SURAT

સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી, 5 દિવસથી હતો ગુમ, દુર્ગંધથી ખુલ્યો ભેદ

સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાંથી 28 વર્ષીય યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક છેલ્લા પાંચ દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સી બહાર એક વેગનઆર કાર ઘણા સમયથી પાર્ક કરેલી હતી. મોડી રાત્રે સ્થાનિક લોકોને કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું જણાયું હતું. શંકા જતાં કેટલાક લોકોએ કારની નજીક જઈને તપાસ કરતાં અંદર એક વ્યક્તિનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ તરત જ ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારનું નિરીક્ષણ કર્યું અને અંદરથી યુવકની લાશ બહાર કાઢી હતી. મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં અને કોહવાઈ ગયેલી સ્થિતિમાં મળ્યો હોવાથી પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત બે-ત્રણ દિવસ પહેલાં થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિવાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ હતી. પરિવારના જણાવ્યા અનુસાર રવિ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનો સતત તેની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. પાંચ દિવસ બાદ રવિનો મૃતદેહ આ રીતે કારમાંથી મળી આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો અને નજીકના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતદેહની સ્થિતિ ખૂબ ખરાબ હોવાથી પ્રાથમિક તપાસમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.

પોલીસ હવે તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે. યુવકનું મોત કુદરતી કારણોસર થયું, અકસ્માતનો ભોગ બન્યો, આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરીને મૃતદેહ કારમાં મૂકવામાં આવ્યો હતો, તે અંગે તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ફોરેન્સિક તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. ઉત્રાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાર તેમજ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવી શકે છે.

Most Popular

To Top