Vadodara

પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી: પાલિકાની કચેરી સામે જ પડ્યો ભુવો, રહીશોમાં ભારે રોષ


વડોદરા, તા. 11:

ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના વોર્ડ નં. 14ની કચેરી સામે આવેલા વિસ્તારમાં મસમોટો ભુવો પડતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી કાંસની યોગ્ય સફાઈ કર્યા વિના જ ભુવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

રહીશોના જણાવ્યા મુજબ ભુવો પડેલા સ્થળની નીચે આવેલી વરસાદી કાંસમાં કચરો અને કાદવનો જથ્થો જમા થયો છે. જોકે, તેની સફાઈ કર્યા વગર માત્ર ઉપરથી ભુવો પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ આ અંગે વાંધો ઉઠાવી યોગ્ય સફાઈ બાદ જ કામ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નથી.
વિસ્તારના વેપારીઓ અને વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી અધૂરી અને ધીમી કામગીરીના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ભુવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડશે તો વરસાદી કાંસ ચોકઅપ થવાના કારણે પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ભરાઈ શકે છે.
સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર અને સંબંધિત અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ ભુવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરશે. હાલ આ મુદ્દે વિસ્તારના લોકો પાલિકા તંત્ર પાસેથી તાત્કાલિક અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

Most Popular

To Top