિવાસસ્થાને તેમણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રફુલ સોલંકી ભાજપના યુવા અને સક્રિય કાર્યકર તરીકે ઓળખાતા હતા અને હાલમાં સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમના અચાનક નિધનના સમાચારથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top