ગાંધીનગર
રાજ્ય સરકાર વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. આ નીતિના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા સંબંધિત ગંભીર ક્ષતિઓ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ચમારડી ગામના સરપંચ દ્વારા સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા, ટેકનિકલ ખામીઓ અને બેદરકારી અંગે પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રીએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદમાં દર્શાવવામાં આવેલા મુદ્દાઓમાં તથ્ય સામે આવતા ફરજ પ્રત્યેની બેદરકારી અને ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા બદલ જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે. આવા સંજોગોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતા જાહેર ભવનોના બાંધકામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર, બેદરકારી કે ગુણવત્તા સાથેની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જાહેર નાણાંનો દુરુપયોગ અને વિકાસકાર્યોમાં ગુણવત્તા સાથેનું કોઈપણ સમાધાન રાજ્ય સરકારને મંજૂર નથી. જાહેર હિત માટે ખર્ચવામાં આવતો દરેક રૂપિયો નિર્ધારિત ધોરણો અને નિયમો મુજબ જ વપરાય તે સુનિશ્ચિત કરવું સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
પાનશેરિયાએ ઉચ્ચ અધિકારીઓને ચમારડી સબ-સેન્ટરના સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તકનીકી તપાસ હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ જ્યાં જ્યાં ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવે ત્યાં જવાબદારો સામે કડક વહીવટી કાર્યવાહી કરવા તેમજ જરૂરી હોય ત્યાં ખામીયુક્ત કામ દૂર કરીને નવેસરથી બાંધકામ કરાવવાના આદેશ પણ આપ્યા છે.
રાજ્ય સરકારના આ પગલાંથી વિકાસકાર્યો સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને અધિકારીઓને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. મંત્રી પ્રફુલ પાનશેરીયાની ત્વરિત કાર્યવાહીને વિકાસકાર્યોમાં જવાબદારી અને ગુણવત્તા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ભવિષ્યમાં પણ જાહેર હિત વિરુદ્ધ કામગીરી કરનારાઓ સામે કડક કાનૂની અને વહીવટી પગલાં યથાવત્ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.